ગ્રીનફોર્ડ જલારામ મંદિરના યજમાનપદે ન્યૂ યર સિવિક સર્વિસ યોજાઈ

ઈલિંગના મેયર દ્વારા બરોની વૈવિધ્યતાને પ્રદર્શિત કરવાનું આયોજન

Tuesday 09th January 2024 04:19 EST
 
 

લંડનઃ ઈલિંગના મેયર કાઉન્સિલર હિતેશ ટેઈલર દ્વારા 7 જાન્યુઆરી 2024ના રોજ ન્યૂ યર સિવિક સર્વિસનું આયોજન કરાયું હતું જેનું યજમાનપદ ગ્રીનફોર્ડના શ્રી જલારામ મંદિર અને કોમ્યુનિટી સેન્ટરે સંભાળ્યું હતું. બરોની વૈવિધ્યતાને પ્રદર્શિત કરવા સૌપ્રથમ સિવિક સર્વિસ યોજાઈ હતી.

આ પ્રસંગે મેયર કાઉન્સિલર હિતેશ ટેઈલરે જણાવ્યું હતું કે,‘મંદિર દ્વારા આ સર્વિસનું યજમાનપદ સંભાળી આધ્યાત્મિક ઉત્થાન કરનારી ભવ્ય સર્વિસના આયોજન કરવામાં મદદ કરાઈ તેનાથી હું સન્માનિત થયો છું. આ ઈવેન્ટ જે રીતે યોજાયો તથા મંદિર અને કોમ્યુનિટી સેન્ટરના સુંદર કાર્યોની ઉપસ્થિતો સમક્ષ રજૂઆત કરાઈ તેનાથી મને ગર્વ થયો છે.’

ઈલિંગના ત્રણેય સાંસદો- વિરેન્દ્ર શર્મા, જેમ્સ મુરે, રુપા હક, રિપ્રેઝન્ટેટિવ ડેપ્યુટી લેફ્ટનન્ટ રિચાર્ડ કોર્નિકી, જીએલએ મેમ્બર ડો. ઓંકાર સાહોતા, હેરોના મેયર કાઉન્સિલર રામજી ચૌહાન, હિલિંગ્ડનના મેયર કાઉન્સિલર શહરયાર અહમદ વાલાના, રિચમોન્ડના મેયર કાઉન્સિલર સુઝેટ નિકોલ્સન અને ભારતીય હાઈ કમિશનના ફર્સ્ટ સેક્રેટરી મિસ ઓવેશા ઈકબાલે સર્વિસમાં હાજરી આપી હતી. અન્ય ઉપસ્થિત મહેમાનોમાં ઈલિંગના અન્ય હિન્દુ મંદિરો, હિન્દુ ફોરમ ઓફ બ્રિટન સહિત હિન્દુ સંસ્થાઓ, બ્રિટિશ આર્મી, ધ ભવન, બરોના અન્ય ધર્મોના પ્રતિનિધિઓ તેમજ મંદિરના ટ્રસ્ટીઓ, બરોના પૂર્વ મેયરો અને નિયમિત ભાવિકજનોનો સમાવેશ થયો હતો.

સરઘસ અને આરતી સાથે સર્વિસનો આરંભ કરાયો હતો તે પછી,મેયરના ચેપલીન આચાર્ય શ્રી પાલકેશભાઈ ત્રિવેદીએ પ્રારંભિક પરિચય આપ્યો હતો. મંદિરના જોઈન્ટ પ્રેસિડેન્ટ અને તાજેતરમાં થ્રી રિવર્સ ડિસ્ટ્રિક્ટ કાઉન્સિલના ચેરમેનપદે નિયુક્ત કાઉન્સિલર રાજ ખિરોયાએ સહુનું સ્વાગત કર્યું હતું.

ગો ધાર્મિકના હનુમાન દાસે હિન્દુત્વના સત્વ અને બહેતર વિશ્વ માટે ભગવદ્ ગીતાની દૃષ્ટિ વિશે વાત કરી હતી. તેમણે જણાવ્યું હતું કે,‘ ક્લાઈમેટ ચેઈન્જ, ગરીબી, યુદ્ધ અને અન્ય સામાજિક સમસ્યાઓના નિરાકરણ માટે ભારતીય શાણપણ ખૂબ મૂલ્યવાન છે. મેયરની સિવિક સર્વિસ વિશ્વના લાભાર્થે આપણા સનાતન મૂલ્યોને આધુનિક સમય સમક્ષ મૂકવા મંચ આપે છે.’ આ પછી, રિપ્રેઝન્ટેટિવ ડેપ્યુટી લેફ્ટનન્ટ રિચાર્ડ કોર્નિકી, ઈલિંગના ત્રણેય સાંસદો અને કાઉન્સિલના લીડર તથા ભારતીય હાઈ કમિશનના ફર્સ્ટ સેક્રેટરીના નવા વર્ષના સંદેશાઓ રજૂ કરાયા હતા.

ઈવેન્ટનું સમાપન કરતા કાઉન્સિલર ખિરોયાએ જણાવ્યું હતું કે,‘ગ્રીનફોર્ડના શ્રી જલારામ મંદિર અને કોમ્યુનિટી સેન્ટર ખાતે ઈલિંગના મેયર કાઉન્સિલર હિતેશ ટેઈલર દ્વારા સૌપ્રથમ સિવિક સર્વિસનું યજમાનપદ સંભાળવાનું ખરેખર ગૌરવપ્રદ બની રહ્યું. આ ભવ્ય પ્રસંગે તમામ મહાનુભાવોને આવકારવામાં મંદિરને ઘણો જ આનંદ થયો હતો.’

(Photo Courtesy: Raj Bakrania

PR MEDIA PIX)


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter