નવા વર્ષે ભારતની આધ્યાત્મિક ધરોહરની છબી શ્રીમદ્ રાજચંદ્ર આધ્યાત્મિક કેન્દ્રનો પ્રારંભ

Wednesday 09th January 2019 02:05 EST
 
(ડાબેથી) હર્ટ્સમીઅરના મેયર, કાઉન્સિલર બ્રેન્ડા બેટન, હેરોના લોર્ડ ડોલર પોપટ, ગુરુદેવ રાકેશભાઈ, નોર્થવૂડના લોર્ડ જિતેશ ગઢિયા અને લંડનમાં શિવા ટ્રસ્ટના વડા સદ્ગુરુ શ્રી રમણાદેવી.
 

લંડનઃ નવા વર્ષ ૨૦૧૯ના પ્રથમ દિવસે હર્ટફોર્ડશાયરમાં આધ્યાત્મિક કલ્યાણ અને સમુદાયની સેવા માટે શ્રીમદ્ રાજચંદ્ર મિશન ધરમપુર દ્વારા લંડન સ્પિરિચ્યુઅલ સેન્ટરને લોન્ચ કરવામાં આવ્યું હતું. મિશનના સ્થાપક ગુરુદેવ રાકેશભાઈની ઉપસ્થિતિમાં વિવિધ કાર્યક્રમો યોજાયા હતા અને ૧૮૦૦થી વધુ શ્રદ્ધાળુઓ લંડનની શેરીઓમાં નાચતા અને ગાતા પરંપરાગત ઉજવણીમાં સામેલ થયા હતા. ઉલ્લેખનીય છે કે મહાત્મા ગાંધીના આધ્યાત્મિક ગુરુ શ્રીમદ રાજચંદ્રથી પ્રેરિત આ સેન્ટર ઇતિહાસમાં માઇલસ્ટોન બની રહેશે.

શ્રીમત રાજચંદ્ર મશન ધરમપુરના સંસ્થાપક અને આધ્યાત્મિક માર્ગદર્શક, દીર્ઘદૃષ્ટા ગુરુદેવ રાકેશભાઈ ૧૬ ફૂટ ઊંચા યાંત્રિક હાથી પર સવાર થઈને કેન્દ્ર ખાતે આવી પહોંચ્યા હતા. નવસજ્જિત કેન્દ્રમાં આધ્યાત્મિક અને સામુદાયિક સેવાની વિવિધ પ્રવૃત્તિઓ ચલાવવામાં આવશે, જેમાં આધ્યાત્મિક પ્રવચનો, યોગ, ધ્યાન, આંતરધર્મીય બેઠકો સહિતનો સમાવેશ થાય છે. આ કેન્દ્ર પ્રાર્થના-પૂજાસ્થળ, આધ્યાત્મિક સેવા તેમજ પોતાના સભ્યોઅને સમુદાય માટે સખાવતી પ્રવૃત્તિઓનું સ્થાન પણ બની રહેશે.

બુશીના પૂર્વ ફાલ્કનર હોલમાં સ્થાપિત લંડન સ્પિરીચ્યુઅલ સેન્ટરમાં સ્વગત કરતાં હર્ટ્સમીઅરના વર્શિપફુલ મેયર કાઉન્સિલર બ્રેન્ડા બેટને બુશીમાં SRMD UKને આવકાર આપવા સાથે બ્રિટિશ જીવનશૈલીમાં જૈનસમાજના યોગદાનનો ઉલ્લેખ કર્યો હતો. લોર્ડ ડોલર પોપટ, લોર્ડ જિતેશ ગઢિયા અને શિવા ટ્રસ્ટના શ્રી રમણ દેવી પણ આ પ્રસંગે ઉપસ્થિત રહ્યાં હતાં.

લોર્ડ પોપટે જૈન ધર્મના મુખ્ય અંગ સમાન અહિંસા, શાંતિ અને સહિષ્ણુતાના સાર્વત્રિક મૂલ્યોનો ઉલ્લેખ કરી વર્તમાન સમયમાં તેમની મહત્તા પર ભાર મૂક્યો હતો. મહાત્મા ગાંધીના આધ્યાત્મિક ગુરુ શ્રીમદ્ રાજચંદ્ર થકી આ મૂલ્યોએ તેમના જીવનને ભારે પ્રભાવિત કર્યું હતું. આ મહાન જૈન સંત અને ફિલોસોફર શ્રીમદ રાજચંદ્ર મિશન ધરમપુર (SRMD)ના પ્રેરણામૂર્તિ અને માર્ગદર્શન છે. તેમનું જીવન અને માનવતાપૂર્ણ કાર્યો સમગ્ર વિશ્વના હજારો મુમુક્ષઓના આધ્યાત્મિક વિકાસનું બળ બની રહ્યાં છે.

પરંપરાગત ધ્વજ ફરકાવીને ધર્મસરઘસનો આરંભ થયો હતો. કલાસિક બ્રિટિશ બગીઓમાં મૂર્તિઓ પધરાવાઈ હતી. ૧૮૦૦થી વધુ ભાવિકો સાથે ગુરુદેવ રાકેશભાઈ પણ સરઘસમાં સામેલ થયા હતા. ખુશી એકેડેમી સ્કૂલથી આરંભાયેલા સરઘસમાં ભક્તો પરંપરાગત નગારા અને આધ્યાત્મિક પ્રાર્થનાગીતોના અવાજ સાથે નાચતા અને ગાતા હતા. સ્થાનિક રહેવાસીઓ અને દર્શકો પણ આનંદમય ઊર્જાથી અળગાં રહી શક્યા ન હતા. તેઓએ પણ બગીઓમાં સવાર મૂર્તિઓને ગુલાબની પાંખડીઓથી વધાવી લીધી હતી. ઓસ્ટ્રેલિયા, કેન્યા, દુબઈ, ભારત અને આયર્લેન્ડથી પણ આવેલા ભક્તોએ વાતાવરણને નૃત્ય અને ગીતોથી ભાવવિભોર બનાવી દીધું હતું.

આ કાર્યક્રમના જીવંત ટેલિવિઝન પ્રસારણને ભારતમાં અંતરિયાળ ગામડા અને હવાઈ ટાપુઓ સહિતના વિસ્તારોમાં ભાવિકોએ પ્રેમથી નિહાળ્યું હતું. SRMD લંડન સ્પિરિચ્યુઅલ સેન્ટરને જૈનધર્મના પૂજાસ્થળ તરીકે પવિત્ર બનાવાયું ત્યારે ઉપસ્થિત હજારો લોકોના દિલોદિમાગ શક્તિશાળી ધાર્મિક લાગણીઓથી ભાવભીનાં બની ગયાં હતાં. લંડનમાં ચાર દિવસના કાર્યક્રમના નવા વર્ષના પ્રથમ દિવસ આ સરઘસ વિશિષ્ટ બની રહ્યું હતું. સમગ્ર વિશ્વના ભાવિકજનોએ ગુરુદેવ રાકેશભાઈના ઉપદેશાત્મક પ્રવચનો સાંભળી ધન્યતા અનુભવી હતી. પ્રાચીન જાપાની નગારાના અવાજો સૂફી કાવ્યો અને ભક્તો દ્વારા સાંસ્કૃતિક પરફોર્મન્સીસ સાથેના કાર્યક્રમે નૂતન વર્ષના આગમનને વધાવી લીધું હતું.

SRMD UK એ ગત દાયકામાં ૧૦ સૂત્રીય વૈશ્વિક કાર્યક્રમો સાથે તમામ સજીવોની સેવા અને જીવનને આનંદમય બનાવવાની પ્રતિબદ્ધતાનું દર્શન કરાવ્યું છે. શ્રીમદ્ રાજચંદ્ર લવ એન્ડ કેર ( SRLC) દ્વારા વૃક્ષારોપણ અભિયાનો, અંગ અને રક્તદાન અભિયાનો, ઘરબારવિહોણા લોકોને ધાબળા, અન્ન અને વસ્ત્રોનું દાન, વૃદ્ધોની સંભાળ કેદીઓના કલ્યાણ અને ઈમરજન્સી રાહત સહાય સહિત વિવિધ સ્થાનિક કોમ્યુનિટી પ્રોજેક્ટ્સની કામગીરી કરવામાં આવી હતી. હેમેલ હેમ્પસ્ટેડમાં સેન્સ ઇન્ટરનેશનલ અને સેન્ટ ફ્રાન્સિસ પીસ હોસ્પિસ સહિતની સંસ્થાઓ સહિત અનેક મૂલ્યવાન ઉદ્દેશો માટે હજારો પાઉન્ડનું ભંડોળ એકત્ર કરવાની કામગીરી પણ બજાવાઈ હતી.

SRLC દ્વારા દૈનિક પ્રાર્થના અને ભજન-સ્તવનો, આધ્યાત્મિક પ્રવચનો વિવિધ વયજૂથો માટે બેઠકો, બાળકો અને યુવાનો માટે મૂ્લ્યો આધારિત શિક્ષણ, ધ્યાન અને સ્વવિકાસ શિબિરો, કોમ્યુનિટી સર્વિસ પ્રોજેક્ટ્સ, જૈન તહેવારો સહિત અન્ય ઉત્સવોની ઉજવણી, જૈન સિદ્ધાંતો, યોગ કલ્યાણ, તંદુરસ્ત- આરોગ્યપ્રદ રસોઈ સહિત વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવશે. 


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter