પૂજ્ય મહંત સ્વામીની ઉપસ્થિતિમાં તેમના ૮૪મા જન્મદિનની ભક્તો દ્વારા ઉજવણી

Monday 09th October 2017 09:37 EDT
 
 

લંડનઃ BAPS સ્વામીનારાયણ સંસ્થાના આધ્યાત્મિક ગુરુ પૂજ્ય મહંત સ્વામી મહારાજના ૮૪મા જન્મદિનની આનંદપૂર્વક ઉજવણી લંડનના શ્રી સ્વામીનારાયણ મંદિર ખાતે શનિવાર, ૨૩ સપ્ટેમ્બરે કરવામાં આવી હતી. મંદિરના સ્વામીઓ દ્વારા સવારે પૂ. મહંત સ્વામીના માનમાં ધાર્મિક ગીતોનું ગાન કરાયું હતું. બાળકોએ તૈયાર કરેલા બર્થડે કાર્ડ્સ અને ભક્તોએ તૈયાર કરેલી ૮,૦૦૦થી વધુ નાની કેકની રંગોળીથી હવેલી હોલને સજાવાયો હતો. આ પ્રસંગે મહંત સ્વામી મહારાજના યુકે પ્રવાસના માનમાં તેમના જીવન અને કાર્યોનો પરિચય આપતા વિશેષ મેગેઝિન પ્રસિદ્ધ કરવામાં આવ્યું હતું, જેને સવારની ઉજવણીમાં ભગવાન સ્વામીનારાયણના ચરણે ધર્યા પછી સત્તાવાર લોકાર્પણ કરવામાં આવ્યું હતું. સાંજના કાર્યક્રમમાં સ્વામીની પવિત્રતા, દિવ્ય સદ્ભાવના, વિનમ્ર સ્વભાવ અને ઈશ્વરપ્રેમના ગુણો વિશે જણાવાયું હતુ. આ ગુણોએ તેમના ગુરુઓ યોગીજી મહારાજ અને પ્રમુખ સ્વામી મહારાજના દિલ જીતી લીધા હતા.

સભાનો આરંભ ભજનો સાથે કરાયો હતો. મુલાકાતી સ્વામીજીઓએ મહંત સ્વામી મહારાજના સંતત્વ અને સમર્પણને દર્શાવતી તેમના જીવનની હૃદયસ્પર્શી ઘટનાઓનું વર્ણન કર્યું હતું અને તેમના મૃદુ અને કરુણાસભર શબ્દોની શક્તિશાળી અસરને સમજાવી હતી. તેમના વર્ણનોને યોગીજી મહારાજ અને પ્રમુખ સ્વામી મહારાજના ઐતિહાસિક વિડિયો ફૂટેજ થકી સમર્થન પણ જોવા મળ્યું હતું. સ્વામીશ્રીની ઊંડી સમજ અને પ્રમુખ સ્વામી મહારાજ સાથે તેમના આધ્યાત્મિક સંપર્કની સુપેરે સમજ આપતી અન્ય રજૂઆતો પણ કરાઈ હતી.

સદગુરુ પૂજ્ય ઈશ્વરચરણદાસ સ્વામીએ તમામ સ્વામીઓ અને ભક્તજનો વતી મહંત સ્વામી મહારાજની પ્રાર્થના કરી હતી. આ પછી સ્વામીશ્રીના લંડનમાં આગમનને વધાવવા સ્વામીઓએ તેમને સુશોભિત હાર પહેરાવ્યો હતો. યુકેના ૧૧૨ બાળકો અને યુવાનોના બનેલા વૃંદે ઉજવણીના ભાગરુપે શાનદાર નૃત્ય રજૂ કર્યું હતું, જેનાથી સભાખંડમાં વધુ ભક્તિમય વાતાવરણ સર્જાયું હતું.

મહંત સ્વામી મહારાજે સભાખંડમાં ઉપસ્થિત ભક્તોને આનંદસહ આશીર્વાદ પાઠવ્યા હતા અને અન્યોની અંદર મહાનતાનું દર્શન કરવા સહુને શીખ આપી પ્રોત્સાહિત કર્યા હતા. તેમણે સર્વે જીવોને આર્શીવાદ આપવાની પોતાની ભક્તિપૂર્ણ ઈચ્છા વ્યક્ત કરી હતી.

ભગવાન સ્વામીનારાયણના છઠ્ઠા અને વર્તમાન આધ્યાત્મિક વારસદાર મહંત સ્વામી મહારાજનો જન્મ ૧૯૩૩માં થયો હતો. યોગીજી મહારાજે ૧૯૬૧માં તેમને સાધુત્વની દીક્ષા આપી સ્વામી કેશવજીવનદાસ નામ આપ્યું હતું. તેઓ મુંબઈમાં BAPS સ્વામીનારાયણ મંદિર અને નિવાસી સાધુઓના મહંત તરીકે નિયુક્ત થયા ત્યાર પછી તેઓ મહંત સ્વામી તરીકે ઓળખાવા લાગ્યા છે. કરકસર, સમર્પણ, વિનમ્રતા અને સેવાના વિશેષ ગુણો થકી તેમને ગુરુઓ યોગીજી મહારાજ (૧૮૯૨-૧૯૭૧) અને પ્રમુખ સ્વામી મહારાજ (૧૯૨૧-૨૦૧૬)ના અંતરના આશીર્વાદ પ્રાપ્ત થયા હતા. ઓગસ્ટ ૨૦૧૬માં પ્રમુખ સ્વામી મહારાજ બ્રહ્મલીન થયા અને તેમણે પોતાના આધ્યાત્મિક વારસદાર તરીકે જાહેર કર્યા હોવાના પગલે મહંત સ્વામી મહારાજ હવે વર્તમાન ગુરુપદ અને અસંખ્ય ભક્તોના આધ્યાત્મિક માર્ગદર્શકનું સ્થાન સંભાળી રહ્યા છે. આ ઉપરાંત, BAPS સ્વામીનારાયણ સંસ્થાની વિશ્વવ્યાપી સામાજિક-આધ્યાત્મિક પ્રવૃત્તિઓનું વડપણ કરી રહ્યા છે. તેઓ સમગ્ર વિશ્વમાં પ્રવાસ કરે છે અને પોતાના ઊંડાણસભર ઉપદેશો અને સાદગીપૂર્ણ જીવન મારફતે લાખો લોકોને પ્રેરણા પૂરી પાડે છે.

BAPS સ્વામીનારાયણ સંસ્થા કોમ્યુનિટી આધારિત આંતરાષ્ટ્રીય હિન્દુ સંગઠન છે. યુએન સાથે સંકળાયેલું સંગઠન પોતાના ૧૦ લાખથી વધુ સભ્યો, ૫૫,૦૦૦ સ્વયંસેવકો અને ૩,૮૫૦ કેન્દ્રોની સહાયથી વ્યક્તિઓ અને પરિવારો તેમજ સમાજોની સંભાળનું કાર્ય કરે છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter