ભારત વિશ્વમાં સૌથી વધુ ગતિએ વિકસતું અર્થતંત્રઃ હાઈ કમિશનર

ગિલ્ડ હોલમાં ડાયસ્પોરાએ ભારતના ૭૦મા પ્રજાસત્તાક દિનની ઉજવણી કરી

રુપાંજના દત્તા Wednesday 06th February 2019 01:04 EST
 
ગિલ્ડ હોલમાં ભારતના ૭૦મા પ્રજાસત્તાક દિનની ઉજવણી નિમિત્તે યુકેસ્થિત ભારતીય હાઈ કમિશનર રુચિ ઘનશ્યામ અને સેક્રેટરી ઓફ સ્ટેટ ફોર ડિજિટલ, કલ્ચર એન્ડ મીડિયા અને સાંસદ જેરેમી રાઈટ
 

લંડનઃ સમગ્ર વિશ્વમાં ડાયસ્પોરાએ ભારતના ૭૦મા પ્રજાસત્તાક દિનની ઉજવણી કરી હતી. ભારતીય બંધારણે ૨૬ જાન્યુઆરી ૧૯૫૦ના દિવસે ભારતના શાસન દસ્તાવેજ તરીકે ગવર્મેન્ટ ઓફ ઈન્ડિયા એક્ટ (૧૯૩૫)નું સ્થાન લીધું હતું. નવી દિલ્હીમાં ગણતંત્ર દિનની ઉજવણીમાં લશ્કરી અને સાંસ્કૃતિક તાકાતનું પ્રદર્શન કરાયું હતું ત્યારે લંડનસ્થિત ભારતીય હાઈ કમિશન દ્વારા સિટીના ગિલ્ડ હોલમાં વાર્ષિક રિસેપ્શનનું આયોજન કરાયું હતું. સેક્રેટરી ઓફ સ્ટેટ ફોર ડિજિટલ, કલ્ચર એન્ડ મીડિયા અને સાંસદ જેરેમી રાઈટ આ સમારંભના મુખ્ય અતિથિ હતા. બીજી તરફ, વોશિંગ્ટન, ડીસીમાં પણ ત્રિરંગો ધ્વજ લહેરાવતા ભારતીય અમેરિકનો મોટી સંખ્યામાં ભારતીય એમ્બેસીની બહાર ઉજવણી કરવા ઉમટ્યા હતા.

યુકેસ્થિત ભારતીય હાઈ કમિશનર રુચિ ઘનશ્યામે ૨૮ જાન્યુઆરી સોમવારે સેંકડો આમંત્રિતો સમક્ષ સંબોધન કરતાં કહ્યું હતું કે,‘ આ વર્ષે ભારત ૧૭મી લોકસભા માટે ચૂંટણી યોજશે, જ્યાં ૯૦૦ મિલિયન મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે. આજે ભારત વિશ્વમાં સૌથી વધુ યુવાન વસ્તી સાથે સૌથી વધુ ગતિએ વિકસતું અર્થતંત્ર છે. ભારત તેની ગર્ભિત ક્ષમતાની પાંખ પ્રસરાવવા અને લોકોની મહેચ્છાઓ પરિપૂર્ણ કરવા શ્રેષ્ઠ સંભાવના ધરાવે છે. ભારતની આ ૭૦ વર્ષની યાત્રા સુમેળપૂર્ણ અને લોકશાહીવાદી વાતાવરણમાં કાર્યરત લોકોની સમાવેશી સિદ્ધિઓનું પ્રમાણ છે.’

તેમણે કહ્યું હતું કે,‘ભારત યુકે સાથે ગાઢ મૈત્રીપૂર્ણ સંબંધ ધરાવે છે. આપણા સંબંધો ‘લોખંડી શક્તિ’ અને ‘પોલાદી નિર્ણયાત્મકતા’ અને વિશાળ ભારતીય ડાયસ્પોરાના અંગત અને વ્યાવસાયિક બંધનોનો બનેલો જીવંત સેતુ છે. ભારત-યુકેના સંબંધોની તાકાત સહભાગી મૂલ્યો અને નિયમ આધારિત આંતરરાષ્ટ્રીય સિસ્ટમ પ્રત્યે પ્રતિબદ્ધતામાંથી આવે છે. આપણે કોમનવેલ્થ સહિત વિવિધ દ્વિપક્ષી અને બહુપક્ષી મંચો પર સાથે મળીને કાર્ય કરીએ છીએ. ગત ત્રણ વર્ષમાં વડા પ્રધાનોની ત્રણ મુલાકાતો અને સત્તાવાર આદાનપ્રદાન પણ આપણે નિહાળ્યાં છે.’

પાર્ટનરશિપની ભારતની ભાવના અને તેમાં ભારતીય હાઈ કમિશનની ભૂમિકા વિશે તેમણે કહ્યું હતું કે, ‘ભારતીય હાઈ કમિશન ભારત અને યુકેના લાભદાયી સંબંધોને વધુ નક્કર મજબૂત બનાવવાનું તેમજ ભારતીય નાગરિકો અને ભારતીય મૂળના લોકોને સક્ષમપણે સેવા આપવાનું કાર્ય અથાગપણે ચાલુ રાખશે. હાઈ કમિશન તેની કોન્સ્યુલર સેવા ભારતીય ડાયસ્પોરાના આંગણે પહોંચાડી રહ્યું છે.’ હાઈ કમિશન શ્રેણીબદ્ધ કાર્યક્રમો સાથે મહાત્મા ગાંધીની ૧૫૦મી જન્મજયંતી અને પ્રથમ શીખ ગુરુ શ્રી ગુરુ નાનકદેવજીની ૫૫૫મી જન્મજયંતીની ઉજવણીનું આયોજન કરનાર છે.

હિન્દી ભાષામાં પ્રવચનના આરંભ સાથે સેક્રેટરી ઓફ સ્ટેટ અને સાંસદ જેરેમી રાઈટે કહ્યું હતું કે, ‘યુકે-ભારતના સંબંધો મજબૂત બની રહ્યા છે. ગયા વર્ષે આપણે યુકે-ઈન્ડિયા યર ઓફ કલ્ચરની ઉજવણી કરી હતી. આ ઉનાળામાં વર્લ્ડ કપ માટે ભારતીય ક્રિકેટ ટીમને આવકારવા અમે થનગની રહ્યા છીએ. ભારતથી સંખ્યાબંધ મુલાકાતીઓ આવવાની આશા છે. અમે વર્ષ ૨૦૨૨માં બર્મિંગહામ ખાતે કોમનવેલ્થ ગેમ્સ માટે ભારત અને સમગ્ર વિશ્વમાંથી પ્રવાસીઓ આવશે તે માટે ઉત્સાહી છીએ. તાજેતરમાં યુકેમાં આઠ બિલિયન પાઉન્ડ જેટલું પ્રત્યક્ષ ભારતીય રોકાણ આવ્યું હતું.’ વિઝા સહિત અનેક બાબતે યુકે-ઈન્ડિયા સંબંધો પર ભાર મૂકતા તેમણે કહ્યું હતું કે ‘ગયા વર્ષે સ્ટુડન્ટ વિઝામાં ૩૩ ટકા અને વિઝિટર વિઝામાં ૧૦ ટકાનો વધારો જોવા મળ્યો હતો. યુકે દ્વારા વિશ્વના અન્ય કોઈ દેશની સંયુક્ત સરખામણીએ ભારતને ટિયર-ટુ સ્કીલ્ડ વિઝા વધુ પ્રમાણમાં જારી કરાયાં હતાં’


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter