ભારતીય હાઈ કમિશનના સંજય કુમારને ભારતીય સમુદાયોની ભાવભીની વિદાય

Tuesday 16th January 2024 04:19 EST
 
 

લંડનઃ યુકેસ્થિત ભારતીય હાઈ કમિશનના શ્રી સંજય કુમાર, સેકન્ડ સેક્રેટરી (કો-ઓર્ડિનેશન)ને ભારતીય સમુદાયો દ્વારા ઈન્ડિયા હાઉસમાં આયોજિત કાર્યક્રમમાં ભાવભીની વિદાય આપવામાં આવી હતી. સંજય કુમાર લંડનના હાઈ કમિશનથી ટ્રાન્સફર થઈ દિલ્હી જઈ રહ્યા છે. ભારે હાજરી સાથે વિદાયનો કાર્યક્રમ લાગણીભર્યો બની રહ્યો હતો. ઉપસ્થિતોએ કોમ્યુનિટીની સેવા બદલ શ્રી સંજય કુમારને બિરદાવ્યા હતા.

લોર્ડ રેમી રેન્જરે જણાવ્યું હતું કે,‘સંજય કુમાર સદ્ગૃહસ્થ છે જેઓ હંમેશાં અમારી પડખે ઉભા રહ્યા છે. તેઓ અહીં મહાન વારસો છોડી જઈ રહ્યા છે. અહીં ઈન્ડિયા હાઉસમાં કામ કરનારી પ્રત્યેક વ્યક્તિ ભારતમાતાની દૂત છે.’

ધ ભવન યુકેના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર ડો. એમએન નંદકુમારા MBEએ જણાવ્યું હતું કે,‘મને મહાભારતની કથા યાદ આવે છે. જ્યારે કૃષ્ણ વિદાય લેવા તૈયાર થઈ રહ્યા હતા ત્યારે યુધિષ્ઠિર અને બધા પાંડવો રોઈ રહ્યા હતા. કૃષ્ણે કહ્યું કે જ્યારે કાર્ય સમાપ્ત થઈ જાય ત્યારે તો વ્યક્તિએ જવું જ રહ્યું. જ્યારે કાર્ય કરવાનું થાય ત્યારે વ્યક્તિએ પાછાં આવવાનું રહે છે.’

ડેપ્યુટી હાઈ કમિશનર સુજિત ઘોષે કહ્યું હતું કે,‘ ભારતીય કોમ્યુનિટીઓનો સતત સહકાર અને હાઈ કમિશન સાથે પરિવાર જેવો સાથ સંજય કુમારની સારી કામગીરીને કાયમી અંજલિ સમાન ગણાશે. એકતાની આ ભાવના યથાવત રહેવી જોઈએ.’

હાઈ કમિશનર વિક્રમ દોરાઈસ્વામીએ જણાવ્યું હતું કે,‘ જ્યારે પણ ઓફિસ અને કોમ્યુનિટી તરફથી પ્રેશર હોય ત્યારે સંજય કુમાર મોખરે રહેતા હતા. સેતુ બની રહેવાનું સહેલું નથી. જો તેમણે અહીં અનેકોના દિલ જીત્યા છે તો સ્પષ્ટ છે કે તેમણે આની કિંમત પણ ચૂકવી છે. સંજય પ્રેશરનો સામનો કરવાની આશ્ચર્યકારી ક્ષમતા ધરાવે છે. કોમ્યુનિટીને સાંકળી રાખવી તે સૌથી મુશ્કેલ કાર્ય છે.’

સંજય કુમારે વિદાય પ્રવચનમાં કોમ્યુનિટીને સપોર્ટ કરવાની અને કોમ્યુનિટી માટે ભારતમાં હંમેશાં પ્રાપ્ય બની રહેવાની ખાતરી ઉચ્ચારી હતી. તેમણે કહ્યું હતું કે,‘તમારા બધા તરફથી મળેલું સમર્થન મારા માટે મોટી હૂંફ બની રહ્યું હતું. મેં જે કર્યું તે મારી ફરજનો એક હિસ્સો હતો. તમારા તરફથી મળેલો સપોર્ટ, ખાસ કરીને, 19 માર્ચ, 2023ના રોજ ઈન્ડિયા હાઉસ પર હુમલો કરાયો હતો ત્યારે અપાયેલો સપોર્ટ કદી ભૂલી શકાશે નહિ.’

સરદાર પટેલ મેમોરિયલ સોસાયટી, નવનાત સેન્ટર, NCGO, NAPS,ધ ભવન યુકે, મહારાષ્ટ્ર મંડળ, હિમાચલી લિન્ક યુકે, રાજસ્થાન એસોસિયેશન, મલયાલી એસોસિયેશન, ઈન્ડિયન ડાયસ્પોરા ઈન યુકે, G 100, વિમેન ઈકોનોમિક ફોરમ તેમજ વિવિધ કોમ્યુનિટી અને સાંસ્કૃતિક સંગઠનોના પ્રતિનિધિઓએ શ્રી સંજય કુમારના અસાધારણ સપોર્ટ અને સેવાને યાદ કરવા સાથે તેમનું સન્માન કર્યું હતું.

 


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter