સુરતમાં પૂ.મહંત સ્વામીની નિશ્રામાં પ્રજાસત્તાક દિનની વિશેષ ઉજવણી

Wednesday 30th January 2019 02:27 EST
 
 

BAPSના વડા પૂ. મહંત સ્વામી હાલ સુરત ખાતે વિચરણ કરી રહ્યા છે. પૂ. ગુણાતીતાનંદે પોષી પૂનમે દીક્ષા ગ્રહણ કરી હતી. તા.૨૧ને સોમવારે તેની વિશેષ ઉજવણી કરવામાં આવી હતી. દર વર્ષે તે દિવસે ડાબરા ઉત્સવ ઉજવવમાં આવે છે. આ વર્ષે પૂ. મહંત સ્વામીની આજ્ઞાથી તેની બ્રહ્મોત્સવ તરીકે ઉજવણી કરવામાં આવી હતી.

૨૬મીએ સવારે સભામાં પ્રજાસત્તાક દિનની ઉજવણી કરવામાં આવી હતી. પૂ. મહંત સ્વામીની નિશ્રામાં બાળકોએ ગરબા, ભાંગડા, લેજીમ ડાન્સ અને પરેડ યોજીને ‘સારે જહાં સે અચ્છા’ ‘વંદે માતરમ’ તેમજ રાષ્ટ્રગીત ‘જન ગણ મન અધિનાયક...’ગાયું હતું અને તિરંગાને સલામી અપાઈ હતી. સાંજે બાળકોએ બાળદિનની ઉજવણીમાં ‘જેવા મેં નીરખ્યા રે’ વિષય પર તે સમયે શ્રીજી મહારાજે જે લાભ આપ્યો હતો તેવો જ લાભ પૂ. મહંત સ્વામી આપી રહ્યા હોવાની પ્રસ્તુતિ કરી હતી. તેમાં શ્રીજી મહારાજે આપેલા વિશેષ સુખને વર્ણવીને બાળકોએ તેની સ્મૃતિ, કિર્તન તથા નૃત્ય રજૂ કર્યા હતા. પૂ. મહંત સ્વામીએ આશીર્વચનમાં જણાવ્યું હતું,‘ આખા બ્રહ્માંડમાં માયાનું રાજ ચાલે છે. પણ આપણે વર્તમાન ધરાવીએ. કાળ, માયા, પાપ કર્મ એટલે એનાથી પર થયાં.’ ૨૭મીએ ‘ફૂંકવો છે શંખ મારે ક્રાંતિનો’ વિષય પર યુવકોના પરિસંવાદનું આયોજન થયું હતું. યુવાનોએ રીતરિવાજોમાંની બદીઓને દૂર કરવા વિશે પોતાના વિચારો રજૂ કર્યા હતા અને તેનો સંકલ્પ લીધો હતો. તેનાથી પૂ. મહંત સ્વામીએ રાજીપો વ્યક્ત કર્યો હતો. સુરતમાં વિચરણ દરમિયાન મોટી સંખ્યામાં હરિભક્તોએ પૂ. મહંત સ્વામીના સમીપ દર્શનનો પણ લાભ લીધો હતો. ૨૯ને મંગળવારે પૂ. મહંત સ્વામી વિચરણ માટે પૂ. શાસ્ત્રીજી મહારાજના જન્મસ્થળ મહેળાવ જવા રવાના થયા હતા.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter