સ્વામીનારાયણ મંદિર કિંગ્સબરી ખાતે રક્ષાબંધન પર્વ ઉજવાયું

Wednesday 29th August 2018 03:38 EDT
 
મણિનગર શ્રી સ્વામીનારાયણ ગાદી સંસ્થાનના વૈશ્વિક આધ્યાત્મિક નેતા આચાર્ય સ્વામીશ્રી મહારાજ  સાથે સી.બી. પટેલ અને  કિંગ્સ કિચનના ડાયરેક્ટર મનુભાઈ રામજી
 

લંડનઃ મણિનગર શ્રી સ્વામીનારાયણ ગાદી સંસ્થાન છત્ર હેઠળ નોર્થવેસ્ટ લંડનસ્થિત મણિનગર સ્વામીનારાયણ મંદિર કિંગ્સબરી ખાતે રક્ષાબંધન પર્વને અનુલક્ષી ખાસ કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં બ્રિટનના ત્રાસવાદવિરોધી દળના વડા અને મેટ્રોપોલીટન પોલીસમાં એશિયન મૂળના સૌથી વરિષ્ઠ ઓફિસર આસિસ્ટન્ટ કમિશનર નીલ બાસુએ હાજરી આપી હતી.

આસિ.કમિ. નીલ બાસુની સાથે બ્રેન્ટ, હેરો અને બાર્નેટ બરોના કમાન્ડર ચીફ સુપ્રિ. સિમોન રોસ, સ્થાનિક સાંસદ બેરી ગાર્ડિનર તેમજ ‘ગુજરાત સમાચાર’ અને ‘એશિયન વોઈસ’ના પ્રકાશક/તંત્રી સી.બી. પટેલ સહિત અન્ય મહાનુભાવો અને મહેમાનો પણ ઉપસ્થિત હતા. આ કાર્યક્રમમાં બંને ઓફિસરને સ્વામીનારાયણ સંપ્રદાયમાં સર્વોચ્ચ સન્માન ગણાતી સફેદ પાઘડી પહેરાવાઈ હતી. દેશમાં પોલીસ સુરક્ષા આપી રહી છે તેના માટે કોમ્યુનિટીના આભારના પ્રતીકરુપે મણિનગર શ્રી સ્વામીનારાયણ ગાદી સંસ્થાનના વૈશ્વિક આધ્યાત્મિક નેતા આચાર્ય સ્વામીશ્રી મહારાજ દ્વારા ઓફિસરોને રક્ષા-રાખડી બાંધવામાં આવી હતી. મંદિર દ્વારા અગાઉ પણ દેશના આર્મ્ડ ફોર્સીસ માટે આયોજિત રક્ષાબંધન તહેવાર નિમિત્તે યુકેના અતિ વરિષ્ટ મિલિટરી અધિકારીઓનું બહુમાન કરાયું હતું.

ભારતમાં નવેમ્બર ૨૦૧૮માં વર્લ્ડ પીસ સેન્ટર શ્રી મુક્તજીવન સ્વામીબાપા સ્મૃતિમંદિર ખાતે ગ્લોબલ પીસ કોન્ફરન્સ ૨૦૧૮ના આયોજન સહિત વિવિધ સંપ્રદાયો અને કોમ્યુનિટીઓ વચ્ચે શાંતિ અને સુમેળને પ્રોત્સાહિત કરવા આચાર્ય સ્વામીશ્રી મહારાજના સંખ્યાબંધ અભિયાનો વિશે સાંભળી બાસુ પ્રભાવિત થયા હતા. સભાને સંબોધતા બાસુએ જણાવ્યું હતું કે,‘હું આચાર્ય સ્વામીશ્રી મહારાજ સાથે મારી સરખામણી કદી કરી શકું નહિ પરંતુ, હું સેવા કાજે જ પોલીસ દળમાં જોડાયો છું. જો મારે કદી કોમ્યુનિટીની સેવાનું મહત્ત્વ યાદ કરવાની જરુર સર્જાય તો મારે આ દિવસ અને આ મુલાકાત જ યાદ રાખવાનાં રહેશે.’  (૨૫૮)


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter