‘નીસડન ટેમ્પલ’ના આંગણે પરંપરા, રંગ અને હિન્દુત્વની સમૃદ્ધ સંસ્કૃતિનો ત્રિવેણી સંગમ

Wednesday 25th October 2017 06:28 EDT
 
 

લંડનઃ હિન્દુ કેલેન્ડરના સૌથી શુકનવંતા ઉત્સવોમાંના એક દિવાળીનો તહેવાર ગુરુવાર ૧૯ ઓક્ટોબર અને શુક્રવાર ૨૦ ઓક્ટોબરે BAPS સ્વામીનારાયણ સંસ્થાના છઠ્ઠા આધ્યાત્મિક ગુરુ પૂજ્ય મહંત સ્વામી મહારાજની ઉપસ્થિતિમાં ઉજવાયો હતો. ‘નીસડન ટેમ્પલ’ના લોકપ્રિય નામથી જાણીતા લંડનસ્થિત BAPS શ્રી સ્વામીનારાયણ મંદિરમાં પરંપરાઓ, રંગ અને હિન્દુત્વની સમૃદ્ધ સંસ્કૃતિના ત્રિવેણી સંગમ જોવા મળ્યો હતો.

પૂજ્ય મહંત સ્વામી મહારાજે દિવાળી અને નૂતન વર્ષના બે દિવસ દરમિયાન ભક્તજનોને આશીર્વાદ પાઠવી કહ્યું હતું કે દિવાળીનો તહેવાર વ્યક્તિની આધ્યાત્મિક પ્રગતિ વિશે મંથન કરવાનો છે. તેમણે એકતાના મૂલ્યો સમજવા અને ઈશ્વરમાં તેમની આસ્થાને મજબૂત બનાવવા ભક્તોને પ્રોત્સાહિત કર્યા હતા. પૂજ્ય મહંત સ્વામીએ સમગ્ર વિશ્વમાં શાંતિ, સંવાદિતા અને સાચી સમૃદ્ધિ આવે તે માટે પ્રાર્થના કરી હતી. તેમણે ૨૦ ઓક્ટોબરના ચાવીરુપ સંબોધનમાં ઉજવણીઓની તૈયારી કરવામાં ભક્તો અને શ્રદ્ધાળુઓની એકતાની સરાહના પણ કરી હતી. યુકેસ્થિત ભારતીય હાઈ કમિશનર વાય.કે. સિન્હા પણ આ ઉજવણીમાં જોડાયા હતા. તેમણે સભાને સંબોધન કરી આ પ્રસંગે એકત્ર થવા સમગ્ર સ્થાનિક કોમ્યુનિટીને અભિનંદન પાઠવ્યા હતા.

દિવાળીને ‘પ્રકાશના ઉત્સવ’ તરીકે પણ ઓળખવામાં આવે છે કારણકે ભક્તજનો અશુભ તત્વો પર શુભ તત્વના વિજયના પ્રતીકરુપે પરંપરાગત દીપોની હારમાળા પ્રગટાવે છે. મંદિરના સ્વયંસેવક યોગેન શાહના જણાવ્યા અનુસાર ‘દિવાળી ઈશ્વર પ્રત્યે આપણા પ્રેમને વધુ મજબૂત બનાવવાની સાથે સખાવત, શુભેચ્છા અને પરિવારના મૂલ્યોને ઉજવવાની મહાન તક છે. આમ ઈશ્વરની ઉપસ્થિતિના પ્રકાશ સાથે અંતરનો અંધકાર દૂર કરી શકાય છે. આ માત્ર આનંદનો નહિ, કાંઈક આપવાનો પણ ઉત્સવ છે.’

દિવસ દરમિયાન ભક્તો અને મુલાકાતીઓ પોતાની પ્રાર્થના સાથે મંદિરમાં આવતા રહ્યા હતા. ખાસ કરીને સાંજના સમયે ઘર અને બિઝનેસ માલિકો માટે ચોપડાપૂજનની વિશેષ વિધિનું આયોજન કરવામાં આવ્યું હતું. પરંપરા અનુસાર આ દિવસે બિઝનેસ માલિકો પોતાના વર્તમાન હિસાબી ચોપડા બંધ કરી નવા વર્ષ માટે નવા ચોપડાની તૈયારી કરે છે. આ વિધિ એ પણ દર્શાવે છે કે વ્યક્તિએ પોતાના આધ્યાત્મિક સંબંધોનો સ્ટોક કેવી રીતે લેવો જોઈએ.

સ્થાનિક કોમ્યુનિટી સહિત યુવાનો અને વયોવૃદ્ધો માટે શાનદાર આતશબાજી આ સાંજની વિશેષતા રહી હતી. મંદિરના ગુંબજોની ઉપર નોર્થ લંડનના વિશાળ આકાશને ઝગમગાવતી રંગીન આતશબાજીએ હજારો લોકોના દિલ મોહી લીધાં હતાં. મંદિર દ્વારા દિવાળીની ઉજવણીના માનમાં નજીકના વેમ્બલી સ્ટેડિયમની કમાનને પણ નારંગી રંગની રોશનીથી ઝળાંહળાં કરવામાં આવી હતી.

દિવાળી પછીના દિવસે હિન્દુ નૂતન વર્ષનો આરંભ થાય છે. સૌપ્રથમ સવારના પાંચ વાગ્યે વિધિનો આરંભ કરાયો હતો, જે પછી વિશ્વશાંતિ અને કલ્યાણ અર્થે પ્રાર્થના થઈ હતી. બપોરે મુખ્ય મંદિરના ગર્ભગૃહમાં અને તે પછી હવેલી સભાખંડમાં રાજભોગ આરતી કરવામાં આવી હતી. સભાખંડમાં ઈશ્વરનો આભાર વ્યક્ત કરવા અને નવા વર્ષમાં તેમના આશીર્વાદ પ્રાપ્ત કરવા સંતો અને ભક્તજનો દ્વારા કળામય રીતે અન્નકૂટ-વિવિધ વાનગીઓની ગોઠવણી કરવામાં આવી હતી.     


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter