સ્વામી રામભદ્રાચાર્ય અને ગુલઝારને જ્ઞાનપીઠ પુરસ્કાર

Tuesday 20th February 2024 06:46 EST
 
 

નવી દિલ્હીઃ સંસ્કૃતના વિદ્વાન જગદ્ગુરુ રામભદ્રાચાર્યજી અને પ્રસિદ્ધ ઉર્દૂ કવિ, નિર્માતા, નિર્દેશક ગુલઝારને 58મો જ્ઞાનપીઠ પુરસ્કાર એનાયત કરાશે. સુપ્રસિદ્ધ સાહિત્યકાર પ્રતિભા રાયની અધ્યક્ષતામાં શનિવારે યોજાયેલી બેઠકમાં આ નિર્ણય લેવાયો હતો. સંસ્કૃતને બીજી તથા ઉર્દૂને પાંચમી વાર આ સન્માન અપાઈ રહ્યું છે. વર્ષ 2022 માટે આ પ્રતિષ્ઠિત પુરસ્કાર ગોવાના લેખક દામોદર માવજોને અર્પણ કરાયો છે.
ઉત્તર પ્રદેશના જૌનપુરમાં 1950માં જન્મેલા ચિત્રકૂટસ્થિત તુલસી પીઠના સંસ્થાપક શ્રી રામભદ્રાચાર્ય પ્રખ્યાત શિક્ષણવિદ્દ, બહુભાષાવિદ્, રચનાકાર, પ્રવચનકાર અને દાર્શનિક છે. તેઓ 1988થી રામાનંદ સંપ્રદાયના ચાર જગદ્ગુરુ રામાનંદાચાર્યો પૈકીના એક છે. તેમણે બે સંસ્કૃત અને બે હિન્દી મહાકાવ્ય સહિત 240થી વધુ પુસ્તક-ગ્રંથની રચના કરી છે. તેઓ ચિત્રકૂટ સ્થિત જગદ્ગુરુ રામભદ્રાચાર્ય વિકલાંગ વિશ્વવિદ્યાલયના સંસ્થાપક અને આજીવન કુલાધિપતિ છે. વર્ષ 2015માં તેમને બીજા સૌથી સર્વોચ્ચ નાગરિક સન્માન પદ્મ વિભૂષણથી સન્માનિત કરવામાં આવ્યા હતા.
ગુલઝારના નામથી પ્રસિદ્ધ સંપૂર્ણસિંહ કાલરા પ્રસિદ્ધ ગીતકાર, કવિ, પટકથા લેખન, ફિલ્મ નિર્દેશક, નાટ્યકાર અને શાયર છે. તેમણે મુખ્યત્વે હિન્દી, ઉર્દૂ અને પંજાબીમાં લખ્યું છે. વર્ષ 2009માં ડેની બોયલ નિર્દેશિત ફિલ્મ 'સ્લમડોગ મિલિયોનર’માં તેમણે લખેલાં ગીત ‘જય હો’ માટે તેમને ઓસ્કાર તથા ગ્રેમી એવોર્ડ પણ મળ્યા છે. ગુલઝારને 2002માં સાહિત્ય અકાદમી પુરસ્કાર, 2013માં દાદાસાહેબ ફાળકે પુરસ્કાર, 2004માં પદ્મભૂષણથી સન્માનિત કરવામાં
આવ્યા છે. તેમને 5 રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર પણ મળ્યા છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter