લંડનઃ સ્વામીનારાયણ મંદિર, વિલ્સડન સંચાલિત ગુજરાતી શાળાના નેજા હેઠળ ગત રવિવારે તા.૨૮-૦૧-૨૦૧૮ના રોજ ગુજરાતી સાથે જી.સી.એસ.ઈ પાસ કરનારા દીકરા-દીકરીઓ તેમજ ડિગ્રી અને પ્રોફેશનલ લાયકાત મેળવનારા ભાઈ-બહેનોનું સન્માન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે મંદિરમાં ઘનશ્યામ મહારાજની મૂર્તિને પદવીદાન સમારંભ જેવા વાઘા પહેરાવવામાં આવ્યા હતા.
આ ગુજરાતી શાળા ૧૯૭૭માં શરૂ કરાઈ હતી. ૧૯૯૮માં શાળાને એક્ઝામ બોર્ડ દ્વારા સેન્ટર તરીકે માન્યતા મળી હતી. તે સાથે યુકેમાં સેન્ટર તરીકે માન્યતા મેળવનાર સૌ પ્રથમ શાળા બની હતી. શાળામાંથી ૧,૦૦૦થી વધારે બાળકોએ જી.સી.એસ.ઈ ગુજરાતી પરીક્ષામાં સફળતા મેળવેલ છે. દર વર્ષે જી.સી.એસ.ઈનું પરિણામ ૧૦૦ ટકા આવે છે. તમામ શિક્ષકો વિના વેતને પોતાનો સમય સેવામાં આપે છે. મંદિર દ્વારા બાળકોને પાઠ્ય પુસ્તકો, નોટબુક, પેન અને પેન્સિલ મફત આપવામાં આવે છે.અહીં બાળકો કોઈ પણ જાતની ફી વિના ભણે છે. તમારા બાળકોને ગુજરાતી ભાષા શીખવવા માટે સ્વામીનારાયણ મંદિર, વિલ્સડનનો સંપર્ક સાધી શકો છો. ભવિષ્યમાં ગુજરાતી શાળા વિશે અગ્રલેખ ‘ગુજરાત સમાચાર’માં પ્રસિદ્ધ કરાશે.


