લંડનઃ યુગાન્ડાના હાઈ કમિશને શનિવાર 10 ઓક્ટોબર 2025ના રોજ IMO બિલ્ડિંગ ખાતે રિપબ્લિક ઓફ યુગાન્ડાના 63 મી સ્વાતંત્ર્ય વર્ષગાંઠની ઊજવણી કરી હતી. આ ઈવેન્ટમાં ચીફ ગેસ્ટ લોર્ડ કરન બિલિમોરિયા અને ગુજરાત સમાચાર અને એશિયન વોઈસના પ્રકાશક-તંત્રી સીબી પટેલ સહિત સંખ્યાબંધ મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.
યુનાઈટેડ કિંગ્ડમ ખાતે યુગાન્ડાના હાઈ કમિશનર તથા આયર્લેન્ડ માટેના એમ્બેસેડર નિમિષાબહેન માધવાણીએ મહેમાનોને આવકાર્યાં હતાં તેમજ યુગાન્ડાની સ્વતંત્રતાના 63 વર્ષ નિમિત્તે પ્રસંગનું મહત્ત્વ હાઈલાઈટ કર્યું હતું. હાઈ કમિશનરે જણાવ્યું હતું કે,‘આપણે યુગાન્ડાની આઝાદીની 63મી વર્ષગાંઠ ઉજવવા એકત્ર થયા છીએ ત્યારે આજની સાંજે તમને સહુને આવકારવા મારાં માટે આનંદ અને સદ્ભાગ્ય છે.’ તેમણે ઊજવણીનાં આયોજન માટેના પ્રયાસો બદલ યુગાન્ડા હાઈ કમિશનની ટીમ પ્રતિ આભારની લાગણી વ્યક્ત કરી હતી.
1962ના ઐતિહાસિક દિવસ સંદર્ભે મનન કરતાં તેમણે જણાવ્યું હતું કે,’63 વર્ષ અગાઉ, અમારા વડવાઓએ ગૌરવસહ યુગાન્ડાનો રાષ્ટ્રધ્વજ લહેરાવ્યો હતો અને વિશ્વ સમક્ષ ઘોષણા કરી હતી કે યુગાન્ડા આઝાદ અને સ્વતંત્ર હતું. આ મહાન પળ હિંમત, એકતા અને આશાથી માર્ગદર્શિત રાષ્ટ્રના જન્મની હતી.’ હાઈ કમિશનરે યુગાન્ડાની પ્રગતિ અને સ્થિતિસ્થાપકતાને બિરદાવતાં નોંધ્યું હતું કે, ‘નામદાર પ્રેસિડેન્ટ યોવેરી કાગુટા મુસેવેનીના કલ્પનાશીલ નેતૃત્વ હેઠળ યુગાન્ડા શાંતિ અને સ્થિરતાની ભૂમિ બની રહી છે તેમજ ઈન્વેસ્ટમેન્ટ, વેપાર અને પ્રવાસન માટે સલામત અને જોશપૂર્ણ ડેસ્ટિનેશન છે.’
તેમણે યુગાન્ડા અને યુકે વચ્ચેના વેપાર પર પ્રકાશ પાથરતાં જણાવ્યું હતું કે બે દેશ વચ્ચે વાર્ષિક વેપાર હવે 600 મિલિયન પાઉન્ડથી પણ વધુ છે અને ગત પાંચ વર્ષમાં યુકેનું ઈન્વેસ્ટમેન્ટ 1.3 બિલિયન યુએસ ડોલરને વટાવી ગયું છે. આ માત્ર આંકડા નથી, પરંતુ બંધાયેલી ફેક્ટરીઝ, ખેડૂતોના સશક્તિકરણ અને બદલાયેલા જીવનનિર્વાહનું પ્રતિનિધિત્વ કરે છે.’
ગાઢ બનેલા દ્વિપક્ષી સંબંધો વિશે તેમણે કમ્પાલામાં યુકે-યુગાન્ડા ગ્રોથ ડાયલોગના લોન્ચિંગ, યુગાન્ડામાં બ્રિટિશ ચેમ્બર ઓફ કોમર્સની સ્થાપના તેમજ યુગાન્ડા એરલાઈન્સની લંડન ગેટવિક સુધી ડાયરેક્ટ ફ્લાઈટ્સની પુનઃશરૂઆતનો ઉલ્લેખ કર્યો હતો. તેમણે ઉષ્માસહ ઉમેર્યું હતું કે,‘અમે તમને યુગાન્ડાની મુલાકાત લેવાનું આમંત્રણ આપીએ છીએ, ઠંડા, ભૂખરાં આકાશને છોડો અને અમારા સમગ્ર દિવસના સૂર્યપ્રકાશ, કુદરતી સૌંદર્ય અને વિશ્વપ્રસિદ્ધ આતિથ્યને માણો.’
તેમમે યુગાન્ડાના ડાયસ્પોરાને જણાવ્યું હતું કે,‘તમે અમારું ગૌરવ, અમારા રાજદૂતો, અમારા ઈન્વેસ્ટર્સ અને વિશ્વ માટે અમારા સેતુ છો. તમારા થકી વાર્ષિક 1.6 બિલિયન યુએસ ડોલરથી વધુ રેમિટન્સીસ તમારા વતનમાં પરિવારો અને કોમ્યુનિટીઓનાં જીવનમાં સાચો વાસ્તવિક તફાવત સર્જે છે. ભવિષ્ય તરફ નજર કરતાં હાઈ કમિશનર માધવાણીએ જણાવ્યું હતું કે, યુગાન્ડા ‘કાયાપલટના ઉંબરે ઉભું છે, એ દેશ, જ્યાં ઈનોવેશન પ્રગતિને ગતિ આપે છે, જ્યાં પુરુષ અને સ્ત્રી સાથે મળી નેતૃત્ત્વ કરે છે. અને જ્યાં શાંતિ અને સમૃદ્ધિ સહુ માટે છે.’
તેમણે સમાપનમાં કહ્યું હતું કે, ‘યુનાઈટેડ કિંગ્ડમ અને વ્યાપક વિશ્વ સાથે અમારી પાર્ટનરશિપ હવે સહાય માટે રહી નથી, તે સહભાગી મહત્ત્વાકાંક્ષા વિશે છે. યુગાન્ડા ખુલ્લું, તૈયાર અને ઉદયમાન છે. પર્લ ઓફ આફ્રિકા પસાર થતાં પ્રત્યેક વર્ષ સાથે વધુ તેજસ્વી બને છે.’
‘રિપબ્લિક ઓફ યુગાન્ડા લાંબુ જીવો! યુગાન્ડા અને યુનાઈટેડ કિંગ્ડમ વચ્ચેની મૈત્રી લાંબુ જીવો! 63મી સ્વાતંત્ર્ય વર્ષગાંઠ આનંદી રહે!’
વેસ્ટમિન્સ્ટર એબીમાં યુગાન્ડાના 63મા આઝાદીદિનનો ઉત્સવ
વેસ્ટમિન્સ્ટર એબી ખાતે 9 ઓક્ટોબર 2025ના દિવસે યુગાન્ડાના 63મા આઝાદીદિનનો ઉત્સવ યોજાયો હતો, જ્યાં હાઈ કમિશનર નિમિષાબહેન માધવાણીને આ નિમિત્તે ઈવેનસોંગ દરમિયાન સેકન્ડ લેસનના વાંચનનું સન્માન પ્રાપ્ત થયું હતું. આ ઈવેન્ટમાં માત્ર યુગાન્ડાના ડાયસ્પોરા જ નહિ, પરંતુ યુગાન્ડન એશિયન મૂળના લોકો સહિત બ્રિટિ શ જનતાના સભ્યો પણ ઉપસ્થિત રહ્યા હતા. વેસ્ટમિન્સ્ટર એબી વિશાળ અને અત્યુત્સાહી મેળાવડાનું સાક્ષી બની રહ્યું હતું.