લંડનઃ ન્યૂહામસ્થિત સરકારી સ્કૂલ સેન્ટ સ્ટીફન સ્કૂલના ભારતીય મૂળના પ્રિન્સિપાલ નીના લાલને આઠ વર્ષની વયની બાળાઓ પર હિજાબ પહેરવાનો પ્રતિબંધ લગાવવાના પ્રયાસ બદલ તેમની ભારે ટીકા થઈ છે. પ્રિન્સિપાલ લાલને સોશિયલ મીડિયા પર ‘હિટલર' તરીકે ચીતરવામાં આવી રહ્યા છે. શાળાએ યુકે સરકારને હિજાબ અને ઉપવાસ વિશે નીતિ સ્પષ્ટ કરવા પણ જણાવ્યું છે.
ઈસ્ટ લંડનની સ્કૂલના પ્રિન્સિપાલ નીના લાલને આઠ વર્ષથી ઓછી વયની બાળકીઓ માટે હિજાબ પર પ્રતિબંધ લાદવાનો નિર્ણય પાછો ખેંચવા ફરજ પડી હતી. પ્રતિબંધના નિર્ણય બદલ ચોતરફથી ટીકાના પગલે તેમણે પીછેહઠ કરવી પડી હતી. ગત સપ્તાહે સોશિયલ મીડિયા પર ફરતા એક વીડિયોમાં તેમને જર્મનીના સરમુખત્યાર એડોલ્ફ હિટલર તરીકે અને મેનેજમેન્ટ ટીમના અન્ય સાથીઓને હિટલરના સાથીઓ તરીકે ચીતરવામાં આવ્યાં છે.
લેબર પાર્ટીના સ્થાનિક સાંસદ સ્ટીફન ટિમ્સની હાજરીમાં યોજાયેલી વાલીઓ અને સ્કૂલ મેનેજમેન્ટની મીટિંગમાં પ્રિન્સિપાલ નીના લાલને માફી માગવાની ફરજ પડાઇ હતી. આ સ્કૂલમાં ભારતીય, પાકિસ્તાની અથવા બાંગલાદેશી મૂળના વિદ્યાર્થીઓની સંખ્યા વધુ છે. સ્કૂલના ચેરમેનપદે રહેલા આરિફ કાવીને પણ તેમની સામે ટીકાત્મક મેસેજને કારણે હોદ્દા પરથી રાજીનામું આપવું પડ્યું હતું. સોશિયલ મીડિયા પર કાવીને રશિયાના સરમુખત્યાર સ્ટાલિન સાથે સરખાવાયા હતા.
જોકે, શાળાનું કહેવું છે કે હિજાબ પુખ્ત વયની છોકરીઓ માટે છે અને નાની બાળાઓને હિજાબ પહેરાવવો યોગ્ય નથી. શાળાના શિક્ષકોએ પ્રિન્સિપાલ લાલને હિટલર ગણાવવા સામે અસંમતિ દર્શાવતા કહ્યું હતું કે સ્કૂલ ઘણી સારી છે અને તેઓ સારા મુખ્ય શિક્ષક છે.


