હિન્દુ કાઉન્સિલ ઓફ ઈન્ડિયા અને IHC દ્વારા ગીતા મહોત્સવ ઉજવાયો

Wednesday 10th December 2025 05:40 EST
 
 

નાઈરોબીઃ પવિત્ર ગીતાજયંતી નિમિત્તે સાંસ્કૃતિક અને આધ્યાત્મિક એકતાના પ્રેરણાદાયી પ્રદર્શન સ્વરૂપે હિન્દુ કાઉન્સિલ ઓફ ઈન્ડિયા (HCK) અને નાઈરોબીસ્થિત ભારતીય હાઈ કમિશન(IHC) દ્વારા વાર્ષિક ગીતા મહોત્સવ ઉજવાયો હતો. સ્થાનિક હિન્દુ સમુદાય અને રાજદ્વારી સમુદાયે સંયુક્તપણે ભગવાન કૃષ્ણ દ્વારા અર્જુનને ભગવદ્ ગીતાનો ઉપદેશ કરાયો હતો તેના વિશે ચિંતન કર્યું હતું. વર્તમાનકાલીન જીવનમાં ગીતાના શાશ્વત ઉપદેશબોધ કર્તવ્ય, ન્યાયપરાયણતા અને જ્ઞાનની સુસંગતતા દર્શાવાઈ હતી.મહોત્સવમાં ભારતીય ડાયસ્પોરા, સ્થાનિક કેન્યાવાસીઓ અને ડિપ્લોમેટિક સ્ટાફ સહિત200જેટલા લોકો ઉપસ્થિત રહ્યા હતા.

આ મહોત્સવમાં કેન્યાસ્થિત ભારતીય હાઈ કમિશનર ડો. આદર્શ સ્વાઈકા, ડેપ્યુટી હાઈ કમિશનર સેકન્ડ સેક્રેટરી સુશીલ પ્રસાદ સહિત હાઈ કમિશનના ઉચ્ચ પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા, જે કેન્યામાં ભારતની સમૃદ્ધ સાંસ્કૃતિક અને આધ્યાત્મિક વીરાસતને ઉત્તેજન આપવાની પ્રતિબદ્ધતા દર્શાવે છે. હાઈ કમિશનર ડો. સ્વાઈકા, હિન્દુ કાઉન્સિલ ઓફ કેન્યાના ટ્રસ્ટી ભીમજીભાઈ, અધ્યક્ષા સુજાતા કોટામરાજુ, ઈસ્કોનના ગુરુ રુક્યમા દાસીજી અને અન્ય મહાનુ ભાવો દ્વારા પરંપરાગત દીપપ્રાગટ્ય તેમજ પ્રાર્થનાગાન સાથે કાર્યક્રમનો આરંભ કરાયો હતો. હિન્દુ કાઉન્સિલ ઓફ કેન્યાના અધ્યક્ષા સુજાતા કોટામરાજુએ મહેમાનો, મહાનુભાવો અને ઉપસ્થિતોનું સ્વાગત કરવાં સાથે ગીતાજયંતીના ધાર્મિક મહત્ત્વ પર ભાર મૂકી જણાવ્યું હતું કે ભગવદ્ ગીતામાં યોગ્ય સમયની કામગીરી અને આત્મજ્ઞાનના મૂળભૂત સિદ્ધાંતો દર્શાવ્યા છે તેમને પુનઃ સ્મરણ કરવાનો દિવસ છે. ગીતાબોધ કેવી રીતે આધુનિક અસ્તિત્વની સમસ્યાઓમાં થઈ જીવનનૌકા હંકારવાનું સુગઠિત માર્ગદર્શન આપે છે તેના પર પણ પ્રકાશ પાથર્યો હતો.

ભારતીય હાઈ કમિશનર ડો. આદર્શ સ્વાઈકાએ મનનીય સંબોધનમાં આપણા જીવનમાં ગીતાજીના મહત્ત્વ ઉપરાંત, આ જ્ઞાન ધર્મોથી આગળ વધી હેતુસભર અને સંતુલિત જીવન જીવવાના સિદ્ધાંતો દર્શાવે છે તેમજ નિઃસ્વાર્થ કર્મ અને નિરંતર કર્તવ્યનો ઉપદેશ જટિલ વિશ્વમાં શ્રેષ્ઠતા અને શાંતિ ઈચ્છતા વ્યક્તિઓ માટે આવશ્યક હોવાનું જણાવ્યું હતું. તેમણે મહત્ત્વના સાંસ્કૃતિક ઈવેન્ટ્સના આયોજનોમાં સહકાર બદલ હિન્દુ કાઉન્સિલ ઓફ ઈન્ડિયાનો આભાર માન્યો હતો.

ઈવેન્ટમાં સાંસ્કૃતિક પરફોર્મન્સ અને ઊંડાણ સાથેના તત્વજ્ઞાનીય ઉપદેશનું સંયોજન હતું. રવિન્દ્ર નાટ્ય નિકેતન કલ્ચરલ સેન્ટરના બાળકોએ મંત્રમુગ્ધ કરી દેનારું નૃત્ય રજૂ કર્યું હતું. બીજી તરફ, ચિન્મય મિશન અને ઈસ્કોન કેન્યાના સમર્પિત ભક્તો દ્વારા ગીતાજીના શ્ર્લોકોનું પઠન કરાયું હતું જેના થકી સમગ્ર વાતાવરણમાં આધ્યાત્મિક તરંગોની દિવ્યતા પ્રસરી હતી.

ફિલોસોફિકલ વિભાગમાં ભગવદ્ ગીતાના જ્ઞાનના વિવિધ ચાર પાસા પર પ્રકાશ પાથરવામાં આવ્યો હતો. કલ્પનાબહેન કારીઆએ કુરુક્ષેત્રના સમરાંગણ પરની ગોઠવણી, ભગવાન કૃષ્ણ અને અર્જુન વચ્ચે સંવાદ સંદર્ભે ધર્મ અને મોક્ષના પાયારૂપ વિચાર વિશે જણાવ્યું હતું. HCKના નેશનલ જનરલ સેક્રેટરી સુરેન્દ્રભાઈ ભાટિયાએ વર્તમાનકાલીન સંદર્ભે આપણા જીવનમાં ગીતાબોધ મહત્ત્વ સમજાવી તણાવ સંચાલન, સમતુલા, પરિણામની આશા વિના કર્તવ્ય બજાવવાના વ્યવહારુ ઉદાહરણો આપ્યા હતા. ભક્તિ માર્ગના ખિલાન દ્વારા વિદ્વત્તાપૂર્ણ સંબોધનમાં ગીતાજીમાં ઉપદેશેલા ભક્તિના માર્ગ વિશે જણાવ્યું હતું.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter