લંડનઃ ડિપાર્ટમેન્ટ ફોર એજ્યુકેશનના અપડેટ કરાયેલા લીગ ટેબલ્સ અનુસાર હેરોમાં અવંતિ સ્કૂલ્સ ટ્રસ્ટ દ્વારા સંચાલિત હિન્દુ આસ્થાની બે શાળા બરો અને દેશભરમાં શ્રેષ્ઠ શાળાઓના ક્રમમાં પહોંચી છે. અવંતિ હાઉસ સેકન્ડરી સ્કૂલે તમામ ચાવીરૂપ પગલાંમાં સમગ્ર હેરોમાં પ્રથમ સ્થાન હાંસલ કર્યું છે જ્યારે કૃષ્ણા અવંતિ પ્રાઈમરી સ્કૂલે ઈંગલેન્ડની ટોચની 5 ટકા પ્રાઈમરી સ્કૂલ્સમાં સ્થાન મેળવ્યું છે. અવંતિ સ્કૂલ્સ ટ્રસ્ટ દ્વારા જણાવાયું છે કે પરિણામો શૈક્ષણિક સિદ્ધિ અને વ્યક્તિત્વ વિકાસ પર મૂકાતા ભારનું પ્રતિબિંબ દર્શાવે છે.
અવંતિ હાઉસ સેકન્ડરી સ્કૂલે ઈંગ્લેન્ડ ફોર એટેઈન્મેન્ટ 8માં 6579 શાળાઓમાં 211મો ક્રમ હાંસલ કરી દેશભરમાં ટોચની 3 ટકા શાળાઓમાં સ્થાન મેળવ્યું છે. સરળ રીતે કહીએ તો, એટેઈન્મેન્ટ 8સ્કોર દર્શાવે છે કે વિદ્યાર્થીઓએ ચાવીરૂપ 8 GCSE વિષયોમાં કેટલું સારું પરફોર્મન્સ કર્યું છે. ઊંચા સ્કોરનો અર્થ એ છે કે વિદ્યાર્થીઓેએ સમગ્રતયા મજબૂત પરિણામો હાંસલ કર્યાં છે.
કૃષ્ણા અવંતિ પ્રાઈમરી સ્કૂલે અભૂતપૂર્વ દેખાવ સાથે હેરોમાં સૌથી મજબૂત શાળાઓમાં એક હોવાની પોતાની પ્રતિષ્ઠાને જાળવી રાખી છે. આ ઉપરાંત, વાંચન, લેખન અને મેથ્સમાં અપેક્ષિત માપદંડને પહોંચી વળનારા વિદ્યાર્થીઓની ટકાવારી પર આધારિત રાષ્ટ્રીય સ્તરે ટોચની 5 ટકા પ્રાઈમરી સ્કૂલ્સમાં સ્થાન મેળવ્યું છે. શાળાએ 92 ટકા હાંસલ કરવા સાથે બરોમાં અન્ય શાળાઓથી ઘણી આગળ રહી છે.
અવંતિ સ્કૂલ્સ ટ્રસ્ટમાં ટ્રસ્ટ એજ્યુકેશન લીડ, ફામિદા રાવૂતે જણાવ્યું હતું કે,‘અમારી શાળાઓ દર વર્ષે પુરવાર કરે છે કે શૈક્ષણિક ઉત્કૃષ્ટતાને મજબૂત મૂલ્યો અને વ્યક્તિત્વ વિકાસ સાથે સંયોજિત કરવામાં આવે ત્યારે અભૂતપૂર્વ પરિણામો શક્ય બને છે. આ રેન્કિંગ્સ શિક્ષણે મન અને હૃદય, બંનેને પોષણ આપવુ જોઈએની અમારી માન્યતાને મજબૂત બનાવે છે. માપદંડો માત્ર હેરો નહિ, રાષ્ટ્રીય સ્તરે પણ ઊંચા રાખવાના સહિયારા લક્ષ્યના સાતત્ય માટે નિરંતર પ્રયાસોમાં અમારા વિદ્યાર્થીઓ અને સ્ટાફ માટે અમે ભારે ગૌરવ ધરાવીએ છીએ.’


