હાલ કોરોનાને કારણે બેકારી વધી ગઇ છે. ગરમીના દિવસો એટલે ઘરની બારીઓ ખુલ્લી રાખવાનું મન થાય પણ એમ કરી આપણે ચોરોને નોંતરી રહ્યા છે. આજકાલ હેરો-પીનરના ડીટેચ્ડ ઘરો ચોરોના ટારગેટ બન્યા છે. તાજેતરમાં ચોરીના વધતા જતાં બનાવો ચિંતાજનક છે. ખાસ કરીને વડિલો કે એકલ-દોકલ રહેનારાઓએ વધુ સજાગ બનવાની જરૂર છે.
ગયા સપ્તાહે બપોરના દોઢ વાગ્યાના અરસામાં આપણા હેરોમાં ગુજરાતીના ઘરના રસોડાની ખુલ્લી બારી જોઇ ચોર ભીંત પર ચડી ઘરમાં ઘૂસવા ગયો. એ વખતે ઘરના ગૃહિણી રસોડામાં વાસણ ધોઇ રહ્યાં હતાં એટલે એમણે તરત જ પોલીસને ફોન કર્યો અને સમયસર પોલીસ આવી ચડતા ચોર રંગે હાથ પકડાઇ ગયો. આવું જવલ્લે જ બને છે. મોટાભાગના બનાવોમાં ચોર પકડાતા હોતા નથી.
બીજા એક બનાવમાં એક જૈફ વયના દંપતિ રાતના સમયે ઘરમાં ટી.વી. જોતાં હતાં અને પાછળથી ચોર ઘૂસી ગયો. ઘરમાં એકદમ અવાજ આવતા તેઓ જોવા ગયા તો ચોરો. એમણે કહ્યું, તારો જીવ વ્હાલો હોય તો તારા લોકરની ચાવી આપી દે..અને તેઓએ પોતાના બચાવ માટે લોકરની ચાવી આપી દીધી. સદ્નસીબે ઘરમાં ખાસ કેશ ન હતી પરંતુ દાગીના તો હોય જ!
આવા અનેક કિસ્સાઓ આપણને સાવચેત બનવાનું સૂચવે છે.
સૌ વાચકોને જણાવવાનું કે, તમારા ઘરની બારી ખુલ્લી રાખવાની ભૂલ કરશો નહિ. બહાર નીકળો તો ખાસ તપાસી લેવું કે, ભૂલે-ચૂકે કોઇ બારી ખલ્લી તો રહી નથી ગઇ ને! ઉમર લાયક ભાઇ-બહેનોની યાદદાસ્ત કમજોર થવાને કારણે ય ચોરી-લૂંટના શિકાર બનવાની શક્યતા વધી જાય છે.