હેરોમાં વાંઝા સમાજ દ્વારા ભજન સંધ્યાનું આયોજન

- ધીરેન કટવા Wednesday 12th September 2018 06:33 EDT
 

વાંઝા સમાજ દ્વારા તાજેતરમાં લંડનના હેરોમાં વાર્ષિક ગુરુ ગોપાલ લાલ ભજન ઉત્સવ યોજાઈ ગયો. ડિનર સાથે શરૂ થયેલા આ સાંધ્ય કાર્યક્રમમાં લગભગ ૧૦૦ લોકો ઉપસ્થિત રહ્યા હતા. જાણીતા ગાયક દામજીભાઈ ભરાકડાની આગેવાની હેઠળના ગોપાલ લાલ ભજન મંડળ દ્વારા ભજનો રજૂ કરાયા હતા. પ્રેક્ષકો પૈકી કેટલાંક લોકોએ જણાવ્યું હતું કે કાર્યક્રમમાં રજૂ થયેલા લોકગીતો અને ભજનોથી તેમની ઈસ્ટ આફ્રિકા અને ભારતની યાદો તાજી થઈ હતી.

કાર્યક્રમનું લાઈવ સ્ટ્રીમીંગ કરનારા વાંઝા સમાજના પ્રમુખ બાબુલાલ પરમારે કાર્યક્રમમાં હાજર રહેવા બદલ સૌનો આભાર માન્યો હતો અને તેમના પરિવારના યુવા સભ્યોને વિવિધ પ્રવૃત્તિઓમાં જોડાવા પ્રોત્સાહન આપવા અનુરોધ કર્યો હતો. તેમણે ઉમેર્યું હતું કે ઉદાર દાતાઓના ડોનેશનથી કાર્યક્રમના ખર્ચને પહોંચી વળાયું છે. સભ્યોએ સપ્ટેમ્બરની શરૂઆતમાં લેસ્ટરના વાંઝા સમાજ દ્વારા યોજાયેલા એક અઠવાડિયાના આધ્યાત્મિક મહોત્સવને મળેલી સફળતાની વાત કરી હતી. શ્રીમદ ભાગવતમ કાર્યક્રમનું નેતૃત્વ આધ્યાત્મિક અગ્રણી શ્યામભાઈ ઠાકરે સંભાળ્યું હતું. વિશ્વભરના વાંઝા લોકો તેમના ગુરુ ગોપાલ લાલના અનુયાયી છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter