લંડનઃ દીવાળીનો તહેવાર હજારો હિન્દુ, શીખ અને જૈનબંધુઓને અન્ય કોમ્યુનિટીઓની સંગે અંધકાર પર પ્રકાશના વિજય ‘દીપોત્સવ’ની ઉજવણી કરવા સાથે લાવે છે. મેયર ઓફ લંડન દ્વારા દીવાળીની વાર્ષિક ઉજવણી નિમિત્તે રવિવાર, ૧૫ ઓક્ટોબરે ટ્રફાલ્ગર સ્ક્વેર નૃત્ય, સંગીત અને લાઈવ પરફોર્મન્સીસ, મનોરંજન, યોગ અને ધ્યાનના સેશન્સ, જ્વેલરી, આયુર્વેદિક ઉત્પાદનો, જ્વેલરી, રંગોળી, સ્વાદિષ્ટ ખાણીપીણીના સ્ટોલ્સના રંગબેરંગી અને ઉત્સાહપૂર્વકના સમન્વયથી જીવંત બની જશે.
સમગ્ર ભારત અને વિશ્વના અન્ય દેશોમાં પણ હિન્દુ, શીખ અને જૈન સમુદાય ‘ફેસ્ટિવલ ઓફ લાઈટ્સ’ની ઉજવણી કરે છે. તમામ કોમ્યુનિટીના લંડનવાસીઓ અને નગરના મુલાકાતીઓને ૧૫ ઓક્ટોબરે બપોરના ૧.૦૦થી સાંજના ૭.૦૦ વાગ્યા સુધીની ટ્રફાલ્ગર સ્ક્વેર ઉજવણીમાં સામેલ થવા આમંત્રણ અપાયું છે. મ્યુઝિક અને ડાન્સની સાથે જ સ્વાદિષ્ટ ભોજન અને ડ્રિન્ક્સની રેલમછેલ તથા પરિવારસહ માણી શકાય તેવા કાર્યક્રમો સાથે ફ્રી ઈવેન્ટનું આયોજન લંડનના મેયર દ્વારા કરવામાં આવ્યું છે. દિવાલી ઈન લંડન કમિટી દ્વારા આયોજિત આ ઈવેન્ટમાં લેબારા મોબાઈલ, યુકે-ઈન્ડિયા યર ઓફ કલ્ચર, બીબીસી એશિયન નેટવર્ક અને ધ લલિત હોટેલનો સહયોગ પ્રાપ્ત થયો છે.
લંડન અને કોલકાતા વચ્ચે અનોખા સંબંધને દર્શાવતા સિલ્ક રિવર પ્રોજેક્ટના ફ્લેગ્સ સાથેના રંગીન સરઘસ સાથે ઉજવણીનો આરંભ થશે. મ્યુઝિક અને ડાન્સના જીવંત પરફોર્મન્સીસ પહેલા ગરબા બેન્ડ દ્વારા પરંપરાગત ગરબાની રમઝટ માણવા બધાને આમંત્રણ છે. આ પછી બીબીસી એશિયન નેટવર્ક દ્વારા લંડનસ્થિત બેલડી પાર્લે પટેલ અને પ્રીતિ વરસાણીથી માંડી ભારતીય રેપર અને પ્રોડ્યુસર Ra0ol સહિત સમકાલીન બ્રિટિશ એશિયન મ્યુઝિક ટેલન્ટની રજૂઆત કરાશે.
લંડનના મેયર સાદિક ખાને જણાવ્યું હતું કે,‘લંડનના મેયર તરીકે હું લંડન અને સમગ્ર વિશ્વમાં દીવાળી ઉજવતા સહુને શુભકામના પાઠવું છું. દીવડાઓના આ સુંદર ઉત્સવ દરમિયાન આપણે રામ અને સીતાની કથા, આપણા ઘરોમાં દીવડા પ્રગટાવવા તેમજ હિન્દુ, શીખ અને જૈન ભાઈઓની ઉષ્મા અને ઉદારતાને અંજલિ આપવામાં સહભાગી બનીએ.’ દીવાળી ઈન લંડન કમિટીના ચેરપર્સન રવિ ભનોટે જણાવ્યું હતું કે,‘આપણે ટ્રફાલ્ગર સ્ક્વેરમાં દીવાળીના ૧૬મા વર્ષની ઉજવણી કરી રહ્યા છીએ. યુકે-ઈન્ડિયા યર ઓફ કલ્ચરમાં સાથે મળી આનંદપૂર્વક તેની ઉજવણી કરીએ.’


