વાચક મિત્રો, યુકે એશિયન વિમેન્સ ક્લબ-નોર્થ લંડન ખાતે પહેલી મેના રોજ ગુજરાત દિનની ઉલ્લાસભેર ઉજવણી કરાઇ હતી. આ પ્રસંગે ગુજરાત સમાચારના કન્સલ્ટિંગ એડિટર જ્યોત્સનાબહેન શાહ અને આપણા સમાજના જાણીતાં કવયિત્રી-સર્જક ભારતીબહેન પંકજ વોરાએ ગૌરવવંતા ગુજરાતનું મહિમાગાન કરતા જ્ઞાનવર્ધક સંબોધન કર્યા હતા. બહોળા વાચક વર્ગના લાભાર્થે આ સપ્તાહે જ્યોત્સનાબહેનના પ્રવચનના અંશો અત્રે રજૂ કર્યા છે, આવતા સપ્તાહે ભારતીબહેનના પ્રવચનના અંશો રજૂ કરશું. - સી.બી. પટેલ, પ્રકાશક-તંત્રી
•••
- જ્યોત્સના શાહ
આપ સૌને ગુજરાત સ્થાપના દિનની શુભેચ્છા. આપણો આ ગૌરવ દિન છે, અને એની ઉજવણીનો વિચાર આવવો એ માટે વિઝન જોઇએ. જે હેરો વિમેન્સ ક્લબના પ્રેસિડેન્ટ વર્ષાબહેન બાવીસી પાસે છે એ માટે ધન્યવાદ. પ્રસંગે-પ્રસંગે આવતાં અગત્યના તહેવારો તથા આપણી સમૃદ્ધ વિરાસતના વારસાની યાદ તાજી કરાવે છે. આપણા મૂળ સાથેનું જોડાણ મજબૂત બનાવવા પ્રયત્નશીલ રહે છે. લોકો વારંવાર કહેતા હોય છે કે, જીવતાં રહીશું તો ફરી મળીશું, પણ કોઇએ ખૂબ જ સરસ કહ્યું છે કે, મળતા રહેશો તો જીવતા રહીશું. આપણા મિલનનું આ ટાણું છે.
1960ના પહેલી મે ના રોજ પૂર્વ મહારાષ્ટ્ર રાજ્યમાંથી ગુજરાત રાજ્ય અલગ થયું. ગુજરાતી બોલાતી હોય તેવા વિસ્તારો ગુજરાતમાં દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર, કચ્છ, કાઠિયાવાડ, હાલાર, પાંચાલ, ગોહિલવાડ, ઝાલાવાડ વગેરેનો સરવાળો એટલે આપણું ગુજરાત. સિંધુ ખીણની પુરાતન સંસ્કૃતિના અવશેષો લોથલ અને ધોળાવીરા ગુજરાતના ગર્ભમાં છે. એનો ગૌરવવંતો ઇતિહાસ, ‘જય જય ગરવી ગુજરાત, દીપે અરૂણું પ્રભાત...’ પંક્તિઓ ગાતાં જ હૈયામાં ગુજરાત પ્રત્યેનો પ્રેમ ઉભરાઇ જાય છે અને આપણી માતૃભૂમિ પર ગર્વ થાય છે. આપણા ખમીરવંતા ગુજરાતનો આ 65મો સ્થાપના દિન છે. આજે આપણે એની શાબ્દિક સફર કરી ગુજરાતને આંખ સમક્ષ ખડું કરીએ, દિલમાં વસાવીએ...
પ્રાચીનથી અર્વાચીન પ્રવાસન સ્થળોનો નજારો, અદભૂત સ્થાપત્યો, સમૃદ્ધ વન સંપતિ, વિશાળ દરિયાકિનારો, સાબરમતીનો શાનદાર રીવરફ્રન્ટ, ગિરનારના સાવજની ગર્જના અને વિશ્વનું સૌથી ઊંચુ સ્ટેચ્યુ ઓફ યુનિટી, ગાંધીજીનું ગુજરાત, સરદારનું ગુજરાત અને નરેન્દ્ર મોદીજીનું ગુજરાત. ગુજરાત એક પણ એની પહચાન અનેક.
આજથી 2000 કરતાં વધુ વર્ષો પૂર્વે રચાયેલા ગુજરાતના ઇતિહાસમાં ઘણાં રાજવીઓ રાજ કરી ગયા. મૌર્ય, ગુપ્ત, ગુર્જર, ચાલુક્ય, સોલંકી... વગેરે. એ જમાનામાં લોથલ દુનિયાનું સૌ પ્રથમ બંદર હતું એ જાણીને આશ્ચર્ય અને ગૌરવ થશે કે ગુજરાતનો વાવટો સદીઓથી વિશ્વમાં ફરકી રહ્યો છે. સ્વાતંત્ર્ય સંગ્રામ વેળા 1937માં દીર્ઘ દ્રષ્ટા મહાનુભાવ કે.એમ. મુન્શીએ ભાષાના ધોરણે મહાગુજરાતની વાત કરી હતી. એમના અવતરણથી આપણે ગુજરાતની અસ્મિતાના ઓવારણાં લઇશુંઃ
‘ગુજરાતની અસ્મિતા એટલે શું? આ અસ્મિતા શબ્દ હું 1913-14માં યોગસૂત્રમાંથી આપણા ઉપયોગમાં ખેંચી લાવ્યો. ત્યારથી એના પર હું વિચાર કરું છું અને તેને પોષે તેવી સમાગ્રી એકઠી કરું છું. અમે જન્મે ગુજરાતી છીએ; ગુજરાતી બોલીએ છીએ. અમારા સંસ્કાર ગુજરાતી છે, એમ કહ્યે આપણામાં ગુજરાતી અસ્મિતા આવતી નથી. અસ્મિતા જે મનોદશા સૂચવે છે એના બે અંગ છે: “હું છું” અને હું જ રહેવા માગું છું. એમાં વ્યક્તિત્વની સુરેખ કલ્પના અને એ વ્યક્તિત્વને હસ્તિમાં રાખવાનો સંકલ્પ બન્ને રહ્યાં છે.’
ભારત સ્વાતંત્ર્ય થયા બાદ ગુજરાતનું અલગ રાજ્ય મેળવવાનું મહાગુજરાત આંદોલન ઇન્દુલાલ યાજ્ઞિકે કર્યું હતું. ઇન્દુચાચાની આગેવાની હેઠળ એ આંદોલન સફળ થયા બાદ ગુજરાત રાજ્યનું ઉદ્ઘાટન રવિશંકર મહારાજના હસ્તે સાબરમતી આશ્રમમાં થયું હતું. એના પ્રથમ રાજ્યપાલ મહેંદી નવાઝ જંગ હતા અને મુખ્યમંત્રી ડો. જીવરાજ મહેતા. ગુજરાતની રાજધાની અમદાવાદ બની. દસેક વર્ષ બાદ 1970માં ગાંધીનગર ગુજરાતનું પાટનગર બન્યું.
આપણો ગુર્જર દેશ ગુણિયલ છે. ગુજરાતની રમણીય ભૂમિ. પશ્ચિમે કચ્છથી દમણ સુધીનો દરિયાકાંઠો ને પૂર્વે અરવલ્લી-પશ્ચિમ ઘાટને જોડતી ડુંગરમાળાઓ. જંગલો વચ્ચે આરાસુરથી દમણ અને દ્વારકાથી છોટાઉદેપુર-શૂલપાણેશ્વર સુધી વિસ્તરેલી રસાળ ગુર્જર ભૂમિ સમૃધ્ધ છે. એના અનેક ઐતિહાસિક સ્મારકો, ધાર્મિક સ્થાનકો, ઔદ્યોગિક મથકો અને સરસ્વતી સદનો ગુજરાતની સાંસ્કૃતિક ચેતનનાનો પરિચય કરાવે છે.
ઐતિહાસિક દાંડીકૂચનો પ્રારંભ અમદાવાદમાં સાબરમતી આશ્રમના ગાંધીજીના નિવાસસ્થાન ‘હૃદય કુંજ’થી 1930ની 12 માર્ચે થયો હતો. સુરત પરદેશીઓના પ્રવેશનું દ્વાર અને એક જમાનાનું પશ્ચિમ કાંઠાનું ઉત્તમ બંદર. એ વખતે તાપી નદીના કાંઠે 84 બંદરના વાવટા ફરકતાં હતાં. લગભગ 1100 વર્ષ પહેલા પારસીઓ પણ સંજાણ બંદરે ઉતર્યા હતા. એની દંતકથાથી તો આપણે સહુ પરિચિત છીએ જ! વિન્ધ્યની ગિરિમાળાઓમાંથી રમતી-કૂદતી-ઉછળતી નર્મદા નદી અને એના પાવન કાંઠાની વાત જ ન્યારી. એના એક એક કંકરમાં શંકર. કુબેરભંડારી ત્યાં જ વસે. નર્મદા મૈયાની પરિક્રમા કરતાં સંસારીઓ, સંન્યાસીઓ અને બાવાઓના મુખમાં એક જ રટણ ‘હર હર નર્મદે...’
નર્મદાકિનારાનું મોટું શહેર ભરૂચ-ભૃગુ તીર્થ. મહાભારત પહેલાની એ પુરાણી નગરી. અહિં ભૃગુ ઋષિનો આશ્રમ હતો.
ભરૂચની ઉત્તરે વડોદરા. કવિ પ્રેમાનંદે ગાયેલું, ‘વીર વડોદરું’ ગાયકવાડની રાજધાની. મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી વિશ્વવિખ્યાત. શિક્ષણ-સંગીત-કલાનું ધામ. સંસ્કારનગરી તરીકે જાણીતું. વડોદરાથી 30 કિમી દૂર આવેલ ઐતિહાસિક દર્ભાવતી નગરી એ આજનું ડભોઇ. હીરા કડિયા અને કવિ દયારામની યાદ અપાવે. ત્યાં જૈન તીર્થંકર લોઢણ પાર્શ્વનાથની ચમત્કારિક પ્રતિમા ઉપરાંત અન્ય દેરાસરોમાં સંપ્રતકાળની પ્રતિમાજી બિરાજમાન છે. ત્યાંથી કાયાવરોહણ, આજનું કારવણ. શીવના અવતાર ભગવાન લકુલીશનું એ મુખ્ય મથક. સંખેડા એના લાકડાના ભાતીગળ કલાત્મક ફર્નિચર માટે જાણીતું.
પંચમહાલમાં 800 મીટર ઊંચો પાવાગઢ ડુંગર, કાલીકા માતાનો ગઢ. તળેટીમાં ચાંપાનેર. સોળમા સૈકાના મહાન સંગીતકાર તાનસેનના સમકાલીન અને પ્રતિસ્પર્ધી બૈજુ બાવરા, આ ચાંપાનેરના રત્ન. ‘મા પાવા તે ગઢથી ઊતર્યા મા કાળી રે... મા વસાવ્યું ચાંપાનેર...’ગરબો તો આપણા હોઠે ને હૈયે છે. ગોધરા પંચમહાલનું મુખ્ય શહેર. મુગલ-મરાઠા કાળનું અગત્યનું શહેર.
મહી નદી ઓળંગીએ એટલે ચરોતર. સર્વ દ્રષ્ટિએ સમૃધ્ધ અને સુવિકસિત વિસ્તાર. ચરોતરનું આણંદ શ્વેત ક્રાંતિનું કેન્દ્ર. અમૂલ ડેરીની સિદ્ધિએ દુનિયાભરમાં ડંકો વગાડ્યો છે. નડિયાદ સાક્ષર ભૂમિ. ‘સરસ્વતીચંદ્ર’ના લેખક સાક્ષરવર્ય ગોવર્ધનરામ ત્રિપાઠી સહિત અનેક સાક્ષરોની ભૂમિ. સંતરામ મહારાજનું એ ધામ. પૂ. મોટાની અધ્યાત્મ અને સામજિક પ્રવૃત્તિઓનું ધામ. કરમસદ સરદાર વલ્લભભાઇ પટેલની જન્મભૂમિ. સાગરકાઠાનું ખંભાત સ્કંભ તીર્થ તરીકે જાણીતું ઐતિહાસિક નગર. ડાકોરના ભક્ત બોડાણાની દંતકથા પ્રચલિત છે. દ્વારિકાના રણછોડરાયની મૂળ મૂર્તિ ડાકોરમાં છે. ‘આખા લીંમડામાં એક ડાળ મીઠી હો રણછોડ રંગીલા...’નું ભજન તો જાણતા જ હશો.
ઉત્તર ગુજરાતમાં શામળાજીનું મંદિર ભવ્ય. એની શીલ્પ સ્થાપત્ય શૈલી નમૂનેદાર. ‘શામળાજીના મેળે રણઝણીયું વાગે...’ ગરબો ગાતા એની યાદ તાજી થાય. સાબરાકાઠા જિલ્લાનું મથક હિંમતનગર. ગુજરાતના સુલતાન અહમદશાહે હાથમતી નદીને કિનારે વસાવેલ. એથી આગળ જઇએ તો ઇડર. ‘અમે ઇડરીયો ગઢ જીત્યા રે...’ લોકગીત પણ આપણી જીભે રમે છે. ઇડરથી આગળ જતા ખેડબ્રહ્મા. ત્યાં ચર્તુમુખ બ્રહ્માજીનું વિરલ મંદિર. આરાસુરના અંબાજી પણ નજીક છે. જૈનોનું પ્રાચીન તીર્થ કુંભારિયાજી પણ સાવ નજીકમાં છે.
અહિથી આગળ જઇએ એટલે મહેસાણા જિલ્લો. એ દૂધ સાગર ડેરી માટે જાણીતું. વિજાપુરનું ભવ્ય જૈન દેરાસર. મહુડીનું ઘંટાકર્ણ મહાવીરનું સ્થાનક. ત્યાં હજારો જૈન-જૈનેતર યાત્રાળુઓ આવે છે અને સુખડી ચડાવે છે. શંખેશ્વર જૈનોનું મહત્વનું તીર્થ. જ્યાં શંખેશ્વર પાર્શ્વનાથનો મહિમા અપાર છે. ઉંઝામાં કડવા પાટીદારના ઊમિયા માતાજીનું ભવ્ય મંદિર. ઉનાવા પાસેનું મુસ્લિમોનું પવિત્ર સ્થળ મીરા દાતાર. વીસનગર ને વડનગર પણ ઐતિહાસિક શહેરો.
વડનગરના સપૂત આપણા ગુજરાતના પૂર્વ મુખ્ય પ્રધાન અને હવે વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદીજીની જન્મભૂમિ. મોદીજી માત્ર ગુજરાત કે ભારત જ નહિ વિશ્વવિખ્યાત વ્યક્તિ તરીકે સમ્માનનીય છે. નાગરોનું એ સ્થાનક. એમના કૂળદેવ હાટકેશ્વર મહાદેવનું વિશાળ મંદિર. એ કાળે તે પ્રદેશની રાજધાની. સમૃધ્ધિ ઉપરાંત વિદ્વતા, કળા અને ખાસ કરીને સંગીત-નૃત્ય માટે વિખ્યાત હતું. તાના-રીરી બે નાગર બહેનોની વાત આપને ખબર હશે. મુગલ સમ્રાટ અકબરના દરબારના નવ રત્નોમાંના એક મહા સંગીતજ્ઞ તાનસેન. જેણે સમ્રાટની આજ્ઞાથી દીપક રાગ ગાયો પછી તો અંગે અંગમાં દાહ પેદા થયો. એનું શમન કરવા ગામે ગામ ઘૂમતા-ઘૂમતા વડનગર આવ્યા જ્યાં તાના-રીરીએ મલ્હાર રાગ ગાઇને દાહનું શમન કર્યું. આ બે બહેનોનું સમાધિ - સ્મારક ત્યાં છે. ચીની મુસાફર હ્યુ એન સાંગે એની પ્રવાસ નોંધમાં વડનગરની મુલાકાતનો ઉલ્લેખ કર્યો છે.
મોઢેરાનું સૂર્ય મંદિર, બહુચરાજીનું મંદિર, તારંગાનું અજીતનાથનું દેરાસર... વગેરે શિલ્પ સ્થાપત્યથી સભર છે. પાલનપુર બનાસકાંઠા જિલ્લાનું મોટું નગર. ભારે જાહોજલાલીવાળું. નવાબી સમયમાં બગીચાનું નગર કહેવાતું. બેલ્જીયમના એન્ટવર્પ શહેરમાં વસેલા હીરાના ઝવેરીઓ-વેપારીઓ મોટાભાગે જૈન પાલનપુરી છે. ગઝલકાર સૈફ પાલનપુરી અને સાહિત્યકાર ચંદ્રકાન્ત બક્ષી અને પ્રસિધ્ધ છબીકાર સૈયદ બંધુઓ પણ પાલનપુરના જ.
ગુજરાતના સુવર્ણ યુગ સમયની સોલંકી રાજવીઓની રાજધાની પાટણ. સરસ્વતી નદીના તીરે વસેલું ગુર્જર સંસ્કૃતિનું કેન્દ્ર. એના મહાલયો-દેવાલયો શિલ્પ સ્થાપત્યના ઉત્તમ નમૂના. રાજા તરીકે સિધ્ધરાજ જયસિંહ અને ધર્મગુરૂ તરીકે હેમચંદ્રાચાર્યનો ફાળો અમૂલ્ય છે. મહાન ગ્રંથ ‘સિધ્ધહેમ’ વ્યાકરણ શાસ્ત્રની રચના હેમચંદ્રાચાર્યે કરી હતી. અહિના જ્ઞાન ભંડારોમાં 800-1000 વર્ષ પુરાણા અલભ્ય પુસ્તકો સચવાયા છે. 15,000 થી વધુ પ્રાચીન ગ્રંથો-હસ્તપ્રતો-તાડપત્ર-ભોજપત્ર-કાપડ પર લખાયેલ ત્યાં સચવાયેલ છે. મહિષાસુર મર્દિની રાણકીવાવનું અનુપમ શિલ્પ, રૂદ્ર મહાલય અને ‘છેલાજી રે મારે હારૂ પાટણથી પટાળાં મોંઘા લાવજો રે...’ જાણીતું લોકગીત ગાતા હૈયું હરખાઇ ઊઠે. એક-એક ગામ-શહેર પોતપોતાનો આગવો ઇતિહાસ અને વિશિષ્ઠતા ધરાવે છે.
સંત-મહંતો-વીર સપૂતોની ભૂમિ સૌરાષ્ટ્ર. રજવાડાનો ચંદરવો. શૂરાઓની શૌર્યકથાઓ અને સંત-સતિઓની સમર્પણ ગાથાઓ. સૌરાષ્ટ્રનો પરિચય કરવો હોય તો વાંચવા પડે રાષ્ટ્રીય શાયર મેઘાણીની ‘સૌરાષ્ટ્રની રસધાર’ અને ‘સોરઠ તારા વહેતા પાણી’. સાગરકાંઠાને ઓળખવો હોય તો ગુણવંતરાય આચાર્યની ‘દરિયા કથાઓ’ ને લોકસાહિત્ય દુલા કાગનું. પોરબંદર ગાંધીજીની જન્મભૂમિ, ટંકારા દયાનંદ સરસ્વતિની જન્મભૂમિ.
વાંકાનેરનો પ્રતાપવિલાસ પેલેસ ને જામનગર સૌરાષ્ટ્રનું પેરિસ. રાજકોટની રાજકુમાર કોલેજ ને એમાં ભણી ગયેલ મહાનુભાવો કલાપી, અધ્યાપક કવિ ન્હાનાલાલની યાદ અપાવે.
રાજકોટ સર્વ રીતે વિકસિત ઔદ્યોગિક શહેર. ‘રંગીલું રાજકોટ...’ પેલું ગીત યાદ છે ને, ‘ઝટ જાઓ ચંદનહાર લાવો, ઘૂંઘટ નહિ ખોલું રે...’, ‘ભાગી જઇશ ભાવનગર ને રખડીશ રાજકોટમાં...’ જલારામબાપાનું જાણીતું વીરપુર અન્નક્ષેત્ર, વલ્લભીપુર, ભાવનગર, પાલીતાણામાં શત્રુંજય તીર્થ, નરસિંહ મહેતાનું જૂનાગઢ ને સર્વધર્મોનું યાત્રાધામ ગિરનાર. જ્યાં ગુરુ દત્તાત્રય, શિવ મંદિર, નેમિનાથનું દેરાસર અને દરગાહ. એશિયાઇ સિંહોની સાવજભૂમિ, ભગવાન શ્રી કૃષ્ણની દ્વારિકા નગરી - સૌથી પૌરાણિક શહેર. પ્રભાસ પાટણ, સોમનાથનું શિવ મંદિર - ભારતની ચેતનાનું ખંડન અને પુર્ન જાગૃતિના સનાતન ઇતિહાસનું પ્રતીક. ગોંડલમાં સ્વામિનારાયણનું મંદિર. વઢવાણ, તરણેતરનો મેળો, અડાલજની વાવ - પુરાણ પ્રસિધ્ધ, નળ સરોવર, સરખેજ... કચ્છનું સફેદ રણ, માંડવીનો પેલેસ, કાળો ડુંગર, જેસલ-તોરલની સમાધિ, લોથલ, ધોળાવીરાના પ્રાચીન અવશેષો... કોને યાદ કરીએ અને કોને ભૂલીએ જેવા હાલ છે.
‘શિયાળે સોરઠ ભલો, ઉનાળે ગુજરાત, ચોમાસે વાગડ ભલો, કચ્છડો બારે માસ...’ કચ્છની લોક સંસ્કૃતિ અને તેના ઇતિહાસની રોમાંચક ઘટનાઓ ઇતિહાસમાં સંગ્રહાયેલી પડી છે.
ગુજરાતમાં 2001ની સાલમાં આવેલ ભયાનક ભૂકંપે કચ્છને ધમરોળી નાંખ્યું પણ એની ખમીરવંતી પ્રજાએ એકમેકના સાથથી કાયાપલટ કરી દીધી. મેગા સ્ટાર અમિતાભ બચ્ચનને ચમકાવતા ‘ખશ્બુ ગુજરાત કી’ ઝૂંબેશથી ગુજરાત પ્રવાસન વિભાગને નવી ઊર્જા મળી ગઇ છે. ‘કુછ દિન તો ગુજારો ગુજરાત મેં’... વાક્ય ઘર ઘરમાં પ્રચલિત બની ગયું છે. વાઇબ્રન્ટ ગુજરાતના વિવિધ મહોત્સવો તથા ગુજરાતના નવા હાઇવે, મેટ્રો, બુલેટ ટ્રેનો વગેરે વાહનવ્યવહારની સુવિધાએ યાત્રાધામોના જિર્ણોધ્ધારે કાયાપલટ કરી દીધી છે.
જય જય ગરવી ગુજરાત...