રા. રા. ભાઈશ્રી સી.બી.ભાઈ, જય શ્રીકૃષ્ણ...
જય સ્વામિનારાયણ.
અત્રે સર્વે કુશળ છીએ અને આપની તથા કુટુંબની કુશળતા માટે પ્રભુ પ્રાર્થના. ઘણા વખતથી મારે તમને મારા મનની વાત જણાવવી હતી પરંતુ આજે મને અવસર મળ્યો.
ભાઈ, તમને હું દસકાઓ પહેલાં મળી હતી. તે વેળા હું ઝિમ્બાબ્વેથી આવી હતી અને અમારા ભાણા પ્રિયેશની (ઉષા-વિપીનકુમારના દીકરાની) 21મી બર્થડેએ તમને બહુ જ થોડીક મિનિટો માટે મળી હતી. (મહેન્દ્રભાઈ તથા વિપીનકુમાર) સાથે તમને નમસ્તે કરીને એટલું જ બોલી શકી કે ‘મળીને આનંદ થયો’. ઉપરાંત કહ્યું હતું, ‘You are very handsom man...’ આજે વર્ષો બાદ પણ તમારા ફોટોગ્રાફ્સ ‘ગુજરાત સમાચાર’માં જોઉં છું તો લાગે છે કે તમારી પર્સનાલિટી હજી તે જ છે. હજી પણ એટલા પ્રભાવશાળી છો.
તમે તો તમારું જીવન સફળ-સાર્થક કરી દીધું એમ કહું તો પણ ખોટું નથી. વિધવિધ ક્ષેત્રોના મહાનુભાવોના પરિચયમાં આવ્યા, અને જીવન ધન્ય કર્યું. હું તો કહીશ કે તમારે જાત્રાએ જવાની જરૂર નથી. ઘેરબેઠાં જ તમે પુણ્ય ભેગું કર્યું.
એર ઈન્ડિયાની ડાયરેક્ટ ફ્લાઈટ ફરી શરૂ કરાવવા માટે પણ તમે ખૂબ મહેનત કરી, અને તેમાં સફળ પણ થયા. વધુમાં તમે દરેક દેશના રાજનેતાઓને મળ્યા. સાધુસંતોને મળ્યા. અને તેમના આશીર્વાદ મેળવ્યા. વધુમાં કહું તો, કદાચ તમે પહેલા એવા વ્યક્તિ હશો જેઓ સ્વામિનારાયણ સંપ્રદાયના ત્રણેય ગુરુઓને મળ્યા હોય. આ સંતોના આશીર્વાદ મેળવ્યા, અને તમે જીવન ધન્ય કરી દીધું. તમે પણ ઘણો કપરો કાળ જોયો છે. ખૂબ શરૂઆતમાં મહેનત કરી. તેમાં તમારા પત્નીનો સાથ મળ્યો. પુષ્પાબેન સાથે જીવન ધન્ય કરી દીધું. તમારા બન્નેની સેવાથી આજે ‘ગુજરાત સમાચાર’ નીખર્યું છે. તમારા ભાઈ-બહેનોએ પણ તમારી બહુ કદર કરી છે. તમારું ‘ગુજરાત સમાચાર’નું ટીમવર્ક બહુ સારું છે.
ઈશ્વર આપની હંમેશા રક્ષા કરે એ જ મારી હૃદયપૂર્વકની પ્રાર્થના... કંઈ વધુ પડતું લખાયું હોય તો માફ કરજો. આજે અમારી દીકરી ઉષા (કીનુ)નું બ્રેસ્ટ કેન્સરનું ઓપરેશન કર્યું. ટ્રીટમેન્ટ ચાલુ છે, હવે સારું છે. પોતે ઘણી મનની મજબૂત છે. સાથે વિપીનકુમાર ત્રણ મહિના હોસ્પિટલમાં રહ્યા. બચી ગયા. અમારા મોટા દીકરા વિજયને ગંભીર બીમારી હતી, પણ પહેલાં કરતાં હવે સારું છે. બીજા દીકરા જતીનને
પણ હેલ્થ પ્રોબ્લેમ છે, એની પત્ની હીનાને પણ કેન્સર છે. એમને પણ ઓપરેશન બાદ સારું છે. ટ્રીટમેન્ટ ચાલી
રહી છે.
અમારા નાના દીકરા દક્ષેશને પણ ગંભીર ઈજા હતી. દક્ષેશ અને વિપીનકુમાર સારવાર લેવામાં એકાદ દિવસ પણ મોડા પડ્યા હોત તો ગુમાવી દીધા હોત, પણ બચી ગયા. સમય અને ડોક્ટરની સારવારે બચાવી લીધા.
હું હંમેશા કહું છું કે તમે બચી ગયા કારણ અમારી (મા-બાપની) ખૂબ સેવા કરી છે. હજુ પણ બધા દીકરાઓ – વહુઓ – દીકરી - જમાઈ અમારી ઘણી બધી સેવા કરે છે અને પુણ્ય પામે છે.
બસ ભાઈ, વધુ પડતું લખાયું હોય અથવા કંઈ ભૂલચૂક થઈ હોય તો માફ કરજો. આપનું કુટુંબ હરહંમેશ સુખી રહે એ જ મારી પ્રાર્થના છે. May God bless you all with Health, Happiness and Blissful life which you deserve.
- યશોદાબેન (વિમુબેન) ભૂપેન્દ્રભાઈ પટેલના જય સ્વામિનારાયણ
તા.ક. મને પણ પૂ. બાપા (પ્રમુખ સ્વામી મહારાજ)ના ઘણા પરચા થયા છે, કોઈપણ મૂંઝવણ હોય તો પૂ. બાપા સમક્ષ મારી વાત કે પ્રશ્ન રજૂ કરતી અને તેઓ ખુદ જવાબ આપતા હતા.
(નોંધઃ મુરબ્બી યશોદાબહેને 93 વર્ષની વયે જે સુંદર અક્ષરમાં સ્પષ્ટ ગુજરાતી સાથે આશીર્વાદ સ્વરૂપ પત્ર પાઠવ્યો છે જે - તેમની ઇચ્છાનુસાર - પ્રસિદ્ધ કરતાં ખરેખર ખૂબ જ ગૌરવની લાગણી અનુભવું છું. ખાસ નોંધપાત્ર છે કે 1932માં દક્ષિણ રહોડેશિયા (એટલે કે આજનું ઝિમ્બાબ્વે)ના પાટનગર સોલ્સબરી કે જે હવે હરારે તરીકે ઓળખાય છે ત્યાં ઉછર્યા. ગુજરાતી શીખ્યા. આ ઉંમરે આટલી સરસ પ્રભાવક રજૂઆત. મોટી બહેનના આશીર્વાદ પામીને ખરેખર ધન્યતા અનુભવું છું. - સી.બી. પટેલ, પ્રકાશક-તંત્રી)