હળવે હૈયે...

હળવે હૈયે - જોક્સ

Monday 23rd December 2019 16:33 EST
 
 

ભૂરોઃ તમારું લગ્નજીવન કેવું ચાલી રહ્યું છે?
જિગોઃ કાશ્મીર જેવું.
ભૂરોઃ એટલે?
જિગોઃ સુંદરતા ભારોભાર છે પણ સાથે સાથે આતંક પણ એટલો જ છે.

લીલીઃ લગ્નની સૌથી સરળ વ્યાખ્યા શું?
ચંપાઃ લગ્ન એટલે બે લોકો ભેગા મળીને એવી સમસ્યાઓનો ઉકેલ લાવવા પ્રયાસ કરે છે જે લગ્ન પહેલાં ક્યારેય હતી જ નહીં.

જિગોઃ આ શું લઈ આવ્યો?
ભૂરોઃ પાલખની ભાજી લાવ્યો છું.
જિગોઃ તને તો કશું આવડતું નથી. આ તું કોથમીર લઈને આવ્યો છે.
લીલીઃ તમે બંને તમારું જ્ઞાન તમારી પાસે રહેવા દો તમારા હાથમાં જે છે એ ફૂદીનો છે.

લીલીઃ તમે મારી સાથે કરવાચોથનું વ્રત કરીને નકોરડો ઉપવાસ રાખશો?
ભૂરોઃ તું મારી સાથે રોજ માવો ખાઈશ?

ભૂરોઃ અર યાર, સમજદાર પતિ અખબારમાં પોતાનું રાશીફળ જોતો નથી.
જિગોઃ કેમ?
ભૂરોઃ એ તો પત્નીનો ચહેરો જોઈને જાણી લે છે કે આજનો દિવસ કેવો જશે?

ભૂરોઃ મારું પેટ કાલથી ખરાબ છે.
જિગોઃ તો પછી શું થયું?
ભૂરોઃ ડોક્ટરની પાસે ગયો તો દવા આપીને બોલ્યા કે હોટેલમાં ખાવાનું બંધ કરો
જિગોઃ તો હવે શું કરીશ?
ભૂરોઃ બીજુ શું? હવે હોટેલમાંથી પેક કરાવીને ઘેર લાવીને ખાઈશ.

પત્નીઃ શું હું જાડી લાગું છું?
પતિઃ જરા પણ નહીં...
પત્નીએ તરત કહ્યું કે તો પછી મને તેડીને ફ્રીજ પાસે લઈ જાવ મારે આઇસક્રીમ ખાવો છે.
પતિઃ રોકાઈ જા. હું ફીજ ઉપાડીને લાવું છું.

એક મહિલાના વ્રતથી પ્રસન્ન થઈ ભગવાન પ્રગટ થયા અને મહિલાને કહ્યુંઃ તારા પર પ્રસન્ન છું... તું એક નહીં પાંચ વરદાન માંગ.
મહિલાએ વરદાન માંગવા શરૂ કર્યાં.
૧. મારો પતિ મારા વિના ક્યાંય જાય નહીં.
૨. મારા પતિના જીવનમાંથી મારાથી વધારે અગત્યનું કાંઈ ન હોય.
૩. હું તેની પડખે હોઉં ત્યારે જ તેને ઊંઘ આવે.
૪. જ્યારે સવારે આંખ ખૂલે તો તેની આંખ સૌથી પ્રથમ મને જ જુએ.
૫. જો મને નાનોસરખો ઘસરકો થાય તો પણ તે દુઃખથી કણસી ઊઠે.
ભગવાને તથાસ્તુ કહ્યું અને એ મહિલા સ્માર્ટફોનમાં પરિવર્તિત થઈ ગઈ.

પત્નીઃ હું હવે આવી જાઉં છું.
પતિઃ વેકેશન પૂરું થવાને તો હજુ વાર છે.
પત્નીઃ હવે અહીં ગમતું નથી. યાદ આવે છે.
પતિઃ એમ ના હોય, પિયરીયામાં તારે તો બે-બે ભાભી છે અને તારી બહેનો ય આવી હશે, ભાઈ મોજ કરને.
પત્નીઃ (ખીજવાઈને) કીધું ને એક વાર, હું આવું છું એટલે આવું છું.
અહીં બધા સાથે વારાફરતી એક-એક વાર ઝઘડી લીધું. હવે તમારા સિવાય છૂટકો નથી.

દરેક હિન્દીનો ગુજરાતી અનુવાદ કરવો નહીં. ઉદાહરણ તરીકે એક વાત.
એક નેતાજી સભામાં બોલ્યા કે ‘આપકે અચ્છે દિન આયેંગે.’
એક ડોશીમાએ કહ્યું ‘હિન્દી નહીં, ગુજરાતીમાં કહો.’
નેતાજી બોલ્યા, ‘માજી તમારા સારા દિવસો આવશે.’ ડોશીમા એવા વિફર્યા કે નેતાજીને ભાગવું પડ્યું.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter