રામપ્રસાદ પહેલીવાર વિમાનમાં સફર કરી રહ્યો હતો. તેને ડરેલો જોઈને એરહોસ્ટેસ તેમની પાસે આવી
એરહોસ્ટેસ: સર, ચિંતાની કોઈ વાત નથી. આ ફ્લાઈટમાં તમને બિલ્કુલ ઘર જેવો માહોલ મળશે.
રામપ્રસાદ: અચ્છા... પણ હું અહીં કચરા-પોતું બિલકુલ નહીં કરું.
•••
ડોકટરે એક બુઝુર્ગ પેશન્ટને ન્યુરોલોજિસ્ટને બતાવવાની સલાહ આપી.
ડોક્ટર: દાદા, એક વાર મગજવાળા ડોક્ટરને બતાવી લો.
દાદા: લે, મને એમ કે તમારી પાસે હશે.
•••
જજઃ પત્ની સાથે છૂટાછેડા કેમ લેવા છે?
પતિ: જજ સાહેબ, મારી પત્ની મારી પાસે લસણ ફોલાવે છે, ડુંગળી કપાવે છે અને વાસણ પણ ધોવડાવે છે.
જજઃ તો એમાં તકલીફ ક્યાં આવે છે? લસણને ફોલતાં પહેલા જરાક ગરમ કરી લેવાનું, ડુંગળીને કાપતા પહેલા થોડીવાર ફ્રિજમાં મૂકી દેવાની અને વાસણ ઘસતા પહેલા ગરમ પાણીથી ભરેલા ટબમાં પલાળી રાખવાના તો જલ્દી સાફ થશે.
પતિ: સમજી ગયો સાહેબ.
જજ: શું સમજ્યો?
પતિ: તમારી હાલત મારાથી પણ ખરાબ છે!
•••
એક આદરણીય સ્કૂલ માસ્તર થોડા દિવસો પહેલાં જ નિવૃત્ત થયા હતા. સપરિવાર બહારગામ જતી વખતે ઘરને તાળું મારતા પહેલાં એમણે ટેબલ પર 1000 રૂપિયા મૂક્યા અને સાથે એક પત્ર મૂક્યો, જેમાં લખ્યું હતુંઃ
પ્રિય અજાણ્યા ચોર,
મારા ઘરમાં ઘૂસવા માટે તમે જે પ્રયાસ કર્યો છે તેના માટે હૃદયપૂર્વક અભિનંદન! હવે મહેરબાની કરીને તું કબાટો તોડવાની તકલીફ ન લેતો, કેમ કે હું પેન્શન પર જીવતો સાધારણ માણસ છું. મારા ઘરમાં રોકડ રકમ, મૂલ્યવાન ચીજવસ્તુ કે ઘરેણાં કશું નથી. મને ખરાબ લાગે છે કે તમારી મહેનત અને કિંમતી સમય વ્યર્થ જશે. તો કૃપા કરીને, તમારા પ્રયત્નોના આદર તરીકે, મુકવામાં આવેલી આ નાની રકમ સ્વીકારશો.
હા, સાથે સાથે હું તમને નીચે કેટલીક ટિપ્સ આપી રહ્યો છું. જુઓ, આ જ બિલ્ડિંગમાંઃ
• આઠમા એક ભ્રષ્ટ મંત્રી રહે છે.
• સાતમા માળે અનાજમાં ભેળસેળ કરતો એક વેપારી રહે છે.
• છઠ્ઠા માળે પોતાની જ બેન્કમાં પૈસાની ઉચાપત કરતો એક સહકારી બેંકનો ચેરમેન રહે છે, અને...
• પાંચમા માળે ગુંડાઓ વતી કેસ લડતો વકીલ રહે છે.
આ સૌનાં ફ્લેટ્સમાં સોના-ચાંદી અને રોકડના પર્વતો છે. તમને આ તમામ ઘરોમાંથી ભરપૂર ‘વ્યવસાયિક સફળતા’ મળશે. આ સફળતા પામ્યા પછી પણ તમને કશી પરેશાની નહીં થાય, કેમ કે આમાંનું કોઈ ક્યારેય પોલીસમાં ફરિયાદ નહીં કરે!
ખૂબ ખૂબ શુભેચ્છાઓ અને આશીર્વાદ સહ.
- લિખિતંગ, એક નિવૃત્ત શિક્ષક


