ચંદ્રયાન-3માં ‘અમદાવાદનું ગૌરવ’

Thursday 24th August 2023 06:38 EDT
 
 

અમદાવાદઃ ચંદ્રયાન-3 ચંદ્રની ભૂમિ ઉપર લેન્ડિંગની વિશ્વભરમાં વસતાં ભારતીયો અત્યંત ઉત્સાહ, ઉત્તેજના અને આતુરતાપૂર્વક રાહ જોઇ રહ્યા છે. અમદાવાદ માટે ગૌરવની વાત છે કે, આ ચંદ્રયાન-3નું હૃદય ગણાતો પે-લોડ અમદાવાદ સ્થિત ઇસરોમાં નિર્માણ પામ્યો છે. આથી જ તેને ભારતની સ્પેસ ટેકનોલોજીના ભિષ્મપિતા ગણાતા વિક્રમ સારાભાઇના નામ ઉપરથી ચંદ્રયાન-3ના લેન્ડરનું નામ પણ ‘વિક્રમ’ અપાયું છે. આ ઉપરાંત ચંદ્રયાન-3ની ઉપર ફીટ કરાયેલા પાર્ટિક્લ એક્સ-રે સ્પેક્ટ્રોમીટરનું નિર્માણ કાર્ય પણ અમદાવાદની ફિઝિકલ રિસર્ચ લેબોરેટરી (પીઆરએલ)માં હાથ ધરાયું હતું. વિક્રમ લેન્ડર જે જગ્યાએ ઉતરશે તેની આસપાસના વિસ્તારમાં આવેલાં ખડકો અને ધૂળની રજણોમાં કયા કયા તત્વોનું મિશ્રણ રહેલું છે તે નક્કી કરવાનું કામ આ સ્પેક્ટ્રોમીટરનું છે. ઇસરોના વૈજ્ઞાનિકોએ જ આ સ્પેક્ટ્રોમીટર ચંદ્રયાન-3 ઉપર ફીટ કર્યું હતું. ઉલ્લેખનીય છે કે સ્પેસ એપ્લિકેશન સેન્ટર (સેક) અને પીઆરએલ વિક્રમ સારાભાઇ દ્વારા સ્થાપવામાં આવી હતી અને ભારતની સ્પેસ ટેકનોલોજીના વિવિધ કાર્યક્રમોમાં આ બંને વૈજ્ઞાનિક સંસ્થાઓએ પોતાનું અસાધારણ યોગદાન આપ્યું છે.

ઇસરોના સ્પેસ એપ્લિકેશન સેન્ટરના ડાયરેક્ટર નીલેશ દેસાઇએ કહ્યું હતું કે ‘ચંદ્રની સપાટી ઉપર લેન્ડિંગ કરવું, વિશેષ કરીને તેના દક્ષિણ ધ્રુવની સપાટી ઉ૫૨ લેન્ડિંગ કરવું સહેજ પણ સરળ નથી કેમ કે ચંદ્રના દક્ષિણ ધ્રુવની સપાટી ભારે ઉબડખાબડ અને ઉંચાનીચા ખાડા-ટેકરાવાળી છે, અને જો મિશનમાં સફળતા મળી તો ચંદ્રના દક્ષિણ ધ્રુવ ઉપર લેન્ડર ઉતારનાર ભારત સમગ્ર વિશ્વમાં પ્રથમ દેશ બની જશે, કેમ કે આજદિન સુધી કોઇ પણ દેશે લેન્ડિંગ માટે ચંદ્રના દક્ષિણ ધ્રુવની પસંદગી કરી નથી.’


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter