પ્રેમપ્રકરણ ખુલ્લું પડી જતાં પત્નીએ પ્રેમી સાથે મળી પતિની હત્યા કરી

સંઘપ્રદેશનો પત્ર

Friday 15th September 2023 08:45 EDT
 

સંઘપ્રદેશ દાદરા નગર હવેલીના નરોલી વિસ્તારમાં થોડા દિવસ અગાઉ એક યુવકની શંકાસ્પદ મોત મામલે ચોંકાવનાર ખુલાસો થયો છે. જેમાં મૃતક યુવકનું ગળું દબાવીને તેની હત્યા કરાઇ હોવાનું બહાર આવ્યું છે. પોલીસે ગણતરીના સમયમાં જ આ મામલે બે આરોપીઓની ધરપકડ કરી સળિયા પાછળ ધકેલી દીધા છે. આ યુવકની હત્યા કોઈ અન્ય નહીં પરંતુ તેની જ પત્ની અને પ્રેમીએ મળીને કરી હોવાનો ખુલાસો થયો છે. સંઘપ્રદેશ દાદરા નગર હવેલીના નરોલી વિસ્તારમાં આવેલા ખરડપાડામાં રહેતા સુનિલ ભંડારી નામના એક યુવકને થોડા દિવસ અગાઉ સેલવાસની હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરાયો હતો. પરિવારજનો યુવકને શંકાસ્પદ હાલતમાં હોસ્પિટલ સુધી લાવ્યા હતા અને યુવાન પારિવારિક ઝઘડામાં પડી જતા ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો હોવાનું જણાવ્યું હતું. જોકે, ફરજ પરના તબીબો એ યુવકને મૃત જાહેર કર્યો હતો.
તબીબોને આશંકા જણાતા તાત્કાલિક પોલીસને જાણ કરાઇ હતી, અને તેનું પોસ્ટમોર્ટમ કરાયું હતું. રિપોર્ટ આવતા જ યુવકના મોત મામલે ચોંકાવનારો ખુલાસો થયો હતો. હકીકતમાં ખરડપાડાના સુનિલ ભંડારી નામના યુવકનું મોત પડી જવાથી નહીં, પરંતુ ગળું દબાવીને તેની હત્યા કરવામાં આવી હોવાનો ચોંકાવનારો ખુલાસો થયો હતો. પોલીસે આ મામલે મૃતક સુનીલ ભંડારીની પત્ની અને પરિવારના અન્ય સભ્યોની ઊંડાણપૂર્વક તપાસ કરતા પોલીસને પત્નીની ભૂમિકા અંગે શંકા વ્યક્ત થઈ હતી. આથી પોલીસની આગવી ઢબે પૂછપરછમાં પત્ની ભાંગી પડી અને તેના પતિના મોત મામલે સમગ્ર હકીકત પોલીસ સમક્ષ કબૂલી હતી. તે મુજબ મૃતક સુનિલ ભંડારીની હત્યા કોઈ અન્યએ નહીં પરંતુ તેણે જ તેના પ્રેમી સાથે મળીને કરી હોવાનું કબૂલ્યું હતું.
પોલીસ તપાસમાં બહાર આવ્યું હતું કે, મૃતક સુનિલ ભંડારીની પત્નીનું પડોશમાં જ રહેતા સની ભંડારી નામના એક યુવક સાથે આડાસંબંધો હતા. બનાવના દિવસે મૃતક સુનિલે તેની પત્નીને અને પડોશી સુનિલ ભંડારીને કઢંગી હાલતમાં ઘરમાં ઝડપી લીધા હતા. આ પછી ઉગ્ર ઝઘડો થયો હતો. આથી પાપ છુપાવવા અને પ્રેમ સંબંધમાં આડે આવતા પતિનું કાસળ કાઢવા પ્રેમી સની ભંડારી અને પત્નીએ જ મળી અને સુનિલ ભંડારીની ગળું દબાવી અને હત્યા કરી હતી.


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter