રસાયણ પ્રધાન તરીકે જરૂરી દવાઓના મેનેજમેન્ટે મનસુખ માંડવિયાને સ્વાસ્થ્ય મંત્રાલય અપાવ્યું

Friday 16th July 2021 03:50 EDT
 
 

નવી દિલ્હીઃ રાષ્ટ્રપતિભવનમાંથી સાતમી જુલાઇએ રાત્રે જ્યારે પ્રધાનોના ખાતાઓની યાદી જાહેર થઈ તો આરોગ્ય પ્રધાન પદે મનસુખભાઇ માંડવિયાનું નામ ચોંકાવનારું હતું. રોગચાળાના સમયમાંથી પસાર થઈ રહેલા દેશને આંચકો લાગે તે સ્વાભાવિક હતો કારણ કે આરોગ્ય પ્રધાન તરીકે હટાવાયેલા ડો. હર્ષવર્ધન એક મેડિકલ પ્રેક્ટિશનર હતા. એટલું જ નહીં, નવરચિત પ્રધાનમંડળમાં કુલ ૬ ડોક્ટર સામેલ છે. છતાં માંડવિયાને દેશના આરોગ્યની જવાબદારી સોંપવાના બે કારણ છે. સરકાર અને પક્ષના સૂત્રો કહે છે કે પહેલું કારણ એ છે કે કોરોનાના મેનેજમેન્ટમાં તેમની ભૂમિકા ઘણી મહત્ત્વની રહી. બીજું એ કે ગુજરાતના રાજકારણમાં તેમની સંભાવના દુરગામી છે.
ભાવનગર જિલ્લાના વતની મનસુખભાઇ માંડવિયા ભલે વ્યવસાયે ડોક્ટર ન હોય, પરંતુ ભાજપમાં તેઓ ફાર્મા કંપનીઓના વિશેષજ્ઞ તરીકે ઓળખવામાં આવે છે. કોરોના મહામારીનો કપરો સમય ચાલતો હતો ત્યારે રસાયણ અને ખાતર મંત્રાલય તેમની પાસે હોવાથી તેમણે જરૂરી દવાનો પુરવઠો સુનિશ્ચિત કરાવ્યો હતો. જ્યારે દેશમાં રેમડેસિવિરની અછત થઈ તો તેનું ઉત્પાદન ૨૪ કલાકમાં વધારવા માટે ઉત્પાદકોનો સીધો સંપર્ક કર્યો. બ્લેક ફંગસના સંકટ સમયે માંડવિયાએ તેની દવા પોસાકોન્જોલનું ઉત્પાદન વધારવાનું નિશ્ચિત કરાવ્યું. તેમના આગોતરા આયોજને મેડિસીનથી માંડી ઓક્સિજન તંગીને હળવી કરવામાં નિર્ણાયક ભૂમિકા ભજવી હતી.
ગુજરાતના રાજકારણ માટે તૈયારી?!
મનસુખભાઇ માંડવિયાનું મોદી પ્રધાનમંડળમાં કદ અને વજન વધ્યા છે તેને કેટલાક વિશ્લેષકો ગુજરાતના ભાવિ રાજકીય માહોલ સંદર્ભે મૂલવી રહ્યા છે. વિશ્લેષકોનું માનવું છે કે મનસુખભાઇ વડા પ્રધાન મોદી અને ગૃહ પ્રધાન શાહના વિશ્વાસપાત્ર હોવાથી તેમને ગુજરાતમાં મહત્ત્વની ભૂમિકા માટે તૈયાર કરાઈ રહ્યા છે. આગામી વર્ષે રાજ્યમાં વિધાનસભા ચૂંટણી યોજાવાની હોવાથી તેમને મહત્ત્વનું મંત્રાલય અપાયું છે. પાવરફૂલ પટેલ સમુદાયમાંથી આવતા હોવાથી માંડવિયા મુખ્ય પ્રધાન તરીકે પહેલી પસંદ તરીકે પણ ઉભરી શકે છે.

એબીપીએલ પરિવાર સાથે જૂનો નાતો

શ્રી મનસુખભાઇ માંડવિયાનો ચહેરો રાષ્ટ્રીય તખતે ભલે હવે જાણીતો બન્યો, પણ પાયાના સ્તરે તેઓ દાયકાઓથી સક્રિય છે. લોકહિતના પ્રશ્નો ઉકેલવા સદા સક્રિય આ લોકનેતા સાથે એબીપીએલ ગ્રૂપનો વર્ષોજૂનો નાતો છે. વાચક મિત્રોને યાદ હશે જ કે લંડન-અમદાવાદ-લંડન ડાયરેક્ટ ફ્લાઇટને ફરી શરૂ કરાવવા માટે ગુજરાત સમાચાર - એશિયન વોઇસે ભારત અને બ્રિટનમાં વ્યાપક ઝૂંબેશ હાથ ધરી હતી અને આ નેશનલ કેમ્પેઇનના ચેરમેન તરીકે શ્રી મનસુખભાઇએ જવાબદારી સંભાળી હતી. એબીપીએલ પરિવારના વડીલ મિત્ર - માર્ગદર્શક એવા વરિષ્ઠ પત્રકાર સ્વ.શ્રી ભૂપતભાઇ પારેખના માધ્યમથી મનસુખભાઇ સાથે સંપર્ક થયો. પ્રકાશક-તંત્રી શ્રી સી.બી. પટેલ અને શ્રી ભૂપતભાઇ શ્રી મનસુખભાઇને રૂબરૂ મળ્યા અને લંડન-અમદાવાદ ડાયરેક્ટ ફ્લાઇટના અભાવે લંડનવાસી ગુજરાતીઓને પડતી હાલાકીથી વાકેફ કર્યા.  મનસુખભાઇને પણ આપણી લાગણી અને માગણીમાં તથ્ય જણાયું અને તેઓ ડાયરેક્ટ ફ્લાઇટના નેશનલ કેમ્પેઇનનું નેતૃત્વ કરવા સંમત થયા એટલું જ નહીં, તેમણે આ જવાબદારી પૂરી ગંભીરતા સાથે નિભાવી. લોકપ્રતિનિધિ તરીકે તેમણે રાષ્ટ્રીય સ્તરે વિવિધ મંત્રાલયો સમક્ષ આ મામલે રજૂઆત કરીને લંડનવાસી ગુજરાતીઓની સમસ્યાને વાચા આપી. પરિણામે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ બ્રિટન પ્રવાસ દરમિયાન વેમ્બલી એરેનામાં યોજાયેલા ઐતિહાસિક સમારોહને સંબોધતા લંડન-અમદાવાદ-લંડન ડાયરેક્ટ ફ્લાઇટ ફરી શરૂ કરવાની જાહેરાત કરી. આવા લોકનેતાને સરકારમાં માનવંતુ સ્થાન મેળવવા બદલ બ્રિટનવાસી ભારતીય સમુદાય વતી ગુજરાત સમાચાર - એશિયન વોઇસ હાર્દિક અભિનંદન - શુભેચ્છા પાઠવે છે.


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter