ધરતી પરનું સ્વર્ગ આતંકના ઓથાર તળેઃ કાશ્મીરમાં 200 લોકોની હત્યા માટે મુઝફ્ફરાબાદમાં રચાયું ષડયંત્ર

Wednesday 08th June 2022 06:33 EDT
 
 

નવી દિલ્હીઃ કાશ્મીર ખીણમાં કાશ્મીરી પંડિતો અને બહારથી નોકરી કરવા આવેલા હિન્દુઓની હત્યા થઈ રહી છે અને છેલ્લા કેટલાક સમયમાં આ હુમલા વધ્યા છે ત્યારે આ અંગે એક મોટો ખુલાસો થયો છે. આ ટાર્ગેટ કિલિંગનું કાવતરું એક વર્ષ પહેલાં પાકિસ્તાને પચાવી પાડેલા કાશ્મીર (પીઓકે)ના મુઝફ્ફરાબાદમાં રચાયું હતું. અહીં પાકિસ્તાનની જાસૂસી સંસ્થા આઈએસઆઈ અને આતંકી જૂથો વચ્ચે એક બેઠક થઈ હતી, જેમાં કાશ્મીરમાં 200 લોકોની હત્યા માટે યાદી તૈયાર કરાઈ હતી.
અમિત શાહની હાઇ પ્રોફાઇલ મિટીંગ
કાશ્મીરમાં આતંકીઓએ છેલ્લા 26 દિવસમાં 10 લોકોની હત્યા કરી છે. આતંકીઓની ટાર્ગેટ કિલિંગની આ નીતિના પગલે લોકો ખૂબ જ ભયભીત થઈ ગયા છે અને કાશ્મીર ખીણ છોડવા મજબૂર થઈ ગયા છે.
કાશ્મીરમાં વધતા ટાર્ગેટ કિલિંગ પર નિયંત્રણ લાવવા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ગયા શુક્રવારે હાઈપ્રોફાઈલ બેઠક યોજી હતી. જેમાં એનએસએ અજિત ડોભાલ, જમ્મુ-કાશ્મીરના લેફ. ગવર્નર મનોજ સિંહા, રો પ્રમુખ સહિતના અધિકારીઓ હાજર રહ્યા હતા.
કાશ્મીરમાં વધતા ટાર્ગેટ કિલિંગ અંગે મોટો ખુલાસો કરતાં ગુપ્તચર એજન્સીના અધિકારીઓએ જણાવ્યું હતું કે, આ હત્યાઓનું કાવતરું ગયા વર્ષે પાકિસ્તાને પચાવી પાડેલા કાશ્મીર (પીઓકે)ના મુઝફ્ફરાબાદમાં ઘડાયું હતું. અહીં આઈએસઆઈના અધિકારીઓ અને અન્ય આતંકી સંગઠનો વચ્ચે એક બેઠક થઈ હતી.
આ બેઠકમાં 200 લોકોની યાદી તૈયાર કરાઈ હતી, જેમના પર જીવલેણ હુમલા કરવાના છે. વધુમાં આતંકી જૂથો નવા નામોથી આ હત્યાઓની જવાબદારી લેશે એવો પણ નિર્ણય કરાયો હતો. બેઠકમાં કાશ્મીરી પંડિતો, આરએસએસ અને ભાજપના સ્થાનિક નેતાઓ સિવાય કેન્દ્ર સરકારના કર્મચારીઓને પણ નિશાન બનાવવા અંગે નિર્ણય લેવાયો હતો.
આતંકીઓ દ્વારા કોણ સોફ્ટ ટાર્ગેટ
આતંકીઓ દ્વારા સરકારી કર્મચારીઓ, કાશ્મીરી હિન્દુઓ, અન્ય રાજ્યમાંથી આવેલા શ્રમિકો અને કામદારો, પોલીસ કર્મચારીઓને સોફ્ટ ટાર્ગેટ બનાવવામાં આવી રહ્યા છે. કાશ્મીરનાં ઇન્સપેક્ટર જનરલ વિજય કુમારે કહ્યું હતું કે, કાશ્મીરમાં આતંકીઓની સંખ્યા સતત ઘટી રહી છે તેથી લોકોમાં અને ખાસ કરીને હિન્દુઓમાં આતંક ફેલાવવા આતંકીઓ નવી રણનીતિ અપનાવી છે.
લઘુમતીઓની બદલી માટે હાઈ કોર્ટમાં ધા
દરમિયાન કાશ્મીર ખીણમાં સ્થિતિ 1990થી પણ વધુ ખરાબ થઈ ગઈ છે. આતંકીઓએ ગુરુવારે જ બે અલગ અલગ ઘટનામાં એક બેન્ક કર્મચારી અને બિહારી મજૂરની હત્યા કરી હતી. છેલ્લા એક મહિનામાં ટાર્ગેટ કિલિંગ વધતા કાશ્મીરી પંડિતો અને સરકારી કર્મચારીઓએ ખીણ વિસ્તાર છોડવાનું શરૂ કરી દીધું છે.
બીજી બાજુ કાશ્મીરી પંડિત સંઘર્ષ સમિતિ (કેપીએસએસ)એ બધા જ ધાર્મિક લઘુમતી પરિવારોની કાશ્મીર ખીણ બહાર સલામત સ્થળે ટ્રાન્સફર કરવા માટે સરકારને આદેશ આપવા હાઈ કોર્ટમાં અરજી કરી છે.
કેપીએસએસના પ્રમુખ સંજય કે. ટિકૂએ દાવો કર્યો હતો કે, કાશ્મિરમાં રહેતા હિન્દુઓ ખીણ છોડવા માગે છે, પરંતુ સરકાર તેમને જવા નથી દેતી. તેમણે આ સંદર્ભમાં સરકારને આદેશ આપવા જમ્મુ-કાશ્મીર અને લદ્દાખ હાઈ કોર્ટના ચીફ જસ્ટિસને અરજી કરી છે.


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter