રાજકોટઃ દક્ષિણ ગુજરાતમાં લો પ્રેશરનું સાઇક્લોનિક સરક્યુલેશનમાં પરિવર્તન થતાં સૌરાષ્ટ્રમાં મેઘ પ્રલય થતાં વિવિધ ઠેકાણે ૬થી ૩૦ ઇંચ સુધીનો વરસાદ ખાબક્યો છે. અલગ અલગ ઘટનાઓમાં ૩નાં મોત થયાં છે જ્યારે ૫ લોકો હજુ લાપતા છે. હવામાન વિભાગે હજુ પાંચ દિવસ ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરી છે. સૌરાષ્ટ્રના તમામ ડેમ છલકાઇ ગયા છે. પાણીમાં વાહનો તણાઇ જવાની ૯ ઘટનાઓ બની છે. અત્યાર સુધીમાં ૬૭૪૮ લોકોનું સ્થળાંતર કરાયું છે. જ્યારે જામનગરમાંથી ૬૪ વ્યક્તિઓનું એર લિફ્ટિંગ કરાયું હતું. એક નેશનલ હાઇવે, ૧૫ સ્ટેટ હાઇવે સહિત ૧૩૦ માર્ગ બંધ છે. ૧૦ શહેરો અને ૨૨૦ ગામડાંઓમાં અંધારપટ છવાયેલો છે.
સૌરાષ્ટ્રમાં મોડી રાત્રિથી તૂટી પડેલા અનરાધાર વરસાદે ૧ર કલાકમાં ઝંઝાવાતી જળપ્રલય સર્જી દીધો છે. રાજકોટમાં રાત્રે ૧ર વાગ્યાથી આજે સાંજ સુધીમાં રર ઈંચ સહિત માત્ર ૩૦ કલાકમાં રપાા ઈંચ વરસાદથી સર્વત્ર જળબંબાકાર થઈ ગયો છે. જામનગર જિલ્લામાં ધ્રાફામાં ૩૦, સમાણામાં ૨૭, અલિયાબાડામાં ર૦ ઈંચ જ્યારે જામજોધપુરના દલ દેવળિયામાં ૧૪ કલાકમાં રપ ઈંચ વરસાદ વરસ્યો છે. ગણતરીની કલાકોમાં ર૧થી વધુ ડેમો છલકાતા સેંકડો ગામોમા પાણી ઘૂસ્યા છે, ગાંડીતૂર નદીઓના પૂરમાં અનેક લોકો ફસાતા ડઝનેકથી વધું રેસ્કયૂ ઓપરેશન થયા હતા.
જામનગર અને જૂનાગઢ જિલ્લામાં કાલાવડ, ધ્રોલ, વિસાવદરમાં ૧૦થી ૧૪ ઈંચ ઝંઝાવાતી વરસાદે સ્થળ ત્યા જળ જેવા દ્રશ્યો સર્જયા છે. રંગમતી નદીના પૂરથી જામનગરના નીચાણવાળા વિસ્તારોમાં અને રાજકોટમાં આજી કાંઠાના વિસ્તારોમાંથી પ હજારથી વધું લોકોને સ્થળાંતરિત કરાયા છે. પૂરની સ્થિતિને જોતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે પૂરગ્રસ્ત વિસ્તારોમા ફસાયેલા લોકોને એરલીફટ કરવા આદેશ આપ્યા હતા.
ધોરાજીમાં ૬ કલાકમા ૭ ઈંચ અને ગોંડલમાં ૧૦ ઈંચથી ડેમોમાં ધીંગી આવકે અનેક ગામડાને વિખૂટા પાડી દીધા હતા. જૂનાગઢ જિલ્લામાં વિસાવદરમાં ૧ર કલાકમાં ૧૮ ઈંચ, ગિરનાર ઉપર ૧૪ ઈંચ વરસાદથી તમામ જળાશયો છલકાઈ ગયા હતા. આણંદપૂર, સાબલપૂર સહિતના વિસ્તારોમા બચાવકાર્ય હાથ ધરાયું હતું.
આજે ભારે વરસાદથી ગોંડલથી કોલીથડ તરફનો પૂલ ધરાશાયી થઈ ગયો હતો. ૭૬ માર્ગો પાણીના પ્રવાહથી બંધ થઈ ગયા હતા. જેમાં ૧૫ સ્ટેટ હાઈ-વેનો સમાવેશ થાય છે. એસ.ટી.ના ડ્રાઈવર સહિત બે કર્મચારી પણ પૂરમાં અટવાતા તેમને બચાવાયા હતા. સૌરાષ્ટ્રમા આજે ૨૧ ડેમો છલકાયા હતા જ્યારે ૫૦થી વધુમાં પાણીની જોરદાર આવક થઈ હતી. સૌરાષ્ટ્રમાં ભારે વરસાદથી વીજતંત્રના ૩૬૫ ફિડર બંધ થતા ૨૨૦ ગામોમાં અંધારપટ છવાયો છે. ૧૦ શહેરોમાં વીજ પુરવઠો ઠપ્પ થઈ ગયો છે. આજે ૨૮૩ વીજપોલ ધરાશાયી થઈ ગયા હતા. સૌરાષ્ટ્ર અને દ. ગુજરાતમાં લો પ્રેશરને કારણે ખાબકેલાં અણધાર્યા વરસાદથી સમગ્ર સૌરાષ્ટ્ર પાણી પાણી થઇ ગયું છે. જામનગરમાં રંગમતી નદીના પાણી જામનગર શહેરમાં ઘૂસી ગયાં હતાં. કાલાવડ ખાતે NDRFની ટીમે રેસ્કયૂ ઓપરેશન હાથ ધર્યું હતું. રાજકોટનું મંદિર પણ પાણીથી ઘેરાઇ ગયું હતું જ્યારે જૂનાગઢમાં નરસિંહ મહેતા તળાવ પણ છલકાઇ ગયું હતું.
નવનિયુક્ત મુખ્યપ્રધાન પૂરગ્રસ્ત વિસ્તારોની મુલાકાતે
રાજ્યના નવનિયુક્ત મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે કાર્યભાર સંભાળતાં જ પૂરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લીધી હતી. જામનગરના ધૂંધવા ગામનું હવાઈ નિરીક્ષણ કર્યું હતું તેમજ અસરગ્રસ્તો સાથે મુલાકાત કરી સર્વે બાદ સહાય ચૂકવણીની ધરપત આપી હતી. બાદમાં સીએમ રાજકોટની પણ ટૂંકી મુલાકાતે પહોંચ્યા હતા જ્યાં મોડીસાંજે પત્રકાર પરિષદ સંબોધી ફ્લડ સેલની મિટિંગ યોજી હતી.
વલસાડના કપરાડામાં ૧૦ ઈંચ, ક્વાંટ તાલુકામાં સાડાત્રણ ઈંચ
દક્ષિણ ગુજરાતમાં સાર્વત્રિક મેઘમહેર જોવા મળી હતી. વલસાડ, નવસારી, સુરત, ડાંગમાં સવારથી વરસાદે બેટિંગ શરૂ કરી હતી. દરમિયાન વલસાડના કપરાડામાં સૌથી વધુ 10 ઈંચ વરસાદ ખાબકતા નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાઇ જવા પામ્યા હતા. તેવી જ રીતે નવસારીના ખેરગામમાં 2.56 ઈંચ, વાંસદા 2.16 ઈંચ, ચીખલી 2.28 ઈંચ અને સુરતના ઓલપાડમાં 1.4 ઈંચ અને કામરેજમાં 1 ઈંચ વરસાદ નોંધાયો હતો. આ ઉપરાંત ધરમપુરના ભેંસદરા આશ્રામના શિક્ષક લવારી નદીના ધસમસતા પાણીમાં તણાઈ જતાં તંત્ર દોડતું થઇ ગયું હતું.
દક્ષિણ ગુજરાતના સુરત, નવસારી, વલસાડ, ડાંગ અને તાપી પૈકી સૌથી વધુ વરસાદ વલસાડ જિલ્લામાં પડયો હતો. વલસાડમાં છેલ્લા એક સપ્તાહથી ધીમી ધારે વરસાદ પડી રહ્યો છે. પરંતુ સોમવારે વરસાદે વલસાડના કપરાડામાં રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું. જેને પગલે કપરાડામાં ૧૦.૮ ઈંચ વરસાદ ખાબકી ગયો હતો.
ગુજરાતમાં ભારે વરસાદે ચિંતા વધારી: 64.44 ટકા સાથે 23 તાલુકામાં 40થી 85 ઈંચ વરસાદ, યલો અને રેડ એલર્ટ જાહેર
સંદેશ, અમદાવાદ, તા. ૧૩ઃ ગુજરાતમાં જુલાઈ અને ઓગસ્ટ માસમાં ચોમાસાના વરસાદે સતત હાથતાળી આપતાં ખેડૂતો અને નાગરીકો ચિંતામાં આવી ગયા હતા, પરંતુ સપ્ટેમ્બરના પ્રારંભે જ રાજ્યમાં સતત વરસાદી સિસ્ટમ સર્જાતાં ઘટ પુરી દે તેવો ધોધમાર વરસાદ વરસવા લાગ્યો છે. ૩૧ ઓગસ્ટ સુધીમાં ગુજરાતમાં સરેરાશ ૧૪.૪૯ ઈંચ એટલે કે, ૪૩.૧૪ ટકા જેટલો વરસાદ વરસ્યો હતો.
૧૩ સપ્ટેમ્બર સવારના ૬ વાગ્યાની સ્થિતિએ સરેરાશ ૨૧.૬૫ ઈંચ એટલે કે, ૬૪.૪૪ ટકા વરસાદ પડી ગયો છે અને દિવસ દરમિયાન પણ સૌરાષ્ટ્ર-દક્ષિણ ગુજરાતમાં અતિભારે વરસાદ ખાબક્યો હતો. આમ સપ્ટેમ્બરના માત્ર ૧૩ દિવસમાં જ ૮ ઈંચ જેટલો એટલે કે, ૨૧.૩૦ ટકા જેટલો ધોધમાર વરસાદ પડી ગયો છે.
રાજ્યના કુલ ૨૫૧ તાલુકાઓ પૈકી ગોંડલ, લોધિકા, કાલાવડ, ઉમરગામ અને માંગરોળ તાલુકામાં ૧૦૦ ટકા કરતાં વધુ વરસાદ પડી ગયો છે. આ ઉપરાંત ૧૪ તાલુકા એવા છે કે જ્યાં ૯૦થી ૯૯ ટકા જેટલો વરસાદ પડયો છે. રાજ્યના કુલ ૨૩ તાલુકાઓમા ૪૦થી ૮૫ ઈંચ જેટલો વરસાદ પડયો છે. વલસાડના કપરાડા તાલુકામાં સૌથી વધુ ૮૫ ઈંચ અને કચ્છના લખપત તાલુકામાં સૌથો ઓછો ૬ ઈંચ જેટલો પણ વરસાદ વરસ્યો નથી.

