ચારુસેટ યુનિવર્સિટી અને મહુધા કેળવણી મંડળના સંયુક્ત ઉપક્રમે મહુધામાં ફિઝિયોથેરાપી સેન્ટરનો પ્રારંભ

Tuesday 19th October 2021 12:53 EDT
 
 

મહુધા: સમાજને ઉમદા સ્વાસ્થ્ય-સુખાકારીની અણમોલ ભેટ આપવાના ઉમદા હેતુથી ચાંગાસ્થિત ચરોતર યુનિવર્સિટી ઓફ સાયન્સ એન્ડ ટેકનોલોજી (ચારુસેટ)ના ઉપક્રમે મહુધા કેળવણી મંડળ સંચાલિત કેમ્પસમાં દશેરાના પવિત્ર દિવસે પ્રમુખ સ્વામી ફિઝિયોથેરાપી સેન્ટરનું લોકાર્પણ કરાયું હતું. નડિયાદ બીએપીએસ સ્વામીનારાયણ મંદિરના શ્રીજીદર્શન સ્વામી, અક્ષરનયન સ્વામી અને ધર્મનિલય સ્વામીના વરદ હસ્તે પ્રમુખ સ્વામી ફિઝિયોથેરાપી સેન્ટરનું લોકાર્પણ કરાયું હતું. આ સેન્ટર માટે કેનેડાસ્થિત અગ્રણી દાતા મહુધાના વતની આર. જી. પટેલ દ્વારા રૂ. ૧૧,૧૧,૧૧૧નું માતબર દાન અપાયું છે.
આ પ્રસંગે માતૃસંસ્થા – CHRFના પ્રમુખ નગીનભાઈ પટેલ, સેક્રેટરી ડો. એમ. સી. પટેલ, અગ્રણી દાતા આર. જી. પટેલ, મહુધા કેળવણી મંડળના પ્રમુખ જિગ્નેશ પંડિત, સેક્રેટરી મહેશભાઈ પટેલ, કેળવણી મંડળના ઉપપ્રમુખ
સી. એ. પટેલ, સહમંત્રી ગીરીશભાઈ બી. પટેલ, CHRFના ઉપપ્રમુખ વિરેન્દ્રભાઈ પટેલ, ખજાનચી આર. વી. પટેલ, વી. એમ. પટેલ, જશભાઈ પટેલ ઉપરાંત ટ્રસ્ટીઓ, પદાધિકારીઓ, હોદ્દેદારો વગેરે ઉપસ્થિત રહ્યા હતા.
ચારુસેટ યુનિવર્સિટી સંલગ્ન અશોક એન્ડ રીટા પટેલ ઇન્સ્ટિટ્યુટ ઓફ ફિઝિયોથેરાપી (ARIP)ના પ્રિન્સીપાલ બાલા ગણપતિએ જણાવ્યું હતું કે સેન્ટરમાં દર્દીઓની વિવિધ શારીરિક અને ખોડખાંપણની તકલીફો માટે ફિઝિયોથેરાપીની સારવાર કરાશે. આણંદ, ડેમોલ, પીપલગમાં એક-એક જ્યારે નડિયાદમાં ૨ એમ કુલ પાંચ ચારુસેટ મેડિકલ આઉટરીચ સેન્ટર કાર્યરત હતા. હવે તેમાં મહુધાનો ઉમેરો થયો છે. અગ્રણી દાતા આર. જી. પટેલે ફક્ત બે માસના ટૂંકા સમયગાળામાં આ સેન્ટર શરૂ કરવા બદલ અભિનંદન આપ્યા હતા અને માતૃભૂમિનું ઋણ અદા કરવાની પોતાને તક મળી તે બદલ બધાનો આભાર માન્યો હતો.
ડો. એમ. સી. પટેલે જણાવ્યું હતું કે પ્રમુખ સ્વામી ફિઝિયોથેરાપી સેન્ટર શરૂ કરવાથી મહુધા અને તેની આસપાસના નાગરિકોને સુવિધા પ્રાપ્ત થશે. મહુધા કેળવણી મંડળ અને ચારુસેટે મહુધામાં આ સેન્ટર શરૂ કરી મોટું ડગલું ભર્યું છે. હવે ભવિષ્યમાં મહુધા કેળવણી મંડળ કેમ્પસ પણ વર્લ્ડ ક્લાસ લેવલનું થાય તે દિશામાં આપણે સૌએ ભેગા મળીને વિચાર કરવો જોઈએ.
નડિયાદ બીએપીએસ સ્વામીનારાયણ મંદિરના ધર્મનિલય સ્વામીએ આશીર્વચન આપતા કહ્યું હતું કે ચારુસેટ અને મહુધા કેળવણી મંડળના સંયુક્ત ઉપક્રમે સમાજને પ્રેરણાદાયી આરોગ્યલક્ષી સેવા કાર્ય કરાયું છે તે બદલ સૌ અભિનંદનને પાત્ર છો. પ્રમુખ સ્વામી મહારાજે દેશ વિદેશમાં શૈક્ષણિક અને આરોગ્યલક્ષી સેવાકાર્યો કરી સમાજને સાચો રાહ ચીંધ્યો છે. સમાજમાં તબીબી સુવિધાની જરૂરિયાત છે ત્યારે આ સેન્ટરમાંથી નાગરિકો સારું સુસ્વાસ્થ્ય લઈને જાય તેવી પ્રાર્થના છે. પ્રાર્થના અને પુરુષાર્થથી જ સફળતા સાંપડે છે ત્યારે ભવિષ્યમાં આ બંને સંસ્થા ખૂબ પ્રગતિ કરે તેવા આશીર્વચન છે.


comments powered by Disqus