અમરેલી/ ભાવનગરઃ સૌરાષ્ટ્રમાં જેઠ મહિનામાં અષાઢી માહોલ જોવા મળ્યો છે. અમરેલી અને ભાવનગર જિલ્લામાં મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરી છે. અમરેલી શહેર અને સાવરકુંડલામાં વરસાદ પડયો હતો. જ્યારે ભાવનગર જિલ્લાના જેસર તાલુકામાં આજે એકાએક વરસાદી માહોલ છવાયો હતો. જેસર તાલુકાના જેસર, દેપલા, છાપરિયાળી, સેરડા, કાત્રોડી સહિતના આજુબાજુના વિસ્તારોમાં વરસાદ વરસતા લોકોમાં ખુશીએ ગરમીમાંથી રાહત મેળવી હતી
અમરેલી જિલ્લાના સાવરકુંડલામાં તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં અચાનક વાતાવરણમાં પલટો આવતાં ભારે પવન સાથે વરસાદ વરસ્યો હતો. ક્યાંક તો વરસાદની સાથે કરાં પણ પડ્યા હતા. ધોધમાર વરસાદને કારણે ગ્રામ્ય વિસ્તારના રસ્તાઓ પર પાણી વહેતાં થયાં હતાં. લાઠી અને સાવરકુંડલા તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં ધોધમાર વરસાદ વરસતા શેત્રુંજી નદીમાં પૂર આવ્યું હતું. ચોમાસા પહેલા જ નદી બે કાંઠે વહેતી થતા ખેડૂતો ખુશખુશાલ થઈ ઉઠ્યા હતા. તો બીજી તરફ, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં 8મી જૂનથી વરસાદ વરસવાની આગાહી કરવામાં આવી છે.

