સોનગઢ: સોનગઢ તાલુકાના નાના બંધારપાડા ગામની ગૌચરની જગ્યામાં ડુંગર પર આવેલું એક માતાજીનું મંદિર હાલ વિવાદનું કેન્દ્ર બની ગયું છે. હિંદુ ધર્મ પાળતા આદિવાસી સમાજના પક્ષકારો તેને ગીધ માડી આયા માતાનું મંદિર ગણાવે છે, જ્યારે ખ્રિસ્તી સમાજના સભ્યો તેને મરિઅમ માતાનું મંદિર માનવામાં આવે છે. આવા સંજોગોમાં આગામી 9મીએ જનજાતિ સુરક્ષામંચના સભ્યો મંદિરના સ્થળે પૂજા કરવા જનાર છે. ત્યારે વિવાદ થવાની શક્યતા છે.
સોનગઢ તાલુકાના આંબા જૂથ ગ્રામ પંચાયતમાં સમાવિષ્ટ નાના બંધારપાડા ગામ નજીક ગૌચરની જમીનમાં ડુંગર પર સર્વે નંબર 20/175 માં ભૂતકાળમાં ગીધ માડી આયા માતાનું મંદિર હતું અને સ્થાનિક હિંદુ ધર્મ પાળતા આદિવાસી ભાઈ બહેનો પૂજા કરવા જતાં હતાં. જોકે બાદમાં ખ્રિસ્તી સમાજના આગેવાનો દ્વારા આ જ સ્થળે મરિઅમ માતાનું મંદિર બનાવી દેવામાં આવ્યું હતું અને હાલ ખ્રિસ્તી ધર્મના ભાઈ બહેનો ત્યાં પ્રાર્થના કરવા જાય છે.
દરમિયાન હિંદુ સંત નીરવ ચૈતન્ય પુરી સહિત હિંદુ અગ્રણીઓને આ વાતની જાણકારી મળતાં તેમણે સરકારી રાહે મંદિર અંગેની જાણકારી કઢાવી હતી. આ જાણકારી મુજબ હાલ પણ સ્થાનિક ગ્રામ પંચાયતમાં આ સ્થળ ગીધ માડી આયા માતા તરીકે ઓળખાય છે.
આ સ્થળ પર સનાતન કાળથી ગીધ માડી આયા માતાનું મંદિર હતું અને હાલમાં એ સ્થાન પર ખ્રિસ્તી ધર્મના આગેવાનો દ્વારા મરિઅમ માતાનું મંદિર બનાવી દેવાયું છે. એ ખોટું છે. ગત પહેલીએ અમે ડુંગર પર માતાજીના દર્શન કરવા ગયા, ત્યારે સ્થાનિક ખ્રિસ્તી આગેવાનોએ અમને અટકાવી મંદિરે જતાં રોકયા હતાં અને દર્શન કરવા બાબતે તંત્રની પરવાનગી લીધી છે. કે કેમ એવો પ્રશ્ન કર્યો હતો, જેથી અમે તંત્ર પાસે પરવાનગી લઈ પોલીસ સુરક્ષા સાથે આગામી નવમીએ માતાજીના દર્શન કરવા જઈશું. > દિનેશ ગામીત, આગેવાન, જનજાતિ સુરક્ષા મંચ,તાપી

