કડવા પાટીદારોનો સામાજિક ઠરાવ:કૌટુંબિક ઝઘડા, મિલકત વહેંચણીના વિવાદોથી દૂર રહેશે, ખેડૂતો પ્રાકૃતિક ખેતી અપનાવશે

Tuesday 18th October 2022 16:51 EDT
 
 

રાજકોટઃ સિદસર ઉમિયા માતાજીના 125માં પ્રાગટ્ય મહોત્સવના ઉજવણી અંર્તગત રાજકોટમાં સંમેલન મળ્યું હતું. જેમાં રાજકોટ સહિત સૌરાષ્ટ્રભરના કડવા પાટીદારો હાજર રહ્યાં હતાં. સમાજના દૂષણો દૂર થાય, સામાજિક સમસ્યાનો ઉકેલ આવે અને સ્વસ્થ સમાજનું નિર્માણ થાય તે માટે એક નવતર પહેલ શરૂ કરાઈ છે.

સિદસર ઉમિયાધામના પ્રમુખ, ટ્રસ્ટીની અધ્યક્ષતામાં સામાજિક ઠરાવો કર્યા હતા કે, કડવા પાટીદાર સમાજના લોકો કૌટુંબિક ઝઘડા, મિલકત વહેંચણીના વિવાદથી દૂર રહેશે અને છતાં આવી સમસ્યા થાય તો તેનો ઉકેલ સમાજના આગેવાનો ઉકેલશે. છૂટાછેડા વખતે મોટી રકમની માગણીના દૂષણથી દૂર રહેશે. રાષ્ટ્રીય ફરજ અદા કરવા ખેડૂતો પ્રાકૃતિક ખેતી અપનાવશે. 125માં ઉમિયા મહોત્સવમાં નિવ્યર્સની યુવકોને સ્વયંસેવકો રખાશે. કડવા પાટીદાર સમાજનો સરવે કરવામાં આવ્યો છે. સમાજના તમામ લોકોના બ્લડ ગ્રૂપથી લઈને તેની આર્થિક, વ્યવસાયિક વિગતો આવરી લેવાઈ છે.

જેથી ઈમર્જન્સી સમયે એકબીજાને મદદરૂપ બની શકાય.2024માં યોજાનારા ઉમિયા મહોત્સવમાં યુવાથી લઇને વડીલ સૌ કોઇ જોડાય તે માટે અલગ- અલગ ઉંમરની ચાર ટીમમાં વિભાજિત કરાશે. જેમાં 20થી 35 વર્ષ, 35થી 50, 51થી 65 અને 66થી લઇને 100 વર્ષ એમ અલગ અલગ ટીમ પાડવામાં આવશે. આ સિવાય સમાજના તમામ લોકોએ શ્રમદાન, સમયદાન અને આર્થિક યોગદાન આપવાની જાહેરાત કરી હતી. સિદસરધામના પ્રમુખ જેરામભાઈ વાંસજાળિયાએ આ ભગીરથ કાર્યમાં બહેનો, યુવાનોને જોડાવાની હાકલ કરી હતી.

રાષ્ટ્રીય અને સામાજિક ફરજના ભાગરૂપે આ ઠરાવો કરાયા

1 સમાજને સુશિક્ષિત, સંસ્કારી, સ્વસ્થ, સંગઠિત, સમૃદ્ધ, વ્યસન મુક્ત અને ગૌરવશાળી બનાવવા સમૂહ ભાવનાથી સૌની સાથે કામ કરીશ.

2 પાટીદાર સમાજની આર્થિક ઉન્નતિ માટે માથાદીઠ આવક વધારવા, ખેતીની આવક વધારવા તથા યુવા પેઢીમાં કૌશલ્ય વધારવાના અભિયાનમાં મારો યથાશક્તિ સહયોગ આપીશ.

3 સામાજિક કુરિવાજો અને દૂષણોથી દૂર રહીશ તથા આત્મનિર્ભર અને વિકસિત સમાજના નિર્માણમાં મારું સક્રિય યોગદાન આપીશ.

4 પાટીદાર સમાજના સૌ કૃષિકારો પ્રાકૃતિક ખેતી અપનાવે તેવું ઠરાવવામાં આવે છે.

5 પાટીદાર સમાજના પરિવારજનો જળસંચય તેમજ વૃક્ષારોપણ જેવા પર્યાવરણ ઉપયોગી અભિયાનમાં જોડાય તેવું ઠરાવવામાં આવે છે.

6 પાટીદાર પરિવારો લોકશાહીના પર્વ ચૂંટણીમાં અવશ્ય મતદાન કરે તેવું ઠરાવવામાં આવે છે.

7 છૂટાછેડા અને મોટી રકમની માગણીના સામાજિક દૂષણ મુક્ત સમાજનું નિર્માણ કરવાનું અને પાટીદાર સમાજના દરેક પરિવાર આ દૂષણથી દૂર રહે તેવું ઠરાવવામાં આવે છે.

8 સમાજને કૌટુંબિક, મિલકત વહેંચણીના વિવાદોથી મુક્ત કરવાનું અને દરેક પાટીદાર પરિવાર સમજૂતીથી આવા વિવાદો ઉકેલે.

9 જુગાર, સટ્ટો અને વાયદા મુક્ત સમાજનું નિર્માણ કરવાનું ઠરાવવામાં આવે છે.

10 દારૂ, તમાકું અને નશીલા પદાર્થોથી મુક્ત સમાજનું નિર્માણ કરવાનું.


comments powered by Disqus