ભુજઃ ધોરડો સફેદ રણમાં મહાલવા આવતા પ્રવાસીઅોની સંખ્યા કોરોનાના વધતા સંક્રમણના પગલે અડધાથી પણ ઓછી થઇ ગઇ છે. અગાઉ દરરોજના ૩થી ૪ હજાર પ્રવાસીઓ આવતા હતા પરંતુ છેલ્લા સપ્તાહમાં આ સંખ્યા ૬૦ ટકા ઘટી છે. વધુમાં હાઉસફૂલ રહેતી ટેન્ટસિટી પણ ખાલીખમ છે. જો કે, તા. ૧૫-૧ સુધીમાં તંત્રને પરમીટ પેટે ૧.૪૭ કરોડની આવક થઇ છે.
કચ્છ નહીં દેખા તો કુછ નહીં દેખા ટેલી ફિલ્મ બાદ ધોરડો સફેદ રણ વૈશ્વિક નકશે ચમક્યું છે અને દર વર્ષે દેશ-વિદેશથી મોટી સંખ્યામાં સહેલાણીઅો ન માત્ર ધોરડો પરંતુ માંડવી બીચ સહિત જિલ્લાના ધાર્મિક, પ્રવાસન અને અૈતિહાસિક સ્થળોની મુલાકાતે આવતા હોય છે. ધોરડો સફેદ રણમાં દર વર્ષે યોજાતા રણોત્સવમાં મોટી સંખ્યામાં પર્યટકો આવે છે અને અા વખતે કોરોનાની બીજી લહેર બાદ સંક્રમણ ઘટવાની સાથે ૧ નવેમ્બરથી શરૂ થયેલા રણોત્સવમાં પર્યટકોની ભરતી આવી હતી અને ટેન્ટસિટી હાઉસફૂલ થવાની સાથે ધોરડોથી લઇને છેક જિલ્લા મથક ભુજ સુધીની હોટેલો પ્રવાસીઅોથી ઉભરાઇ હતી. જોકે, કોરોનાના અોછાયા વચ્ચે ત્રીજી લહેરમાં જાન્યુઆરી મહિનાથી સંક્રમણ વધતાં પ્રવાસીઅોની સંખ્યા ઘટી રહી છે.

