હાર્દિક પટેલ મુખ્યમંત્રીની હાજરીમાં કેસરિયો ખેસ ધારણ કરશે, કોંગ્રેસનાં શ્વેતા બ્રહ્મભટ્ટ પણ ભાજપમાં જોડાશે

Tuesday 31st May 2022 16:40 EDT
 
 

અમદાવાદઃ કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યા બાદ હાર્દિક પટેલ ભાજપમાં જોડાઈ જશે એવી ચર્ચાઓએ જોર પકડ્યું હતું, પરંતુ હવે તેઓ આગામી 2 જૂનના રોજ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલની હાજરીમાં ભાજપમાં જોડાશે. કમલમમાં બપોરે બાર વાગ્યે સત્તાવાર રીતે હાર્દિક પટેલ કેસરિયો ખેસ ધારણ કરશે. એ ઉપરાંત 2017ની વિધાનસભાની ચૂંટણીમાં અમદાવાદની મણિનગર સીટ પર કોંગ્રેસના ઉમેદવાર રહેલાં શ્વેતા બ્રહ્મભટ્ટ પણ બીજી જૂને ભાજપમાં જોડાશે.
ભાજપના પ્રવક્તા ભરત ડાંગરે જણાવ્યું હતું કે, સરકારની કામગીરીથી પ્રભાવિત થઈ અને ભાજપની વિચારધારાથી પ્રેરાઈને પાટીદાર નેતા હાર્દિક પટેલ પોતાના સાથીઓ સાથે 2 જૂનના રોજ ગાંધીનગર કોબા ખાતે આવેલા કમલમ ખાતે જોડાશે. જેમાં પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલ, પૂર્વ ડેપ્યુટી CM નીતિન પટેલ હાજર રહેશે.
કોંગ્રેસમાંથી એક પછી એક નેતાઓ ભાજપમાં જોડાઈ રહ્યા છે. હાર્દિક પટેલના રાજીનામા બાદ હવે કોંગ્રેસનાં પૂર્વ નેતા શ્વેતા બ્રહ્મભટ્ટ પણ કેસરિયો ખેસ પહેરશે. શ્વેતા બ્રહ્મભટ્ટ 500 કાર્યકર્તા સાથે ભાજપમાં જોડાશે. 2017ની વિધાનસભામાં તેઓ અમદાવાદની મણિનગર સીટ પર કોંગ્રેસના ઉમેદવાર હતાં. એ ઉપરાંત થોડા દિવસો પહેલાં જ તેમણે રાજભવન ખાતે વડાપ્રધાન મોદી સાથે મુલાકાત કરી હતી.
17 મેના રોજ હાર્દિક પટેલે કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યું હતું
17 મેના રોજ હાર્દિક પટેલે આખરે પાર્ટીના કાર્યકારી પ્રમુખપદ સહિત તમામ સ્તરેથી રાજીનામું આપી દીધું હતું. તેમણે ટ્વિટર પર સોનિયા ગાંધીને સંબોધીને પત્ર લખ્યો હતો અને પાર્ટીના તમામ હોદ્દા અને પ્રાથમિક સભ્યપદેથી રાજીનામું આપ્યું હતું. હાર્દિક પટેલ 12 માર્ચ, 2019ના રોજ કોંગ્રેસ પક્ષમાં જોડાયા હતા. ત્યારથી અત્યારસુધી, એટલે કે 3 વર્ષ, 2 મહિના અને 6 દિવસ સુધી તેઓ કોંગ્રેસમાં રહ્યા, જે 1161 દિવસ થાય છે. આ બાદ હવે તેમણે પક્ષમાંથી રાજીનામું આપી દીધું છે.
હાર્દિક પટેલ સોમનાથ-સ્ટેચ્યુ ઓફ યુનિટી સુધી યાત્રા કરશે
હાર્દિક પટેલે આ અંગે જણાવ્યું કે હજુ સુધી હું ક્યારેય સરદાર પટેલની વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા એવી સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત કરી શક્યો નથી. સ્ટેચ્યુના સ્થળે તો મુલાકાત કરી છે પરંતુ કેટલાંક કારણોસર સ્ટેચ્યુ સુધી નથી ગયો. મારી દિલની ઇચ્છા છે કે હું આ સ્થળે મુલાકાત કરું, તેથી આ યાત્રાનું આયોજન વિચાર્યું છે. ભાજપમાં જોડાયા બાદ હું આ યાત્રા યોજવા જઇ રહ્યો છું. તેણે કહ્યું કે હજુ સુધી હું કાંઇ પણ સ્પષ્ટ પૂર્વક કહી શકીશ નહીં કે હું ક્યારે ભાજપમાં જોડાઇશ. મારી પાસે હાલમાં આ અંગે કોઇ જાણકારી નથી તેથી આ બાબતે હાલ કોઇ ચર્ચા થઇ શકે તેમ નથી.જો કે હાર્દિક પટેલની આ યાત્રાથી ભાજપમાં હાર્દિક પાટીદાર નેતાના ચહેરા તરીકે ઊભરી આવશે.


comments powered by Disqus