મોડાસા: – પતિ-પત્નીના વિખવાદમાં આત્મઘાતી હુમલાનો રાજ્યનો પહેલો બનાવ ઉત્તર ગુજરાતના મેઘરજના ઇસરી પાસે આવેલ બીટીછાપરા ગામે પતિએ રિસાઇને પિયરમાં આવેલી પત્નીને પકડી ડિટોનેટરથી બ્લાસ્ટ કરતાં પ્રથમ પત્ની અને દોઢ કલાકમાં પતિનું મોત થયું હતું.
મેઘરજના બીટીછાપરાના શારદાબેન પગીના લગ્ન ૨૫ વર્ષ અગાઉ મોડાસાના મુલોજમાં લાલાભાઇ સાથે થયા હતા. દરમિયાન સંતાનમાં તેઓને ૨૧ વર્ષનો પુત્ર અનિલ છે. પરંતુ છેલ્લા ૧૦ વર્ષથી પત્નીના ચારિત્ર પર વહેમ રાખી પતિ પત્નીને મારઝૂડ કરતો હતો. જેથી શારદાબેન અને તેમનો પુત્ર અનિલ ઝઘડાના કારણે દોઢેક માસ અગાઉ પોતાના પિયર બીટીછાપરામાં આવી ગયા હતા. તે દરમિયાન પતિ ઘરના બાજુમાં બનાવેલ ઢાળીયામાં આવી સંતાઈ રહ્યો હતો. જેવી પત્ની ઘરમાંથી વાસણ લઈને બહાર આવી કે તરત જ પતિએ ડિટોનેટર કેપ પત્નીના બ્લાઉઝમાં મૂકી બેટરીથી વિસ્ફોટ કરતાં ઘરમાં મોટો બ્લાસ્ટ થતાં પત્નીના ચીંથરેચીંથરા ઉડી જતા પત્ની ગંભીર રીતે ઈજાગ્રસ્ત થતાં ઘટનાસ્થળે જ કરૂણ મોત નિપજ્યું હતું. બ્લાસ્ટનો અવાજ દૂર દૂર સુધી સંભળાતા ઘટનાસ્થળે લોકોના ટોળેટોળા ઉમટ્યા હતા અને આ બ્લાસ્ટની ઘટમાનામાં પતિના શરીરે પણ ગંભીર ઈજાઓ થતાં પતિનું પણ સારવાર પહેલા જ મોત નિપજ્યું હતું. આમ ભેદી બ્લાસ્ટમાં પતિ- પત્નીનું કરૂણ મોત નિપજ્યુ હતું.
બ્લાસ્ટમાં વપરાયેલ ડિટોનેટર કેપ ક્યાંથી આવી તે અંગે પોલીસે તપાસ હાથ ધરી છે.

