બાળકીનું અપહરણ બાદ દુષ્કર્મ કરી મોતને ઘાટ ઉતારનારાનું એન્કાઉન્ટર 21/07/2026 2:22 pm Badal Lakhlani વાસદમાં સાડા ચાર વર્ષની માસૂમ બાળકીનું અપહરણ કરી દુષ્કર્મ અને નિર્મમ હત્યા કેસના આરોપી સુરેશ પરમારને પોલીસે આત્મ રક્ષણ કરતાં ઠાર કરાયો છે. બોરસદ રૂરલ પોલીસ દ્વારા આરોપીની બોચાસણથી ધરપકડ કરાયા બાદ LCBની ટીમ આરોપીને આણંદ લાવી રહી હતી. આ સમયે તેણે ઊલટી કરવાનું બહાનું કાઢીને વાહન રોકાવ્યું હતું અને અચાનક જ પોતાની પાસે છુપાવેલા ચપ્પુથી હુમલો કરીને બે પોલીસ કર્મચારીને ઇજાગ્રસ્ત કર્યા હતા.
સુરતમાં પૂરગ્રસ્ત વેપારીઓ માટે રાજ્ય સરકારનું રાહત પેકેજ જાહેર 21/07/2026 2:23 pm Badal Lakhlani 6 જુલાઈએ પડેલા ભારે વરસાદના કારણે સર્જાયેલી પૂરની સ્થિતિના કારણે સુરત શહેરના અનેક વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ હતી અને વેપારીઓનો લાખો રૂપિયાનો માલ પલળી ગયો હતો. આ સ્થિતિના પગલે રાજ્ય સરકાર દ્વારા પૂરમાં અસરગ્રસ્ત વેપારીઓ માટે રાહત પેકેજની જાહેરાત કરાઈ છે. પૂરનાં પાણીના કારણે નુકસાની બદલ વેપારીઓને રૂ. 7500થી લઈ રૂ. 1 લાખ સુધીની સહાયની જાહેરાત કરાઈ છે. આ ઉપરાંત વેપારીઓ ફરી પોતાનો ધંધો કરી શકે તે માટે રૂ. 30 લાખ સુધીની લોન અને વ્યાજ સહાયની પણ જાહેરાત કરાઈ છે.
વડનગર આર્કિયોલોજિકલ મ્યુઝિયમને ‘પ્લેટિનમ A’ એવોર્ડ એનાયત કરાયો 21/07/2026 2:25 pm Badal Lakhlani મહેસાણાના ઐતિહાસિક વડનગરને વધુ એક વૈશ્વિક ગૌરવ મળ્યું છે. ઈટાલીના કોમો શહેરમાં યોજાયેલા વિશ્વના સૌથી પ્રતિષ્ઠિત ડિઝાઈન એવોર્ડ સમારોહમાં અનંત અનાદિ વડનગર આર્કિયોલોજિકલ એક્સપિરિયન્શિયલ મ્યુઝિયમને કલ્ચરલ હેરિટેજ એન્ડ કલ્ચર ઇન્ડસ્ટ્રી ડિઝાઈન કેટેગરીમાં સર્વોચ્ચ ‘પ્લેટિનમ A' ડિઝાઈન એવોર્ડ એનાયત કરાયો. વિશ્વના હજારો ડિઝાઈનર્સ વચ્ચે આ મ્યુઝિયમની ડિઝાઈન સર્વશ્રેષ્ઠ ઠેરવાઈ.
ફટાકડા ફેક્ટરી બ્લાસ્ટમાં દાહોદના પરિવારનાં 9નાં મોત 21/07/2026 2:25 pm Badal Lakhlani વસ્ત્રાલથી ગતરાડ જતાં મહેમદપુરા કેનાલ પાસે ખુલ્લા ખેતરમાં ગેરકાયદે ફટાકડા ફેક્ટરીમાં ભરેલા 555 પ્રકારના બોમ્બના વિશાળ જથ્થામાં કોઈ કારણે વિસ્ફોટ થયો હતો. ભયાનક વિસ્ફોટના કારણે બે ખુલ્લા શેડમાં ફટાકડા બનાવતા દાહોદના 5 શ્રમિક પરિવારોના 15 લોકો દાઝ્યા હતા, જે પૈકી 3 મહિલા, 3 બાળકો અને 3 પુરુષોનાં મૃત્યુ નીપજ્યાં છે. નવગુજરાત ફાયર વર્ક્સ નામની ફટાકડા ફેક્ટરી ચલાવતા મેહુલ ડોડિયા નામના શખ્સ સામે સાઅપરાધ મનુષ્ય વધ હેઠળ ગુનો નોંધવા સહિત રામોલ પોલીસે કેસ નોંધ્યો છે. મોડીરાતે પોલીસે મેહુલ ડોડિયા સહિત 3 લોકોને ઝડપી તપાસ શરૂ કરી છે.