21 વર્ષ જૂના વિખવાદમાં યુએસ કોર્ટનો હરેશ જોગાણીને આદેશઃ ચારેય ભાઈઓને વળતર પેટે 2.5 બિલિયન ડોલર ચૂકવો

Tuesday 12th March 2024 10:40 EDT
 
 

લોસ એન્જલસ: લોસ એન્જલસ કોર્ટે ગુજરાતી મૂળના પાંચ ભાઈઓનો 21 વર્ષ જૂના કાનૂની કેસમાં ઐતિહાસિક ચુકાદો સંભળાવ્યો છે. અમેરિકામાં હીરા અને લોસ એન્જેલસમાં રિઅલ એસ્ટેટમાં કરોડો રૂપિયાની સંપત્તિની એકત્ર કરનારા પાંચ ભાઈઓમાંથી હરેશ જોગાણીને અમેરિકન કોર્ટે અન્ય ચાર ભાઈઓ શશીકાંત, રાજેશ, ચેતન અને શૈલેષ જોગાણીને 2.5 બિલિયન ડોલર એટલે કે રૂ. 20,000 કરોડથી વધુનું વળતર ચૂકવવા આદેશ કર્યો છે. આ ઉપરાંત કોર્ટે હરેશ જોગાણીને સધર્ન કેલિફોર્નિયાની મિલકતના શેર્સની પરસ્પર વહેંચણી કરવા પણ આદેશ આપ્યો છે. આ મિલકતમાં 17,000 એપાર્ટમેન્ટનો સમાવેશ થાય છે.
હરેશ જોગાણીએ તેમના ભાઈઓ સાથે લાંબા સમયથી ચાલી રહેલી ભાગીદારીનો ભંગ કર્યો હોવાના આરોપ સાથે અમેરિકામાં આ કેસ ચાલતો હતો. પાંચ મહિનાની શ્રેણીબદ્ધ સુનાવણી પછી જ્યુરીએ આ સપ્તાહે હરેશ જોગાણીને તેમના ભાઈઓને વળતર આપવા આદેશ આપ્યો હતો. આ સાથે આ ચૂકાદો અમેરિકન ન્યાયિક ઈતિહાસમાં દાયકાઓમાં સૌથી મોટા ચૂકાદામાંનો એક હોઈ શકે છે.
પરિવાર ગુજરાતનો વતની
ગુજરાતના પ્રખ્યાત હીરા વેપારી પરિવારે તેમનો કારોબાર યુરોપ, આફ્રિકા, મિડલ ઇસ્ટ અને અમેરિકા સુધી ફેલાવ્યો હતો અને નોધર્ન અમેરિકામાં પોતાનો બેઝ બનાવ્યો છે. વર્ષ 2003માં નોંધાવાયેલી એક ફરિયાદ અનુસાર શશીકાંત ઉર્ફે શશી જોગાણી 1969માં 22 વર્ષની વયે કેલિફોર્નિયા આવ્યા હતા. જ્યાં તેમણે સિંગલ કંપની તરીકે હીરા અને રિઅલ એસ્ટેટનો કારોબાર શરૂ કર્યો.
1990ના દાયકાની શરૂઆતમાં મંદી આવતા શશી જોગાણીને ભારે નુકસાન થયું અને પછી 1994ના ભૂકંપ પછી સ્થિતિ વધુ કથળી હતી, જેને પગલે તેમણે ભાઈઓને પોતાની કંપનીમાં ભાગીદાર બનાવ્યા હતા. ત્યાર પછી હરેશ અને તેમના પરિવારે કારોબારમાં ખરીદીની શ્રેણી શરૂ કરી અને 17,000 એપાર્ટમેન્ટનું સામ્રાજ્ય સ્થાપિત કર્યું હતું. જોકે, આ કેસની ફરિયાદ મુજબ એક દિવસ હરેશે તેમના ભાઈઓને બળજબરીથી કંપનીના મેનેજમેન્ટમાંથી કાઢી મૂક્યા હતા અને ભાગ આપવાનો પણ ઈનકાર કરી દીધો. હરેશ જોગાણીએ તર્ક કર્યો કે લેખિત સમજૂતી વિના તેમના ભાઈ એ સાબિત ના કરી શકે કે તેમની વચ્ચે ભાગીદારી હતી. પરંતુ સાક્ષીઓને સાંભળ્યા પછી જ્યુરીએ નોંધ્યું હતું કે, હરેશે મૌખિક કોન્ટ્રાક્ટનો ભંગ કર્યો છે. શશી જોગાણીના વકીલ સ્ટીવ ફ્રીડમેને દલીલ કરી હતી કે ગુજરાતીઓ અને હીરા વેપારીઓમાં મૌખિક કોન્ટ્રાક્ટ થાય છે, જે લેખિત કોન્ટ્રાક્ટ જેટલો જ મૂલ્યવાન હોય છે.
જ્યુરીએ નિષ્કર્ષ કાઢ્યો કે, હવે 77 વર્ષના થઈ ગયેલા શશી પાસે રિઅલ એસ્ટેટ ભાગીદારીમાં 50 ટકા છે. ત્યાર પછી 24 ટકા હિસ્સો હરેશનો, 10 ટકા રાજેશનો, 9.5 ટકા શૈલેષનો અને 6.5 ટકા હિસ્સો ચેતનનો છે. હરેશ દ્વારા હીરાની ભાગીદારીના ઉલ્લંઘન પર ભાઈઓ ચેતન અને રાજેશને 16.5 કરોડ ડોલરનું વળતર અપાવ્યું છે. સાથે જ રિઅલ એસ્ટેટ ભાગીદારીના ઉલ્લંઘન બદલ શશીને 1.8 બિલિયન ડોલર અને ચેતનને 23.4 કરોડ ડોલર તથા રાજેશને 36 કરોડ ડોલરનું વળતર અપાવ્યું છે. આ કેસ વર્ષ 2003માં દાખલ કરાયો હતો અને લોસ એન્જલસ સુપીરિયર કોર્ટમાં 18 અપીલો કરાઈ હતી.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter