ટોક્યોઃ ભારત-જાપાન વચ્ચે થયેલાં મહત્ત્વના કરારોમાં એક કરાર બૂલેટ-ટ્રેન પ્રોજેક્ટનો પણ છે. વડા પ્રધાન મોદી અને જાપાની વડા પ્રધાન આબેએ સંયુક્ત નિવેદનમાં કહ્યું હતું કે ૨૦૧૮માં ટ્રેન-રૂટનું નિર્માણ શરૂ થશે અને ૨૦૨૩માં બૂલેટ ટ્રેન દોડતી થઇ જશે. વડા પ્રધાન મોદીએ દ્વિપક્ષીય વાર્તાલાપમાં વડા પ્રધાન આબે સાથે મહત્ત્વપૂર્ણ કરારો કર્યા હતા. જેમાં એક અગત્યનો કરાર અમદાવાદ-મુંબઈ બૂલેટ ટ્રેન પ્રોજેક્ટનો પણ હતો. આ પ્રોજેક્ટ ઉપર આવતા મહિનાથી કામ શરૂ થઈ જશે.
૨૦૧૭માં અમદાવાદ-મુંબઈ બૂલેટ ટ્રેન પ્રોજેક્ટનું ભૂમિપૂજન થશે અને ૨૦૧૮માં પ્રોજેક્ટ ઉપર કામગીરી શરૂ કરી દેવાશે એમ બંને નેતાઓના સંયુક્ત નિવેદનમાં કહેવાયું હતું. આ પ્રોજેક્ટનું કામ પાંચ વર્ષમાં પૂર્ણ કરીને ૨૦૨૩ સુધીમાં માર્ગ ઉપર બૂલેટ ટ્રેન દોડતી કરી દેવાની જાપાને તૈયારી બતાવી હતી. સંયુક્ત નિવેદનમાં તો ત્યાં સુધી કહેવાયું હતું કે ભારતમાં હાઈસ્પીડ ટ્રેનને બળ આપવા માટે જાપાન તમામ પ્રકારની મદદ કરશે. ભારતની રેલવે સિસ્ટમને જાપાનની શક્તિશાળી રેલવે સિસ્ટમથી સજ્જ કરવાની જાપાનના વડા પ્રધાને તૈયારી બતાવી હતી.
ઉલ્લેખનીય છે કે જે ટેકનોલોજીથી ટોક્યો-કોબે વચ્ચે બૂલેટ ટ્રેન ચાલે છે એ જ ટેકનોલોજીથી મુંબઈ-અમદાવાદ હાઈસ્પીડ બૂલેટ ટ્રેન બનશે. આ પ્રોજેક્ટ પાછળ આશરે ૯૮૦ બિલિયન રૂપિયાનો ખર્ચ થવાની શક્યતા છે અને એ પ્રોજેક્ટમાં જાપાનને પહેલેથી જ ભાગીદાર બનાવ્યું હતું. જોકે, ચીને પણ ભારત પાસેથી આ પ્રોજેક્ટ મેળવવાની કોશિશ શરૂ કરી હતી.


