અમિત શાહઃ આતંકવાદના કટ્ટર વિરોધી

Saturday 10th August 2019 07:44 EDT
 
 

નવી દિલ્હીઃ ભાજપના ચાણક્ય અને કેન્દ્રીય ગૃહ પ્રધાન અમીત શાહના ગુજરાતના ગૃહ રાજ્યપ્રધાન કાર્યકાળ દરમિયાન પ્રિવેન્શન ઓફ ટેરેરિઝમ એક્ટ (POTA) હેઠળ ૧૪ કેસો નોંધાયા અને તેમને સજા આપવા માટે પ્રયત્નો કર્યા હતાં. ૨૦૦૨નો ગોધરાકાંડ હોય કે ૨૦૦૮ના અમદાવાદના સિરિયલ બ્લાસ્ટ શાહે કોઈ કચાશ રાખી નથી. અનેક અવરોધો અને મુશ્કેલીઓનો સામનો કરી અમિત શાહે આતંકવાદ સામે જંગ ચાલુ રાખ્યો છે.
ગૃહ પ્રધાન અમિત શાહે સોમવારે રાજ્યસભામાં ૩૭૦ની કલમ નાબૂદ કરવાનો સંકલ્પ રજૂ કરતા સમગ્ર દેશમાં ચર્ચાનું કેન્દ્ર બન્યા છે, ત્યારે અમિત શાહ વર્ષોથી આતંકવાદના કટ્ટરવિરોધી રહ્યા છે. ઉદાહરૂણ સ્વરૂપે જોઇએ તો, અમિત શાહ ૨૦૦૨થી ૨૦૧૦ સુધી ગુજરાતના ગૃહ રાજ્યપ્રધાન હતા ત્યારે પણ રાજ્યમાં ગોધરાકાંડના તોફાનો હોય કે પછી ૨૦૦૮ અમદાવાદના સિરિયલ બોમ્બ બ્લાસ્ટ હોય તેમણે આતંકવાદને નાથવા માટે કઠોર પગલા ભર્યા છે અને ગુજરાતને કરફ્યુમુક્ત રાખ્યું છે.
ફેક એન્કાઉન્ટરના આરોપસર તેમને મુશ્કેલીઓનો સામનો પણ કરવો પડયો હતો અને શાહ અનેક મુશ્કેલીઓ વચ્ચે પણ હમેશા કહેતા કે, 'મારી ઓટ જોઈને કિનારે ઘર ન બાંધી લેતા, સમુંદર છું હું ફરી વાર પાછો આવીશ.'
કડક સ્વભાવના અમિત શાહે ભાજપ સંગઠન હોય કે સત્તા, તમામ મોરચે પોતાની આગવી ઓળખ ઉભી કરી છે. ૨૦૦૮માં અમદાવાદમાં સિરિયલ બોમ્બ બ્લાસ્ટ થયા બાદ તેઓ વધુ આક્રમક બન્યા અને રાજ્યના ગૃહ વિભાગે આતંકીઓને
શોધીને આતંકી પ્રવૃત્તિ પર બ્રેક લગાવી. કદાચ ગુજરાતના ઈતિહાસમાં આતંકવાદ વિરુદ્ધમાં આ પ્રકારની ક્યારેય કાર્યવાહી થઈ નહોતી.
અમિત શાહની આ રણનીતિને કારણે ૨૦૦૮થી લઈ અત્યાર સુધી રાજ્યમાં એક પણ આતંકી પ્રવૃત્તિ થઈ નથી. આ સમયે અનેક સ્વૈચ્છિક સંસ્થાઓએ માનવાધિકારના નામે અનેક ઉધામાઓ કર્યા હતા. જ્યારે અમિત શાહ હંમેશા માનતા રહ્યા છે કે, આતંકવાદ સામે પોલીસની ઝીરો ટોલરન્સ નીતિ જ માનવાધિકાર છે. આ નીતિથી પોલીસ નિર્દોષ લોકોના માનવાધિકારની જ રક્ષા કરે છે. તેઓ આતંકવાદને નાથવા માટે કડક કાયદાના સમર્થક રહ્યા હતા.
ભાજપના વિજયના મુખ્ય વ્યૂહરચનાકાર અમિત શાહ સક્રિય રાજનીતિમાં આવ્યા પહેલા શેરબ્રોકર હતા અને રિસ્ક લેવામાં માને છે. આજે આ રિસ્ક લઇને એમણે માત્ર દેશના ઇતિહાસ બદલવામાં જ નહીં પણ ભાજપના ઇતિહાસમાં પણ યશકલગીનું પીંછુ ઉમેર્યું છે.
મોદી પછી શું? એવો જે લોકોના મનમાં સવાલ હતો તેનો જવાબ આજે ભારતની પ્રજા અને ભાજપના કાર્યકરોને મળી ગયો છે. ૩૭૦ના અચ્યુતમ કેશવમની સાથે સાથે માત્ર ભાજપને પણ દેશના દરેક નાગરિકને ગૌરવનો અહેસાસ થઈ રહ્યો છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter