રાજકોટ: આર્ટ ઓફ લિવિંગના પ્રણેતા શ્રી શ્રી રવિશંકર દિવાળી પર્વના દિવસોમાં સૌરાષ્ટ્રના પ્રવાસે હતા. તેમણે પ્રથમ ગોંડલની મુલાકાત લીધી અને ત્યારબાદ સોમનાથ મહાદેવના દર્શન કર્યાં હતાં. સોમનાથદાદાની પૂજા અર્ચના કરીને શ્રી શ્રીએ દેશમાં ચર્ચાતા અયોધ્યા રામમંદિરના મુદ્દે કહ્યું હતું કે, જેવી રીતે સોમનાથ મંદિર દેશમાં આસ્થાનું પ્રતીક છે તેવી જ રીતે રામમંદિર પણ આસ્થાનું પ્રતીક છે. અયોધ્યામાં જ રામમંદિરનું નિર્માણ થવું જોઈએ એવું મારું દૃઢ માનવું પણ છે. ઉલ્લેખનીય છે કે જામનગરના આર્ટ ઓફ લિવિંગના વિવિધ સેન્ટરોનાં સાધકો તથા સ્થાનિકો માટે શ્રી શ્રી રવિશંકરના સોમનાથ તથા રાજકોટના કાર્યક્રમોમાં જવા માટે વાહનની વ્યવસ્થા કરવામાં આવી હતી.
ગોંડલના ભૂવનેશ્વરીમાં યજ્ઞ
શ્રી શ્રી ગોંડલના ભૂવનેશ્વરી મંદિરે દર્શન કરવા આવ્યા હતા અને ત્યારબાદ મંદિરમાં ભૂગર્ભમાં બિરાજમાન શ્રી ભુવનેશ્વર મહાદેવ પર અભિષેક કરીને તેમણે પૂજા કરી હતી. મહાત્મા ગાંધી સ્મારકના દર્શન તેમણે કર્યાં હતાં. મંદિરમાં યોજાયેલા યજ્ઞમાં પણ તેમણે હાજરી આપી હતી. યજ્ઞની પૂર્ણાહૂતિ શ્રી શ્રી રવિશંકરના વરદ હસ્તે કરાઈ હતી.
અક્ષર મંદિરનાં દર્શન
ભુવનેશ્વરી મંદિરે યજ્ઞમાં હાજર રહ્યા બાદ શ્રી શ્રી ગોંડલના અક્ષર મંદિરે પહોંચ્યા હતા. જ્યાં તેઓનું યુવકોએ ટ્રેડિશનલ ડ્રેસમાં ગરબા લઇ સ્વાગત કર્યું હતું. મંદિરના સંતો સાથે તેમણે વાર્તાલાપ પણ કર્યો હતો. મંદિરના કોઠારી સ્વામી દ્વારા તેઓને ઘનશ્યામજી મહારાજનો હાર પહેરાવી સન્માનિત કરવામાં આવ્યા હતા. વિશ્વ વિખ્યાત અક્ષરદેરીની તેમણે ભાવથી પ્રદક્ષિણા કરી હતી. બાદમાં તેઓ બીએપીએસના વડા પૂજ્ય મહંતસ્વામીના દર્શને પહોંચ્યા હતા. જ્યાં તેઓએ આશરે પંદરથી વીસ મિનિટ મહંતસ્વામી સાથે વાર્તાલાપ કર્યો હતો અને અંતમાં યોગીસ્મૃતિ મંદિરના દર્શન કરી તેઓની યાત્રા સોમનાથ તરફ આગળ વધી હતી.
રાજકોટમાં દિવાળીપૂજન
શ્રી શ્રીની ઉપસ્થિતિમાં સાંજે ૫.૩૦ વાગ્યે પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથમાં શ્રી સોમનાથ મહાદેવના સાંનિધ્યમાં મહારૂદ્ર પૂજા તથા સત્સંગ યોજાયો હતો. સાતમીએ દિવાળી પર્વે સાંજે ૫.૩૦ વાગ્યે રાજકોટમાં અષ્ટલઘુમી હોમ તથા મહાસત્સંગના કાર્યક્રમ યોજાયા હતા. આ કાર્યક્રમમાં મુખ્ય પ્રધાન વિજય રૂપાણી પણ હાજર હતા. આઠમી અને નવમીએ વાસદ આશ્રમમાં નૂતન વર્ષની ઉજવણી અંતર્ગત અન્નકૂટ ઉત્સવ શ્રી શ્રી રવિશંકરની ઉપસ્થિતિમાં યોજાયો હતો. નૂતન વર્ષે દેવી પૂજા અને મહાસત્સંગ પણ યોજાયો હતો.


