અરબ સાગરમાંથી ગુજરાત, મહારાષ્ટ્રના કાંઠે વાવાઝોડું ત્રાટકવાની સંભાવના

Thursday 28th May 2020 07:16 EDT
 
 

અમદાવાદઃ અમ્ફાન વાવાઝોડાંની અસર હજુ પૂર્ણ નથી થઈ ત્યાં વધુ એક વાવાઝોડાંની તૈયારી થવા લાગી છે. આ વખતે વાવાઝોડું બંગાળના અખાતમાં નહીં, અરબ સાગરમાંથી પેદા થાય એવી શક્યતા છે.
ખાનગી હવામાન સંસ્થા સ્કાયમેટના રિપોર્ટ પ્રમાણે એમ્ફાન વખતે જેવી વાતાવરણિય સ્થિતિ હતી એવી જ સ્થિતિ અત્યારે અરબ સાગરમાં ઉભી થઈ રહી છે. જો એ સ્થિતિ આગળ વધશે તો ચક્રવાત-વાવાઝોડાંનું સર્જન થઈ શકે છે.
થોડા સમય પહેલા કોચિન સ્થિત કોચિન યુનિવર્સિટી ઓફ સાયન્સ એન્ડ ટેકનોલોજીના સંશોધકોએ પણ એવુ તારણ રજૂ કર્યું હતું કે છેલ્લા ૬૦ વર્ષમાં અરબ સાગરમાં ચોમાસા પૂર્વેની વાવાઝોડાંની ગતિવિધિ સતત વધી છે.
આ વાવાઝોડું કદાચ ૩૦મી મેની આસપાસ વધારે મોટાં સ્વરૂપે જોવા મળે અને ગુજરાત-મહારાષ્ટ્રના કાંઠા તરફ આગળ વધે તેવી શક્યતા છે.
અલબત્ત, વાવાઝોડું ત્રાટકશે તો ભારે વરસાદ અને તેજ પવનનો સામનો કરવો પડશે. સ્કાયમેટના પ્રેસિડેન્ટ મહેશ પાલવતે જણાવ્યું હતું કે અત્યારે અરબ સાગરમાં કોઈ ડિપ્રેશન નથી. પરંતુ દક્ષિણ-પૂર્વ અરબ સાગરમાં સાઈકલોનિક સર્ક્યુલેશનની સ્થિતિ છે.
આ સ્થિતિ હળવા દબાણનું ક્ષેત્ર પેદા થઈ શકે છે. આવી સ્થિતિને કારણે જ થોડા સમય પહેલા એમ્ફાન પેદા થયું હતું.
અમ્ફાન ૧૫મી મે આસપાસ સક્રિય થયું હતું અને આગળ વધતાં શક્તિશાળી સુપર સાઈકલોનમાં ફેરવાયું હતું.
જોકે અમ્ફાન જેવું જ શક્તિશાળી આ વાવાઝોડું હોઈ શકે કે કેમ એ અંગે પાલવાતે કહ્યું હતું કે અત્યારથી એ વિશે કશું કહેવું વહેલું ગણાશે. અત્યારે હવામાન પર નજર રાખવાનો સમય છે.
અલબત્ત, તેમણે જણાવ્યું હતું કે જુનના આરંભા ગુજરાત-મહારાષ્ટ્રમાં ભારે વરસાદની શક્યતા તો છે જ. બંગાળના અખાત કરતાં અરબ સાગરમાં ઓછા વાવાઝોડાં પેદા થાય છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter