આલોક વર્મા ખોટા કેસમાં ફસાવે તેવો મને ડર છેઃ અસ્થાનાનો પત્ર

Wednesday 24th October 2018 06:50 EDT
 
 

નવી દિલ્હીઃ ચર્ચાસ્પદ બનેલા ગુજરાત કેડરના આઈપીએસ ઓફિસર અને સીબીઆઇના સ્પેશિયલ ડિરેક્ટર રાકેશ અસ્થાનાએ ૨૪ ઓગસ્ટ ૨૦૧૮ના રોજ કેબિનેટ સેક્રેટરીને લખેલો પત્ર અને તેની સાથે ‘ટોપ સિક્રેટ’ના મથાળાથી જોડેલી નોંધની વિગતો બહાર ફરતી થઇ છે.
રાકેશ અસ્થાનાએ પત્રમાં એવું જણાવ્યું છે કે, સીબીઆઇ ડિરેક્ટર આલોક કુમાર વર્મા, એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટના જોઇન્ટ ડિરેક્ટર રાજેશ્વર સિંહ તથા બીજાં કેટલાક લોકો છેલ્લા કેટલાક મહિનાઓથી ખરાઇ કર્યા વગરના દસ્તાવેજો તથા માહિતીઓ મારી વિરુદ્ધ મીડિયામાં ઉછાળી મારી ઇમેજ બગાડવાનો પ્રયાસ કરી રહ્યાં છે. ટ્વિટર, લેખો સહિત સોશિયલ મીડિયામાં મારી વિરુદ્ધ આવતી વિગતો આ લોકો સપ્લાય કરી રહ્યાં છે.
અસ્થાનાએ પત્રમાં આક્ષેપ કર્યો છે કે મને હેરાન-પરેશાન કરવા મારી વિરુદ્ધની આ ઝુંબેશ ઇરાદાપૂર્વક એટલા માટે થઇ રહી છે કે, જેનાથી હું જે સંવેદનશીલ અને જવાબદારીવાળું કામ કરું છું તે નાસીપાસ થઇને કરી ના શકું. મને ગંભીર દહેશત છે કે, સીબીઆઇ ડિરેક્ટર આલોક કુમાર વર્મા મારા તરફના એમના પૂર્વગ્રહ તથા પાયા વગરના આક્ષેપોને કારણે મારો ૩૦ માર્ચ ૨૦૧૮ના રોજ પૂરા થતાં વર્ષનો એન્યુઅલ પરફોર્મન્સ એપ્રેઇઝલ રિપોર્ટ બગાડી નાખશે, જેનાથી મારી કારકિર્દીને મોટું નુકસાન થશે. મને એવો પણ ડર છે કે, મને ખોટા કેસમાં ફસાવવામાં આવશે, જેનાથી મને અને મારી શાખને ના પુરાય તેવું નુકસાન થશે.
આ ઉપરાંત પત્રમાં તેમણે જણાવ્યું છે કે મને એવી પણ માહિતી મળી છે કે, અસંતુષ્ટ તત્ત્વો મારી વિરુદ્ધના પાયા વગરના આક્ષેપોને લઇને પીઆઇએલ ફાઇલ કરવાનીયે તૈયારી કરી રહ્યાં છે. મારી આજ સુધીની કારકિર્દીમાં હું ડાઘ વગરનો રેકર્ડ ધરાવું છું. હું અત્યારે જ્યારે ઘણી સંવેદનશીલ બાબતો સંભાળી રહ્યો છું ત્યારે મારી કારકિર્દી મારી શાખ ધ્વસ્ત કરવાની અને મનો હતોત્સાહ કરવાની કોશિશ થઇ રહી છે.
દરમિયાન સીબીઆઈના સિનિયર અધિકારીઓની શંકાસ્પદ પ્રવૃત્તિઓ અંગે મારી પાસે વિવિધ સ્ત્રોતો દ્વારા ગંભીર માહિતી આવી છે. સીબીઆઇના વડા વિરુદ્ધની ગંભીર આ માહિતીની તપાસ કરી શકે એવું કોઇ મિકેનિઝમ નહીં હોવાથી આ અત્યંત ખાનગી ગુપ્ત માહિતી હું આપને જણાવી રહ્યો છું, જે અંગે નિયમાનુસાર પગલાં ભરશો.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter