60 વર્ષનાં સુનિતા વિલિયમ્સ ‘નાસા’માં 27 વર્ષની જ્વલંત કારકિર્દી બાદ 27 ડિસેમ્બર 2025થી નિવૃત્ત થયાની જાહેરાત નેશનલ એરોનોટિક્સ એન્ડ સ્પેસ એડમિનિસ્ટ્રેશન (એનએએસએ-‘નાસા’)એ મંગળવારે કરી છે. હાલ ભારતના પ્રવાસે પહોંચેલાં સુનિતા વિલિયમ્સને ‘નાસા’ના નવા વહીવટદાર જેર્ડ ઇસાકમેને નિવૃત્ત જીવન માટે મુબારકબાદી આપી હતી.
નવી દિલ્હીમાં અમેરિકન સેન્ટરમાં એક ઇન્ટરએક્ટિવ કાર્યક્રમ ‘આઇસ ઓન ધ સ્ટાર્સ, ફીટ ઓન ધ ગ્રાઉન્ડ’માં ભાગ લેતાં સુનિતા વિલિયમ્સની ઓળખ નિવૃત્ત અવકાશયાત્રી અને નિવૃત્ત યુએસ નેવી કેપ્ટન તરીકે અપાઇ હતી.
દિલ્હીમાં અમેરિકન સેન્ટરમાં યોજાયેલાં કાર્યક્રમમાં સુનિતા વિલિયમ્સે જણાવ્યું હતું કે સ્પેસ ટ્રાવેલ એ ટીમ સ્પોર્ટનું ઉત્તમ ઉદાહરણ છે. આપણો એક ગ્રહ પૃથ્વી અને આપણે તેના નિવાસીઓ છીએ. તેથી બધાં દેશોએ સાથે મળી કામ કરવું જરૂરી છે. સ્પેસ ટ્રાવેલ કરવાથી મારો જીવન પ્રત્યે જોવાનો અભિગમ બદલાઇ ગયો છે. જ્યારે તમે સ્પેસમાંથી એક ગ્રહ પૃથ્વી પર નજર કરો ત્યારે તમને વિવિધ મુદ્દાઓ પર દલીલો કરતાં માણસો હાસ્યાસ્પદ લાગવા માંડે છે.
બોઇંગના સ્ટાર લાઇનર અવકાશયાનમાં શરૂઆતમાં આઠ દિવસની ટેસ્ટ ફલાઇટ કેવી રીતે નવ મહિના લાંબી યાત્રા બની રહી તેના અનુભવો વર્ણવતાં સુનિતા વિલિયમ્સે જણાવ્યું હતું કે સ્પેસ ટ્રાવેલ તો ટીમ સ્પોર્ટનું ઉત્તમ ઉદાહરણ છે. સુનિતાએ જણાવ્યું હતું કે જ્યારે તમે સ્પેસમાં જાવ ત્યારે તમે પોતાના હોમને શોધતાં હો છો. મારા પિતા ભારતમાંથી અને મારી માતા સ્લોવેનિયામાંથી આવી હોઇ હું આ સ્થળોને હોમ ગણું છું.
સુનિતાએ જણાવ્યું હતું કે હોમની આ શોધ આખરે તો પૃથ્વીની એકતામાં પરિણમે છે. આપણો ગ્રહ જીવંત છે. કેટલાંક લોકો એમ માને છે કે પૃથ્વી પર તો માત્ર ખડકો જ છે, પણ પૃથ્વી ફરે છે. હું તેના પર બદલાતી મોસમો, લીલને કારણે મહાસાગરના બદલાતાં રંગો અને ઉત્તરમાં બરફને જામતો જોઇ શકતી હતી.
આ સુંદર પૃથ્વીને સ્પેસમાંથી જોવાથી જીવન પ્રત્યે જોવાની તમારી દૃષ્ટિ બદલાઇ જાય છે. તમને એવું લાગે છે કે આપણે બધાં એક છીએ અને આપણે સાથે મળી કામ કરવું જોઇએ. અને તમને એવું લાગે છે કે કોઇએ શા માટે કોઇ બાબતે દલીલો કરવી જોઇએ. હું પણ પરણેલી છું અને મારા પતિ સાથે દલીલો કરું છું. આમ, મને દલીલો કરવી એટલે શું તે મને સમજાય છે પણ અવકાશમાંથી પૃથ્વી પર નજર કરો તો આ દલીલો હાસ્યાસ્પદ લાગે છે. જ્યારે શ્રોતાઓમાંથી એક જણે પૂછયું કે તમને શાનો ડર લાગે છે ત્યારે સુનિતાએ જણાવ્યું હતું કે હજી મને ઘણી બાબતોનો ડર લાગે છે. દાખલા તરીકે હું જ્યાં રહું છું ત્યાં રીંછ આવે છે. મને તેમને ભગાડતાં ડર લાગે છે. આમ, તમારે બ્રહ્માંડમાં અને પૃથ્વી પર તમારું સ્થાન સમજી તમારી આજુબાજુના પ્રાણીઓ ભણી આદરભર્યું વર્તન કરવું જોઇએ.
નિવૃત્ત યુએસ નેવી કેપ્ટન તરીકે સુનિતા વિલિયમ્સે હેલિકોપ્ટર અને વિમાનચાલક તરીકે 40 વિવિધ પ્રકારના વિમાનોમાં 4000 ફલાઇટ અવર્સનો અનુભવ મેળવેલો છે. સુનિતાએ નવ સ્પેસ વોક 62 કલાક અને છ મિનિટમાં પુરી કરી એક મહિલા દ્વારા સૌથી લાંબી સ્પેસવોક કરવાનો રેકોર્ડ કર્યો છે.
‘ભારત સાથે ગાઢ નાતો,
ઝુલાસણ જવું છે’
સુનીતા વિલિયમ્સે જણાવ્યું કે ભારતની તેમની દરેક મુલાકાત અગાઉની મુલાકાત કરતાં બિલકુલ જુદી હોય છે. તેમણે કહ્યું, ‘હું અહીં ઘણી વાર આવી ચૂકી છું. દરેક વખતે મને પરિવર્તન જોવા મળ્યું છે. રસ્તા, ફ્લાયઓવર, એક જગ્યાએથી બીજી જગ્યાએ જવું હવે પહેલાં કરતાં ઘણું સરળ લાગે છે. દરેક જગ્યાએ ટેક્નોલોજી પહોંચી ચૂકી છે.’ ખાસ કરીને તેઓ સાયન્સ અને ઇનોવેશનના ક્ષેત્રમાં ભારતની વધતી મહત્ત્વાકાંક્ષાથી પ્રભાવિત છે.
તેમણે કહ્યું કે ભારત સાથે તેમનું ગાઢ જોડાણ છે. ગુજરાતમાંના તેમના પૈતૃક ગામ ઝુલાસણના લોકો લાંબા સમયથી તેમની સિદ્ધિઓને પોતાની સિદ્ધિ જેવી માનતા આવ્યા છે. તેમણે તેમના ગામ વિશે કહ્યું, ‘આ ખરેખર ખૂબ સન્માનની વાત છે. એમાં શંકા નથી કે હું મારા પિતા અને પરિવાર સાથે ત્યાં જઈ ચૂકી છું. તેની સાથેનું મારું આ જોડાણ વધુ ગાઢ થતું જાય છે. હું ત્યાંના લોકોને ઓળખું છું.’
સુનીતા વિલિયમ્સે કહ્યું હતું કે તેઓ ટૂંક સમયમાં જ તેમનાં બહેન અને પરિવારની સાથે પોતાના ગામ જવાની ઇચ્છા રાખે છે. ઉલ્લેખનીય છે કે ઉત્તર ગુજરાતમાં આવેલું ઝુલાસણ ગામ તેમનું વતન છે. સુનિતા વિલિયમ્સના પિતા દીપકભાઇ પંડ્યા મહેસાણા જિલ્લાના કડી તાલુકાના ઝુલાસણ ગામના વતની છે.
તેમણે કહ્યું, ‘કેરળમાં આવીને પણ સારું લાગ્યું. મારા પિતા અહીંનાં ઘણાં વખાણ કરતા હતા. ભારતના એક અલગ ભાગને જોવાની તક મળી. પરંતુ, મારે ઝુલાસણમાં આવેલા મારા ઘરે પાછા જવું જ પડશે.’


