નવી દિલ્હીઃ અમદાવાદમાં 12 જૂને એર ઈન્ડિયાનું બોઈગ વિમાન ડ્રીમ લાઈનર ક્રેશ થયાના બરાબર એક મહિના બાદ પ્રાથમિક તપાસ તો અહેવાલ જાહેર થયો છે, પણ તેમાં જવાબો કરતાં સવાલો વધુ જોવા મળે છે.
કુલ 260 માનવજિંદગીનો ભોગ લેનાર પ્લેન ક્રેશની ઘટના માટે જવાબદાર કારણોની તપાસ કરી રહેલી એરક્રાફ્ટ એક્સિડન્ટ ઈન્વેસ્ટિગેશન બ્યૂરો (AAIB) દ્વારા 15 પાનાનો પ્રાથમિક રિપોર્ટ પ્રકાશિત કરાયો છે, જેમાં વિમાન તૂટી પડવા અંગે ચોંકાવનારા ખુલાસા થયા છે.
રિપોર્ટમાં જણાવ્યા મુજબ વિમાન ટેક ઓફ થયાની બીજી જ મિનિટે તેનાં બન્ને એન્જિન બંધ થયા હતા અને ફ્યૂઅલ સ્વિચ કટઓફ થઈ ગઈ હતી. પરિણામે વિમાન ટેક ઓફ થયાની 29મી સેકન્ડે જ તૂટી પડયું હતું. બીજી ચોંકાવનારી વાત એ છે કે કોકપિટમાં એક પાયલટે બીજાને પુછ્યું કે તમે ફ્યૂઅલ સ્વિચ કેમ બંધ કરી? ત્યારે જવાબ મળ્યો હતો કે મેં નથી કરી. વિમાન ઉડ્યાની માત્ર 3 સેકન્ડમાં જ વિમાનને ફ્યુલ મળતું બંધ થઈ ગયું હતું. આથી બંને એન્જિન બંધ થઈ જતાં 29મી સેકન્ડે જ વિમાન દુર્ઘટનાગ્રસ્ત થઈ ગયું હતું. સાથે સાથે જ વિમાનમાં કોઈ બર્ડ હીટ કે તોડફોડની શંકાનો ઈનકાર કરાયો છે.
વિમાનનાં બંને પાયલટ ઉડ્ડયનનો સારામાં સારો અનુભવ ધરાવતા હતા. વિમાનનાં મેઈન્ટેનન્સમાં કોઈ ખામી જણાઈ ન હતી. વિમાનની ફયુઅલ કન્ટ્રોલ સ્વિચ બંધ થયા પછી તરત રન મોડમાં આવી ગઈ હતી, પણ વિમાનનાં એન્જિનને ફ્યુલ મળતું બંધ થતાં તેને ફરી ઊંચાઈએ લઈ જવા માટેનો જરૂરી થ્રસ્ટ મળ્યો ન હતો. વિમાને થ્રસ્ટ ગુમાવતા RAT નામે ઓળખાતું રેમ એર ટર્બાઈન ચાલુ થઇ ગયું હતું તે પણ વિમાનમાં પાવર સપ્લાય બંધ થઇ ગયાનો નિર્દેશ કરે છે. વિમાનનું એક એન્જિન ચાલું થયું હતું જ્યારે બીજા એન્જિનને પૂરતું ઈધણ મળે તે પહેલાં જ અપૂરતી ઊંચાઈને કારણે વિમાન તૂટી પડયું હતું.
રિપોર્ટમાં આ બધું જણાવાયું છે, પરંતુ એ નથી જણાવાયું કે આવું થયું શા માટે. આ જ કારણ છે કે પીડિત પરિવારોથી માંડીને વિશાળ વર્ગમાં તપાસ અહેવાલના તારણ સામે શંકા-કુશંકાઓ વ્યક્ત થઇ રહી છે. પીડિત પરિવારોની એવી લાગણી છે કે ભારત સરકાર એર ઇંડિયા અને બોઇંગ કંપનીને બચાવવા પ્રયાસ કરી રહી છે. ઉડ્ડયન નિષ્ણાતોએ પણ રિપોર્ટમાં કોકપીટ કેમેરા ફૂટેજનો કોઇ ઉલ્લેખ ન કરવા સામે સવાલો ઉઠાવ્યાં છે. સંભવતઃ આવા જ કારણસર રિપોર્ટ જાહેર થયાના કલાકોમાં સિવિલ એવિએશન પ્રધાન રામ મોહન નાયડુએ સ્પષ્ટતા કરવી પડી છે આ પ્રાથમિક તપાસ અહેવાલ છે, કોઇ અંતિમ નિષ્કર્ષ પર પહોંચતા પહેલાં અંતિમ અહેવાલની રાહ જૂઓ.