કોવિડ-૧૯માં યુગાન્ડન સરકારને મદદરૂપ બનતો કંપાલા પાટીદાર સમાજ

Wednesday 25th November 2020 05:12 EST
 
 

તાજેતરમાં ગુજરાત સમાચાર દ્વારા પ્રસિધ્ધ થયેલ 'દિપોત્સવી અંક'માં કંપાલામાં અનેકવિધ પ્રવૃત્તિથી કાર્યરત પાટીદાર સમાજનો લેખ પ્રસિધ્ધ થયો છે. ૧૯૯૩ પછી બોમ્બો રોડ પરની વિશાળ જગ્યામાં કંપાલા પાટીદાર સમાજ કેવી કેવી પ્રવૃત્તિથી સતત ધમધમતો રહે છે એની માહિતી અમને હાલના કંપાલા પાટીદાર સમાજના બોર્ડ ઓફ ટ્રસ્ટી-ચેરમેન કમલેશભાઇ પરસોત્તમભાઇ પટેલ (કરમસદ)એ આપતાં જણાવ્યું કે, "અત્યારે સમાજના ૮૦૦ જેટલા ચરોતર પટેલ સભ્યો છે. પાટીદાર સમાજની ભવ્ય ઇમારતનો લીસ્ટેડ ઐતિહાસિક ઇમારત તરીકે ગણના થાય છે. અહીં નવરાત્રિમાં ૩૦૦૦થી વધુ લોકો ભાગ લે છે અને સવારે ચાર વાગ્યા સુધી સૌ ગરબા-રાસનો આનંદ માણે છે. અહીં ગણેશોત્સવ ઉજવાય છે, ભાગવત સપ્તાહ અને રામાયણ કથાઓ યોજાય છે અને સરદાર પટેલની જન્મ જયંતિની શાનદાર ઉજવણી થાય છે.
કોવિડ-૧૯માં યુગાન્ડન સરકારે ‘પ્રાઇમ મિનિસ્ટર કોવિડ-૧૯ ટાસ્કફોર્સ’ની રચના કરી જેમાં મિનિસ્ટ્રી ઓફ હેલ્થને સમાજે ૨૫ મિલિયન યુગાન્ડન શિલિંગ (૭૦૦૦ યુએસ ડોલર) પ્રાઇમ મિનિસ્ટર ઓફિસને કોવિડ-૧૯ ફંડમાં આપ્યા. ૫૦૦૦ યુએસ ડોલરના ખર્ચે પાંચ ઓકસીજન કોન્સ્ટન સ્ટ્રેટર આપ્યા. ૨,૫૦૦ કિલો મકાઇનો આટો દાન કર્યો. ઉપરાંત પાટીદાર સમાજના હોલમાં મેટ્રેસ સાથે ૩૦ બેડ, ૧૫૦૦૦ ડોલરના ખર્ચે કોરન્ટીન સેન્ટર બનાવી સરકારને વિના મૂલ્યે વાપરવા આપ્યું. ૧૯૬૦માં યુગાન્ડન સરકારને આર્થિક મદદની જરૂર પડી ત્યારે પાટીદાર સમાજે મદદ કરી હતી એમ ૨૦૨૦માં કોવિડ-૧૯ની કટોકટીમાં કંપાલા પાટીદાર સમાજ સરકારને મદદરૂપ બન્યો છે.
 કંપાલાના "પાટીદાર સમાજ'ને ૨૦૧૮માં ઇન્ડિયન એસોસિએશન તથા ઇન્ડિયન હાઇકમિશન ઓફ યુગાન્ડા દ્વારા માન્ય એક પેનલ દ્વારા "બેસ્ટ એકટીવ કોમ્યુનિટી" તરીકે સન્માનિત કરવામાં આવ્યો હતો.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter