અમદાવાદઃ પ્રજાસત્તાક દિવસ પર્વ ભારત સરકાર કુલ 45 લોકોને પદ્મશ્રી એવોર્ડથી સન્માનિત કરશે. જેમાં ગુજરાતના પાંચ મહાનુભાવોની સમાજસેવા, કલાક્ષેત્રમાં વિશિષ્ટ યોગદાન બદલ પદ્મશ્રી એવોર્ડ માટે પસંદગી થઈ છે. જેમાં હાજી રમકડુંના નામે વિખ્યાત ઢોલક વાદક મીર હાજીભાઈ કાસમભાઈ, અંગદાન ક્ષેત્રે પ્રશંસનીય પ્રદાન આપનાર નીલેશભાઈ માંડલેવાલા, આખ્યાનકાર ધાર્મિકલાલ પંડયા, હાસ્યલેખક રતિલાલ બોરીસાગર અને ગુજરાતી રંગભૂમિના વિખ્યાત અભિનેતા અરવિંદ વૈદ્યનો સમાવેશ થાય છે.
મીર હાજીભાઈ કાસમભાઈ (કલાક્ષેત્ર)
છ દાયકાની કારકિર્દી ધરાવતા પ્રખ્યાત ઢોલક વાદક, જેમણે 1,000 થી વધુ સ્ટેજ પ્રોગ્રામ્સ કર્યા છે. ગાયો અને ગૌશાળા માટે 35,000થી વધુ ચેરિટી કાર્યક્રમોનું નેતૃત્વ કર્યું છે. ‘કચ્છનું ગૌરવ’ એવા મીર હાજીભાઈ કાસમભાઈને કળા ક્ષેત્રના યોગદાન માટે પદ્મશ્રીથી સન્માનિત કરાશે. તેમને લોકો ‘હાજી રમકડું’ના નામથી પણ બોલાવે છે. ભજન ડાયરા, સંતવાણી, ગઝલ અને કવ્વાલીમાં તેઓ પોતાની આગવી છટાથી ઢોલક વગાડવા માટે જાણીતા છે. ખ્યાતનામ કલાકારો સાથે એક હજારથી વધુ સ્ટેજ પ્રોગ્રામ પણ કર્યા છે.
રતિલાલ બોરીસાગર (શિક્ષણ ક્ષેત્ર)
હાસ્ય સંગ્રહો, નવલકથાઓ અને લોકપ્રિય કોલમ માટે પ્રખ્યાત ગુજરાતી લેખક તેમણે 17થી વધુ પુસ્તકોમાંથી 6 પુસ્તકો બાળકો માટે છે. તેમની હાસ્યકલાનું ઉત્તમ શિખર 1997માં પ્રકાશિત થયેલી તેમની આત્મકથનાત્મક હાસ્યરસિક નવલકથા ‘એન્જોયગ્રાફી’ છે. તેમને ‘મરક મરક’ માટે જ્યોતીન્દ્ર દવે પારિતોષિક અને ગુજરાત સાહિત્ય અકાદમી તરફથી દ્વિતીય પારિતોષિક જ્યારે ‘આનંદલોક’ને ગુજરાત સાહિત્ય અકાદમી તરફથી પ્રથમ ઇનામ પ્રાપ્ત થયું છે.
અરવિંદ વૈદ્ય (કલાક્ષેત્ર)
33 વર્ષની શ્રેષ્ઠતા ધરાવતા પ્રખ્યાત હિન્દી ટીવી અને ફિલ્મ અભિનેતા. 200થી વધુ નાટકોના દિગ્દર્શક. થિયેટરને કલાત્મકતા અને સત્યની શક્તિમાં આકાર આપ્યો છે. વૈદ્ય અરવિંદ ગોપાળરાવ નવી ગુજરાતી રંગભૂમિના ખ્યાતનામ નટ-દિગ્દર્શક છે. ‘દીવા જળું દે સારી રાત’ મરાઠી નાટક અને ‘નિશાચર’ ગુજરાતી નાટકમાં અભિનય થકી સન 1966માં રંગભૂમિક્ષેત્રે પદાપણ કર્યું હતું નાટયસંપદાના અમદાવાદ ખાતેના એકમ સાથે સક્રિય રીતે સંકળાયેલા રહ્યા છે.
નીલેશ માંડલેવાલા (સમાજસેવા)
સુરતના નીલેશ વિનોદચંદ્ર માંડલેવાલા સામાજિક કાર્યો સાથે સંકળાયેલા છે. તેઓ ગુજરાતમાં અંગદાનની પ્રવૃત્તિના પ્રણેતા તરીકે જાણીતા છે. ડોનેટ લાઈફ સ્થાપક સંસ્થાના નીલેશભાઈના પિતાની વર્ષ 1997માં કિડની નિષ્ફળ થતા વર્ષ 2004થી તેઓનું નિયમિતપણે ડાયાલીસીસ કરાવવા જવું પડતું, જેમાં અનેક તકલીફોનો સામનો કર્યા બાદ નીલેશભાઈ દ્વારા વર્ષ 2006માં સુરતથી કિડની દાનથી અંગદાન સેવાનો પ્રારંભ કર્યો હતો. કુલ 1,300થી વધારે અંગો ટીસ્યુઓનું દાન કરાયું છે.
ધાર્મિકલાલ પંડયા (કલાક્ષેત્ર)
ધાર્મિકલાલ પંડયા 75 વર્ષનો વારસો ધરાવતા પ્રતિષ્ઠિત થિયેટર દિગ્ગજ છે, જેમણે આખ્યાનની પરંપરાગત ગુજરાતી કલાને પુનર્જીવિત કરીને વૈશ્વિક સ્તરે પહોંચાડી. વડોદરામાં તેમણે ત્રણ હજારથી વધુ આખ્યાનના કાર્યક્રમો પ્રસ્તુત કર્યા છે. તેમણે દેશ અને વિદેશમાં આખ્યાન અને માણભટ્ટની કળાનો પ્રયાર અને પ્રસાર કર્યો છે. 1951-52થી તેઓ આ વ્યવસાયમાં સતત પ્રવૃત્ત છે. પ્રેમાનંદના લગભગ 30થી 40 આખ્યાનો તેમને કંઠસ્થ છે.


