ગુજરાતમાં અનામતવિરોધી આંદોલનનો સળવળાટઃ જ્ઞાતિ-જાતિ નહીં, માત્ર ગરીબીને આધારે અનામત આપવા ફરી અવાજ ઉઠ્યો

Saturday 01st August 2026 05:03 EDT
 
 

ગાંધીનગર: દિલ્હીમાં કોક્રોચ જનતા પાર્ટી (સીજેપી)નું આંદોલન શમ્યાના ચોવીસ જ કલાકમાં સોશિયલ મીડિયા પર રિઝર્વેશન હટાવો આંદોલન (આરએચએ) નામનું અનામત વિરોધી જૂથ એક્ટિવ થયું છે. જેના ઈન્સ્ટાગામ પેજને 24 જ કલાકમાં 50 લાખ ફોલોઅર્સ મળ્યા છે, જેણે ગુજરાતમાં પણ સળવળાટ શરૂ કર્યો છે.
દાયકા પહેલાં અનામત આંદોલન કરનારા પાટીદાર અનામત આંદોલન સમિતિ - પાસ (PAAS) અને સરદાર પટેલ ગ્રુપ - એસપીજી (SPG)ના આગેવાનો દ્વારા સોશિયલ મીડિયા પર શરૂ થયેલા આ આંદોલનને સમર્થન અપાયું છે. એટલું જ નહીં, આઝાદીના 75 વર્ષ પછી દેશમાં અનામતની નીતિમાં સુધારાની માંગણી કરતા જ્ઞાતિને આધારે નહીં પરંતુ, આર્થિક પરિસ્થિતિ - ગરીબીને આધારે અનામત જરૂરી હોવાના નિવેદનો કર્યા છે અને યુવાનોને આ આંદોલનમાં જોડાવા માટે આહ્વાન કર્યું છે.
નીટના પેપર ફૂટયા પછી દિલ્હીમાં જંતરમંતર પર જેન-ઝીના વિરોધ પ્રદર્શનો શાંત પડ્યા પછી અનામત નીતિ સહિતના જાહેર મુદ્દાઓ પર સોશિયલ મીડિયા સંચાલિત અભિયાનોએ જોર પકડયું છે. જેમાં પાસ અને એસપીજીના નેતાઓએ ઝંપલાવ્યું છે અને સમર્થન આપ્યું છે. જેના કારણે માત્ર એક જ દાયકામાં ફરીથી ગુજરાતમાં અનામત મુદ્દો સપાટી પર ઉભર્યો છે. એસપીજીના લાલજી પટેલે કહ્યું કે, ‘અમે આંદોલન કર્યું હતું તે યોગ્ય વ્યક્તિને ન્યાય મળે તેના માટે હતું. થયું છે એવું કે જે પૈસાવાળા છે તે જ અનામતનો લાભ લે છે. ગ્રામીણ યુવાનોને તેનો લાભ મળતો નથી. જ્ઞાતિ નહીં પણ ખરેખર જેમને જરૂરિયાત છે તેમને જ પણ અનામત મળવું જોઈએ.’ પાસના દિનેશ બાંભણિયાએ કહ્યું કે, ‘આઝાદીના 75 વર્ષ પછી અનામત નીતિમાં સુધારો કરવો એ સમયની માંગ છે. સામાન્ય વર્ગ (આર્થિક રીતે નબળા વર્ગો - ઈડબલ્યુએસ)ને નોકરી તેમજ શિક્ષણમાં અન્યાય થઈ રહ્યો છે. જરૂરિયાતમંદ પરિવારોને અનામતનો લાભ મળે તે માટે પ્રયાસો થવા જરૂરી છે, આ અમારી માંગણી છે.'
જ્યારે પાટીદાર અનામત આંદોલનમાંથી ઉભરેલા વધુ એક આગેવાન વરૂણ પટેલે કહ્યું કે, 'દેશમાં અનામતની સમીક્ષા-સુધારાની માંગણી ઊઠી છે તો તેમાં ચર્ચા-વિચારણા કરીને સહભાગી થઈશું. આ ઐતિહાસિક આંદોલન થશે.' ઉલ્લેખનીય છે કે, સોશિયલ મીડિયા પર અનામત હટાવો અભિયાનના સમર્થનમાં પાસ અને એસપીજીના આગેવાનોએ ઝંપલાવતાં દાયકા પછી ફરીથી આ ગરમાવો વધ્યો છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter