ગુજરાતમાં ભાજપના ૧૬ મુરતિયા તો નક્કી થઇ ગયા છે, પણ બાકી ૧૦ની પસંદગીમાં ભારે ખેંચતાણ

Wednesday 27th March 2019 06:06 EDT
 
 

ગાંધીનગરઃ શિસ્તબદ્ધ પક્ષ તરીકેની ઓળખ ધરાવતા ભાજપના ગુજરાત એકમમાં ટિકિટની ખેંચતાણ માટે જંગ જામ્યો છે. હાઇ કમાન્ડે રાજ્યની ૨૬માંથી ૧૬ બેઠકો માટે તો ઉમેદવારોના નામોની જાહેરાત કરી દીધી છે, પરંતુ બાકીની ૧૦ બેઠકો પર પસંદગીનું કોકડું ગૂંચવાતા બાકી ઉમેદવારોની જાહેરાત વિલંબમાં પડી છે. ઉમેદવારો નવા મૂકવા કે અગાઉ જાહેર થયેલી યાદીની માફક મહદંશે રિપીટ કરવા, તે અંગે પક્ષ અસમંજસની સ્થિતિમાં છે. તો બીજી તરફ, કોંગ્રેસ કઇ બેઠક પર કયા ઉમેદવારોને મેદાનમાં ઉતારે છે તે પણ પક્ષ માટે મહત્ત્વનો વ્યૂહાત્મક મુદ્દો છે. પરિણામે ભાજપના બાકી ઉમેદવારોની જાહેરાતમાં હજુ બે-ત્રણ દિવસ નીકળી જાય તો તે નવાઈ નહીં હોય, એમ જાણકારો જણાવી રહ્યાં છે.
હાઇ કમાન્ડે સૌથી પહેલાં ભાજપનો ગઢ ગણાતી ગાંધીનગર બેઠક પરથી લાલકૃષ્ણ અડવાણીને હટાવીને તેમના સ્થાને રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહનું નામ જાહેર કર્યું હતું. આ પછી બીજી ૧૫ બેઠકો માટે ઉમેદવારોનું પ્રથમ લિસ્ટ જાહેર થયું હતું. આ યાદીમાં મોટા ભાગના ઉમેદવારો રિપિટ હતા, પરંતુ સુરેન્દ્રનગર બેઠક પર વર્તમાન સાંસદ દેવજી ફતેપરાનું પત્તું કાપીને ડો. મહેન્દ્ર મુંજપરાને ટિકિટ અપાઇ છે. પક્ષના આ નિર્ણયથી ફતેપરા ભારે નારાજ છે. તેમણે તો ખુલ્લેઆમ આક્રોશ ઠાલવીને પક્ષની નેતાગીરીની નિષ્ઠા સામે સવાલ ઉઠાવ્યા છે.

૧૪ સાંસદ રિપીટ, એક કપાયા

રાજ્યની ૨૬ બેઠકો માટે ગાંધીનગર મતક્ષેત્ર માટે ભાજપે અમિત શાહના નામની જાહેરાત કર્યાના બાદ શનિવારે રાત્રે વધુ ૧૫ ઉમેદવારોના નામની જાહેરાત કરી હતી. ૧૪ સીટિંગ સાંસદોને રિપીટ કરાયા છે. સુરેન્દ્રનગરના સાંસદ દેવજી ફતેપરાનું પત્તું કાપી દેવાયું છે. આ પહેલાં ગાંધીનગરથી લાલકૃષ્ણ અડવાણીને પણ આઉટ કરી દેવાયા હતા. સુરેન્દ્રનગરમાં ભાજપે ડો. મહેન્દ્ર મુંજપરાને ટિકિટ આપી છે.
ભાજપે અત્યાર સુધીમાં ૨૬માંથી કુલ ૧૬ ઉમેદવારોના નામો જાહેર કર્યા છે. જ્યારે ૧૦ લોકસભા મતક્ષેત્ર માટે ઉમેદવારના નામો જાહેર કરવાનું ટાળ્યુ છે. દિલ્હીમાં વડા પ્રધાન, ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ સહિતના કેન્દ્રીય પાર્લામેન્ટરી બોર્ડમાં મુખ્ય પ્રધાન, નાયબ મુખ્ય પ્રધાન સહિતના પ્રદેશના નેતાઓ રાજ્યની ૨૬ બેઠકો સંદર્ભે રજૂ કરેલા રિપોર્ટમાં બેઠકદીઠ ઉમેદવારો નક્કી કરવા પરામર્શ કર્યો હતો. તેના આધારે શનિવારે મોડી સાંજે ૧૫ ઉમેદવારોના નામો જાહેર થયા છે. ૧૫ પૈકી ૧૪ વર્તમાન સાંસદ છે.
વર્ષ ૨૦૧૪માં નરેન્દ્ર મોદીની સાથે પહેલી વાર ૧૧ સાંસદો ગુજરાતમાંથી ચૂંટણી લડયા હતા. જેમને બીજી ટર્મ માટે રિપીટ કરવામાં આવ્યા છે. જ્યારે બે-ત્રણ ટર્મથી લોકસભાનું પ્રતિનિધિત્વ કરી રહેલા આઠ જેટલા સાંસદોના રિપિટેશન અંગે સસ્પેન્સ રાખવામાં આવ્યું છે.
ઉત્તર ગુજરાતની ચાર બેઠકો માટે ભાજપમાં કોકડું ગૂંચવાયેલુ છે. જ્ઞાતિગત પરિબળોને કારણે ઉમેદવારો નક્કી થઈ શક્યા નથી. બનાસકાંઠા, પાટણ, મહેસાણા અને અમદાવાદ પૂર્વ માટે કોંગ્રેસના ઉમેદવારો જાહેર થયા બાદ ભાજપ સંપૂર્ણ યાદી જાહેર કરશે તેમ મનાય છે. જેમાં સૌરાષ્ટ્રની પોરબંદર, જૂનાગઢ, મધ્ય ગુજરાતની આણંદ, પંચમહાલ, છોટાઉદેપુર તેમજ દક્ષિણ ગુજરાતની સુરત એમ ૧૦ બેઠકોના ઉમેદવારોની પણ જાહેરાત થઈ શકે તેમ છે.

બાકીનાને ફાળ પડી છે

ફતેપરાનું પત્તું કપાતાં જ બાકીની ૧૦ બેઠકોના વર્તમાન સાંસદોને ફાળ પડી છે કે ક્યાંક તેમનું પણ પત્તું કપાઇ ન જાય. આથી તેમણે પક્ષની ઉચ્ચ નેતાગીરી સામે સમર્થકો થકી રજૂઆતોનો મારો ચલાવ્યો છે. પરિણામે બનાસકાંઠા, પાટણ, મહેસાણા, અમદાવાદ-પૂર્વ, જૂનાગઢ, પોરબંદર, સુરત, આણંદ, છોટાઉદેપુર તથા પંચમહાલ બેઠકોના ઉમેદવારોની પસંદગી ડખામાં પડી છે.
બનાસકાંઠામાં આંજણા ચૌધરી સમાજને ખુશ કરવા હરિભાઈ પટેલ, શંકર ચૌધરી કે પરથી ભટોળમાંથી કોઈ એકને ટિકિટ આપવા જતાં બાકીના બે નારાજ થાય તેવી સ્થિતિ છે. મહેસાણામાં ૮૪ ગામ પાટીદાર સમાજના ડો. આશા પટેલને ઉપર લોકસભાની બેઠક અને નીચે વિધાનસભાની બેઠક નારણ લલ્લુને ફાળવાય તો વિખવાદનો અંત આવે તેમ છે. જોકે પાર્ટી નિર્ણય લઈ શકતી નથી.
આવી જ મડાગાંઠ બાકીની બેઠકો ઉપર હોઈ પક્ષ હવે કોંગ્રેસની યાદી બહાર આવે તેની પ્રતીક્ષામાં છે. કોંગ્રેસની યાદી આમ પણ ૨૮-૩૦ માર્ચ પહેલાં બહાર આવે તેવી શક્યતા ધૂંધળી છે, એમ જાણકાર સૂત્રોએ જણાવ્યું હતું.

કોને સાચવવા, કોને ટાળવા?

ભાજપના પ્રદેશ પ્રભારી ઓમ માથુર નવી દિલ્હીથી ગાંધીનગર પહોંચ્યા છે. પક્ષના વડા મથક કમલમ્ ખાતે વિવિધ સ્તરની બેઠકો કરી હતી. જેમાં કંઈ બેઠકો પર કોને ટિકિટ આપી શકાય અને કોણ નારાજ થઈ શકે તે સહિતની બાબતોની ચર્ચા થઈ હતી. પાટણ, મહેસાણા, બનાસકાંઠા અને પોરબંદર બેઠકોમાં મડાગાંઠની સ્થિતિ છે.
વિજય રુપાણી સરકારમાં પ્રધાન જયેશ રાદડિયા ન માને તો તેમના પરિવાર સિવાયની અન્ય વ્યક્તિને ટિકિટ આપવાની પણ વિચારણા કરાઈ રહી છે. પોરબંદર બેઠક પરથી ચૂંટાયેલા વિઠ્ઠલ રાદડિયા હાલ બીમાર છે. આથી પક્ષ તેમના સ્થાને પુત્ર જયેશને મેદાનમાં ઉતારવા માગે છે.
બનાસકાંઠામાં શંકર ચૌધરી અથવા પ્રધાન પરબત પટેલની શક્યતા છે. પાટણમાં રુપાણી સરકારના જ પ્રધાન દિલીપ ઠાકોરનું નામ લગભગ નક્કી છે. આ જ રીતે મહેસાણામાં પૂર્વ ગૃહ પ્રધાન રજની પટેલનું નામ આગળ છે.
જૂનાગઢમાં રાજેશ ચુડાસમાને રીપિટ નહીં કરવાનું નક્કી છે ત્યારે દિનુ સોલંકીની નજીકના કોઈ વ્યક્તિને ટિકિટ આપવાની કવાયત ચાલી રહી છે. પંચમહાલમાં પ્રભાતસિંહ ચૌહાણને રીપિટ ન કરાય પણ તેમના નિકટના કોઈને ટિકિટ મળી શકે છે. આણંદમાં દિલીપ પટેલના સ્થાને હજુ યોગ્ય ઉમેદવાર પાર્ટીને મળતો નથી. સોમવારે મોડી સાંજે ગુજરાત આવી પહોંચેલા ભાજપના પ્રભારી ઓમ માથુરે કહ્યું કે ટિકિટ ફાળવણી અંગે પક્ષમાં કોઈ વિરોધ નથી. બે-ચાર દિવસમાં બાકી રહેલી બેઠકો પર ઉમેદવારની જાહેરાત થશે.

ભાજપના ૧૬ ઉમેદવાર

• ગાંધીનગર - અમિત શાહ
• રાજકોટ - મોહનભાઈ કુંડારિયા
• જામનગર - પૂનમબેન માડમ
• નવસારી - સી.આર.પાટિલ
• વલસાડ - કે.સી.પટેલ
• અમરેલી - નારણ કાછડિયા
• વડોદરા - રંજનબેન ભટ્ટ
• ખેડા - દેવુસિંહ ચૌહાણ
• સાબરકાંઠા - દીપસિંહ રાઠોડ
• ભાવનગર - ભારતીબેન શિયાળ
• કચ્છ - વિનોદ ચાવડા
• અમદાવાદ પશ્ચિમ - કિરીટ સોલંકી
• ભરૂચ - મનસુખ વસાવા
• બારડોલી - પ્રભુભાઈ વસાવા
• દાહોદ - જસંવતસિંહ ભાભોર
• સુરેન્દ્રનગર - ડો. મહેન્દ્ર મૂજપરા


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter