ગ્લોબલ સેન્ટર ફોર ટ્રેડિશનલ મેડિસિન ધમધમતું થતાં જ ગુજરાત પરંપરાગત ઔષધિઓ માટેનું ગ્લોબલ હબ બનશે

Wednesday 20th April 2022 07:24 EDT
 
 

ગાંધીનગર: જામનગર પાસેના ગોરધનપર ખાતે સાકાર થનારા ગ્લોબલ સેન્ટર ફોર ટ્રેડિશનલ મેડિસિન (જીસીટીએમ)નો મંગળવારે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ શિલાન્યાસ કર્યો. આ પ્રસંગે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન (‘હૂ’)ના ડાયરેક્ટર જનરલ ડો. ટેડ્રોસ, મોરેશિયસના વડા પ્રધાન પ્રવિન્દ જગન્નાથ ખાસ ઉપસ્થિત રહ્યા હતા તે જ આ સેન્ટરની મહત્ત્વતા દર્શાવે છે.
વિશ્વમાં પરંપરાગત ચિકિત્સા પદ્ધતિઓ માટેનું વૈશ્વિક કેન્દ્ર સાકાર થવાની સાથે જ આયુર્વેદ વૈશ્વિક ફલક પર નવું સિમાચિહ્ન અંકિત કરશે. સાથોસાથ પરંપરાગત દવા સંબંધિત તમામ વૈશ્વિક સ્વાસ્થ્ય બાબતો પર નેતૃત્વ પૂરું પાડશે. આ કેન્દ્રના માધ્યમથી પરંપરાગત દવાઓ, સામાજિક-સાંસ્કૃતિક અને જૈવ વિવિધતાનો વારસો વ્યાપકપણે વિતરિત થશે.
જામનગરના આંગણે નિર્માણ થનાર આ કેન્દ્રથી સમગ્ર વિશ્વમાં આયુષ પ્રણાલીઓને એક જ સ્થળે સ્થાન મળશે. તેમજ પરંપરાગત ઔષધને પ્રોત્સાહન મળશે અને ગુજરાત આયુષ ઔષધીનું મુખ્ય મથક બનશે. સમગ્ર વિશ્વમાં પરંપરાગત ઔષધો માટે આ પ્રથમ અને એકમાત્ર વૈશ્વિક કેન્દ્ર હશે. પરંપરાગત દવાઓની ગુણવત્તા, સલામતી અને અસરકારકતા, સુલભતા અને તર્કસંબંધ ખાત્રી થશે. ઉપરાંત ડેટા એકત્ર કરવાના વિશ્લેષણો અને અસરનું મૂલ્યાંકન કરવા માટે સંબંધિત તકનીકી ક્ષેત્રો, સાધનો માટે ઉપયોગી થશે.
વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન્સના આ નવા પ્રકલ્પના નિર્માણ થકી પરંપરાગત ચિકિત્સા સંદર્ભે વિશ્વના તમામ ક્ષેત્રોને જોડવામાં આવશે અને જેનો લાભ ભારત સહિત સમગ્ર વિશ્વને મળશે. તેમજ જામનગર જિલ્લો આ ક્ષેત્રમાં કેન્દ્રસ્થાન તરીકે ઉભરી આવશે.
ગ્લોબલ સેન્ટરમાં ચાર બાબત કેન્દ્રસ્થાને
આ ગ્લોબલ સેન્ટર ફોર ટ્રેડિશનલ મેડિસિન ચાર મુખ્ય વ્યુહાત્મક ક્ષેત્રો પર ધ્યાન કેન્દ્રિત કરશે. જેમાં સંશોધન અને શિક્ષણ, માહિતી અને પૃથ્થકરણ, સ્થિરતા અને સમાનતા તેમજ વૈશ્વિક આરોગ્ય સેવાઓમાં પરંપરાગત ચિકિત્સાના યોગદાનને શ્રેષ્ઠ બનાવવા માટે નવીનીકરણ અને ટેકનોલોજીનો સમાવેશ કરવામાં આવશે.
આ પરંપરાગત ચિકિત્સા પદ્ધતિઓ અને ઉત્પાદનો પર નીતિઓ અને ધોરણો માટે નક્કર આધાર બનાવવા પર ધ્યાન કેન્દ્રિત કરશે અને વિશ્વભરના દેશોને તેમની આરોગ્ય પ્રણાલીમાં યોગ્ય રીતે સંકલિત કરવામાં મદદ કરશે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter