અમદાવાદઃ કેનેડા-અમેરિકાની સરહદ પરથી 28 એપ્રિલે ગેરકાયદે અમેરિકામાં ઘુસણખોરી કરતા પકડાયેલા છ યુવા ગુજરાતીઓ - અમિત પટેલ, ધૃવ પટેલ, નીલ પટેલ, ઉર્વેશ પટેલ, સાવન પટેલ અને દર્શન પટેલને અમેરિકાના ન્યૂ યોર્કની ડિસ્ટ્રીક્ટ કોર્ટે મુક્ત કરવાનો આદેશ કર્યો છે. આ તમામ લોકો પર ક્રિમિનલ કેસ કરાયા હતા.
ન્યૂ યોર્ક ડિસ્ટ્રીક્ટ કોર્ટના જજે આ તમામને ટકોર કરી હતી કે, અમેરિકામાં પ્રવેશવા માટે ગેરકાયદેસર રસ્તાઓ અપનાવો નહીં. માણસોને એક દેશમાંથી બીજા દેશમાં ગેરકાયદે રીતે ઘુસાડતા લોકોને (હ્યુમન સ્મગલર્સને) તમારામાં નહીં, પરંતુ તમારા પૈસામાં જ રસ છે. તમે જે મુસીબતોનો સામનો કર્યો છે, તે અંગે તમારા વતન ભારત જઈને વતનવાસીઓને આ બાબતથી વાકેફ કરો. તેમને સમજાવો કે, ગેરકાયદેસર રીતે અમેરિકામાં પ્રવેશવાનો રસ્તો અપનાવવાના બદલે કાયદેસર રીતે પ્રક્રિયાનું પાલન કરીને અમેરિકામાં પ્રવેશો. પકડાયેલા ચાર યુવકોની ન્યૂ યોર્ક ડિસ્ટ્રીક્ટ કોર્ટમાં રજૂઆત હતી કે, તેમને શિકાગો, જ્યારે એકને સાઉથ કેરોલિના અને અન્ય એકને જ્યોર્જિયા લઈ જવાના હતા.
આ લોકો મરતા મરતા બચ્યા છેઃ પબ્લિક પ્રોસિક્યુટર
બીજી તરફ, કોર્ટમાં અમેરિકન સરકારના પબ્લિક પ્રોસિક્યુટરની રજૂઆત હતી કે, અમેરિકામાં ઘુસણખોરી કરતા આ છ યુવાનોએ કોઈ હિંસક માધ્યમનો ઉપયોગ કર્યો નથી, તેમનો કોઈ ગુનાહિત ઈતિહાસ નથી, તેમને સજા કરવાના બદલે તેમની પાસેથી દંડની અડધી રકમ વસુલ કરો. તેઓ માનવ તસ્કરોનો ભોગ બનેલા છે અને તેઓ મરતા મરતા બચ્યા છે. તેમણે જેલમાં 24 દિવસ વિતાવ્યા છે. આ છ યુવકોને ભારત પરત મોકલી આપો. કેસમાં સાવન પટેલ નામનો યુવક સરકારી સાક્ષી બની ગયેલો અને તેને માનવ તસ્કરી કરનાર બ્રાયન લાઝોરે નામના આરોપી સામે નિવેદન આપેલુ છે.
એપ્રિલ મહિનામાં કેનેડા-અમેરિકાની સરહદ પરથી અમેરિકામાં ગેરકાયદેસર રીતે ઘુસતા ગુજરાતના છ યુવાનો ત્યાં રહેલી સેન્ટ રેજીસ નદીમાં તણાયા હતા. આ સમયે, અમેરિકાની પોલીસે તેમને બચાવેલા. જો પોલીસ સમયસર પહોંચી ન હોત તો તેઓ મૃત્યુ પામ્યા હોત. આ યુવાનોમાંથી ચાર ધો. 12 પાસ છે અને બે કોલેજમાં ભણે છે.