‘આપ’ના પ્રદેશ પ્રમુખ ઇટાલિયાનો બેફામ વાણીવિલાસ હર્ષ સંઘવીને ‘ડ્રગ્સ સંઘવી’ અને પાટીલને ‘બૂટલેગર’ કહ્યા

Saturday 10th September 2022 05:02 EDT
 
 

સુરત: સુરતના કાપોદ્રા નાના વરાછા સીમાડા નાકા પાસે તાજેતરમાં મધરાતે ગણપતિ મંડપ પાસે ‘આપ’ અને ભાજપના કાર્યકરો વચ્ચે ઘર્ષણના બનાવ બાદ શરૂ થયેલો ઝઘડો શમવાનું નામ લેતો નથી. ‘આપ’ના ગુજરાત પ્રદેશ પ્રમુખ ગોપાલ ઇટાલિયાએ એક વીડિયો મેસેજ વાયરલ કરીને ગુજરાત ભાજપ પ્રમુખ સી.આર. પાટીલ અને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી અંગે વાણીવિલાસ કરતા તેમના વિરુદ્ધ ઉમરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે.
પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ સુરતના કાપોદ્રા નાના વરાછા સીમાડા નાકા પાસે ૩૦ ઓગસ્ટે મોડીરાત્રે ગણપતિ મંડપ પાસે ‘આપ’ અને ભાજપના કાર્યકરો વચ્ચે ઘર્ષણના બનાવમાં સામસામી ફરિયાદ નોંધાઈ હતી. આ બનાવ બન્યાની ગણતરીની મિનિટોમાં ‘આપ’ના ગુજરાત પ્રદેશ પ્રમુખ ગોપાલ ઇટાલિયાએ એક વીડિયો વાયરલ કર્યો હતો. જેમાં તેણે ભાજપને ગુંડાઓ-લુખ્ખાઓની પાર્ટી ગણાવીને સી.આર. પાટીલને ‘માજી બુટલેગર’ અને હર્ષ સંઘવીને ‘ડ્રગ્સ સંઘવી’ કહ્યા હતા. ગોપાલ ઈટાલિયાએ વીડિયોમાં ઘણી ઉશ્કેરણીજનક વાતો કરીને ‘આપ’ના કાર્યકરોને કાપોદ્રા પોલીસ સ્ટેશન એકત્ર થવાની પણ હાકલ કરી હતી.
આ અંગે ભાજપના કાર્યકર અને વેપારી પ્રતાપભાઈ વિરજીભાઈ ચોડવડીયાએ રવિવારે રાત્રે ઉમરા પોલીસ મથકમાં ગોપાલ ઈટાલીયા (મોટા વરાછા) વિરુદ્ધ અપમાનજનક અને ઉશ્કેરણીજનક શબ્દો બોલી રાજકીય પ્રતિષ્ઠિત લોકોની માનહાનિ અને જાહેર શાંતિ ભંગ કરવા પણ પ્રયાસ કર્યો હોવાની ફરિયાદ નોંધાવી હતી.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter