અમદાવાદ: દેશના બે મોટા મંદિરના નિર્માણમાં ગુજરાત અને ગુજરાતીઓની મહત્ત્વની ભૂમિકા રહી છે. સોમનાથ મંદિરના પુન: નિર્માણમાં તત્કાલીન નાયબ વડા પ્રધાન સરદાર વલ્લભભાઇ પટેલે મહત્ત્વની ભૂમિકા ભજવી હતી.
જ્યારે અયોધ્યામાં રામ મંદિરના શિલાન્યાસની ઐતિહાસિક ઘટનાએ આકાર લીધો છે ત્યારે રામ મંદિરના નિર્માણમાં પણ ગુજરાત અને ગુજરાતીઓની ભૂમિકા સૌથી મહત્ત્વની રહી છે. દેશના સૌપ્રથમ જ્યોર્તિલિંગ સોમનાથ મંદિરની ડિઝાઇન તૈયાર કરનાર ગુજરાતના સોમપુરા પરિવારે જ અયોધ્યામાં રામ મંદિરની ડિઝાઇન તૈયાર કરી છે.
૮૦ના દાયકામાં રામ મંદિર નિર્માણ માટે ભાજપ નેતા એલ. કે. અડવાણીએ સોમનાથથી રથયાત્રાનો આરંભ કર્યો હતો. આ રથયાત્રામાં નરેન્દ્ર મોદીની ભૂમિકા મહત્ત્વની હતી. ૧૯૮૯થી નરેન્દ્ર મોદીએ મંદિરના નિર્માણ માટે રામશિલાઓ અયોધ્યા મોકલવાની કામગીરી સંભાળી હતી.
સૌથી વધુ રામશિલા ગુજરાતે આપી
અયોધ્યામાં રામ મંદિરના નિર્માણ માટે દેશમાં સૌથી વધારે રામશિલાઓ ગુજરાતમાંથી મોકલવામાં આવી હતી. માત્ર દક્ષિણ ગુજરાતમાંથી દોઢ લાખ જેટલી રામશિલાઓ મોકલવામાં આવી હતી. જ્યારે પથ્થરો કોતરવાની કામગીરીમાં સૌરાષ્ટ્રના અનેક કારીગરો અયોધ્યા ગયા હતા.
સોમનાથ મંદિરના જિર્ણોદ્ધાર માટે સરદારની પ્રતિજ્ઞા
દેશના પ્રથમ નાયબ વડા પ્રધાન સરદાર પટેલે ૧૯૪૭ની ૧૩ નવેમ્બરના રોજ સોમનાથ મંદિરના જિર્ણોદ્ધારની પ્રતિજ્ઞા લીધી હતી.
૧૯૫૧ની ૧૧ મેના રોજ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા વખતે તત્કાલીન રાષ્ટ્રપતિ ડો. રાજેન્દ્ર પ્રસાદે કહ્યું હતું કે, ‘આ મંદિર વિનાશ પર નિર્માણના વિજયનું પ્રતિક છે’.
ગુજરાતમાં મુસ્લિમોએ પણ રથયાત્રાનું સ્વાગત કર્યું હતું
ગુજરાતમાં ૬૦૦ ગામોમાંથી યાત્રા પસાર થઇ હતી. જેતપુરમાં સભામાં કાર્યકરોએ લોહીથી છલોછલ ભરેલી બરણી આપી હતી. આ સમયે કાર્યકરોએ ગામેગામ ફરીને ઇંટો એકત્ર કરી હતી. ઘરે-ઘરે જઇ એક-બે રૂપિયા લઇને પણ ભંડોળ એકત્રિત કર્યું હતું. મુસ્લિમોએ રથયાત્રાનું સ્વાગત કર્યું હતું.
મોદીની ઇચ્છા એક વિદેશવાસી દંપતીએ પૂર્ણ કરી...
અયોધ્યાઃ રામ મંદિર નિર્માણ સંદર્ભે વડા પ્રધાન નરેન્દ્ર મોદીની એક વર્ષોજૂની ઇચ્છા હતી. તેમની ઝંખના હતી કે રામ મંદિર શિલાન્યાસ વેળા ૫૦૦૦ વર્ષ જૂની શક્તિ પીઠ શારદા પીઠ ભૂમિની માટી પણ લાવવી. જોકે આમાં સૌથી મોટી સમસ્યા એ હતી કે, આ સદીઓ પુરાણી શારદા પીઠ હાલ પાકિસ્તાન કબજાગ્રસ્ત કાશ્મીરમાં છે.
કૃષ્ણા ઘાટી નામની આ જગ્યાને પાકિસ્તાન નીલમ ઘાટી નામથી ઓળખે છે. આ સ્થળની માત્ર માટી જ નહીં, જળ પણ લાવવાનું હતું. આ કામ પૂરુ કર્યું ચીનમાં રહેતા ભારતવંશી વેન્કટેશ રમણ અને તેમની ધર્મપત્નીએ. રામ મંદિર શિલાન્યાસના પૂજનમાં આ શક્તિ પીઠ સ્થળની પવિત્ર માટી અને જળનો પણ ઉપયોગ થયો હતો.